પોરબંદર
મૂળ પોરબંદર ના અને વરસો થી સ્વીડન માં વસતા મહેર પરિવારે લોકડાઉન દરમ્યાન સ્વીડન માં ફ્રન્ટ લાઈન વર્કરો ને જાતે રાંધી અને જમાડવાનો સેવાયજ્ઞ કર્યો હતો.જે બદલ તાજેતર માં સ્વીડન સરકારે તેઓનું હાઈ શેરીફ એવોર્ડ આપી સન્માન કર્યું હતું.
મૂળ પોરબંદર નજીક ના અમર ગામના વતની અને છેલ્લા ચાર દાયકા થી સ્વીડન માં વસતા રામભાઈ કારાવદરા ,તેમના પત્ની ઉલ્લાસબેન, સંતાનો અનીલભાઈ ઉષાબેન,નિશાબેન વગેરે એ સ્વીડન માં કોરોના વાયરસ ની શરુઆત થતા જાહેર કરાયેલ લોકડાઉન દરમ્યાન એક અનેરો સેવાયજ્ઞ શરુ કર્યો હતો.જેમાં કોરોના ને નાથવા ફરજ પર રહેલા ફ્રન્ટ લાઈન વર્કરો પેરા મેડીકલ સ્ટાફ,ફાયરબ્રિગેડ સ્ટાફ,પોલીસ સ્ટાફ સહીત તમામ વિભાગ ના અધિકારીઓ અને કર્મચારીઓ ને ભોજન આપવાની કામગીરી શરુ કરી હતી.
જેમાં તેઓ પરિવારજનો સાથે આ ભોજન તૈયાર કરી તેના ફૂડ પેકેટ તૈયાર કરી જે તે વિભાગ ના કર્મચારીઓ ને આપતા હતા.દિવસો સુધી તેઓએ પોતાના ઘરે જ આ રીતે સેવા બજાવી હતી.અને બે હજાર થી વધુ ફૂડ પેકેટ નું આ રીતે તેઓએ વિતરણ કર્યું હતું.જેથી તેઓનું સ્વીડન સરકારે હાઈ શેરીફ એવોર્ડ થી સન્માન પણ કર્યું હતું.રામભાઈ એ જણાવ્યું હતું કે અમે ઇમરજન્સી સેવાઓના સ્ટાફ ને જમાડવાનું પસંદ કર્યું કારણ કે તેઓ દરરોજ તેમના જીવનનું જોખમ લે છે.અને ખાસ કરીને રોગચાળા સાથે તેઓ વધારે જોખમમાં હોય છે.અમે કંઈક પાછું આપવા માંગતા હતા.આમ પણ સ્વીડને મને ઘણું આપ્યું છે.તેઓએ એક રૂપિયા નો પણ ફાળો લીધો ન હતો.અને સ્વખર્ચે જ બધા ને જમાડ્યા હતા. રામભાઈ સ્વીડન હિંદુ સમાજ નામની સંસ્થા ના પણ સભ્ય છે.જે સંસ્થા ત્યાં અનેક સેવાકીય કાર્યો કરે છે.ખાસ કરી ને કોરોના ની સ્થિતિ માં આ સંસ્થા ની કામગીરી નોંધપાત્ર રહી છે.
પોરબંદર પંથકના ખમીરવંતા અને મોટા મનવાળા માયાળુ મહેર સમાજના લોકો માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ સેવાકાર્યોની સરવાણી વહાવીને ગાંધીભુમિને ગૌરવ બક્ષી રહ્યા હોય તેવો વધુ આ એક કિસ્સો સામે આવ્યો છે.આ પરિવારના મિત્ર એવા પોરબંદર કોંગ્રેસના યુવા આગેવાન દેવશીભાઇ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે,લોકડાઉન દરમિયાન રામભાઇ કારાવદરા પરિવારે સેવાકાર્યો કર્યા.ત્યારે કોઇપણ પ્રકારની પ્રસિધ્ધીનો મોહ રાખ્યા વગર સતત કામગીરી એકધારી ચાલુ રાખી હતી.પરંતુ હવે જયારે એવોર્ડ મળ્યો છે.ત્યારે તેઓની કામગીરીને ચોકકસ બિરદાવવી જ જોઈએ.તેમ ઉમેરીને તેમની આ માહિતી પુરી પાડી હતી.આમ,વિદેશની ધરતી ઉપર પણ પોરબંદર પંથકના મહેર સમાજના પરિવારો સેવાકાર્યોની સરવાણી દ્વારા ગાંધીભુમિની ગરીમાને અને મહેર સમાજની મોટપને વધુ ઉજળી કરી રહ્યા છે ત્યારે સૌ કોઇએ આ પરિવારને બિરદાવ્યો છે.
ખુબ જોખમ વચ્ચે કરી કામગીરી
એ સમયે સ્વિડનમાં દૈનિક હજારો કોરોના પોઝીટીવ કેસ જાહેર થતા હતા અને લોકો ઘરની બહાર નિકળતા પણ ડરતા હતા.તેવા સંજોગો માં મહેર સમાજના આ પરિવારે પોતાના જીવની પરવા કર્યા વગર ફ્રન્ટલાઇન કોરોના વર્કરોને ઓનડયુટી જયાં હોય ત્યાં જઇને નિઃશુલ્ક ભોજન પૂરું પાડીને તેમના જઠરાગ્નિ ઠાર્યા છે તેવી કામગીરી ભાગ્યે જ કોઇ કરી શકે છે.
જે દેશે આપ્યુ તેનું ઋણ ચુકવ્યું
પોરબંદર પંથકના તથા વર્ષોથી સ્વિડન વસતા આ પરિવારના મોભી રામભાઇ કારાવદરાએ જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટીંગ ના વ્યવસાયમાં અમને સ્વિડને ઘણુ બધું આપ્યું છે તેથી જે દેશનું અમે અન્ન ખાધુ છે, જયાંથી અમે કમાયા છીએ તેનું ઋણ ચુકવવાનો અમને આ અમૂલ્ય અવસર મળ્યો હતો અને તે અમે સુપેરે નિભાવ્યું છે.