પોરબંદર
સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસના વધી રહેલા દર્દીઓની સંખ્યા વરસે પોરબંદરથી રાહતના સમાચાર આવ્યા છે. શહેરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમાં છેલ્લા ૧૧ દિવસથી સારવાર મેળવી રહેલા કોરોના વાઇરસનાં સંક્રમણથી પીડિત બે દર્દીઓનાં રીપોર્ટ નેગેટીવ આવતા તેઓ બન્નેને આજે હોસ્પિટલથી વિદાય આપવામાં આવી હતી.
રાજ્ય સરકારનું સીધુ માર્ગદર્શન, જિલ્લા તંત્રની રાતદિનની ફરજ નિષ્ઠા, ડોકટરોની સતત સારવાર અને કોરોનાને હરાવવા લોકડાઉનનું જનતાએ કરેલી અમલવારીનાં કારણે પોરબંદર જિલ્લો હાલ નોવેલ કોરોના વાઇરસથી મૂક્ત બન્યો છે. જિલ્લામાં નોંધાયેલા ત્રણેય પોઝીટીવ દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઇ જતા અને હાલ એક પણ કેસ પોઝીટીવ ન નોંધાતા જિલ્લાતંત્રની સતત મહેનત અને લોકોના સાથ સહકારનું સુખદ પરીણામ આવ્યુ છે. પણ, લોકડાઉન હજુ ચાલુ જ છે, કોરોના સામેની જંગ પણ ચાલુ જ છે. સૌએ સાથે મળીને વિશ્વને કોરોના મૂક્ત બનાવવાનું છે.
પોરબંદરનાં ભરતભાઇ કાછેલા દુબઇથી આવ્યા બાદ તબીબી સારવાર દરમ્યાન કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા ભાવસિંહજી જનરલ હોસ્પિટલ આઇસોલેશન વોર્ડમાં સારવાર ચાલુ કરવામાં આવી હતી. ભરતભાઇએ કહ્યુ કે, ૧૧ દિવસની સારવાર બાદ તા.૮/૯ એપ્રિલના રોજ ૨૪ કલાકના સમયગાળામાં લીધેલા ૨ રીપોર્ટ નેગેટીવ આવતા મને રજા આપવામાં આવી છે. સતત ૧૨ દિવસ સુધી ડોકટરોએ મારી સારવાર કરી તે ખૂબ જ ધન્યવાદને પાત્ર છે.
પોતાના મમ્મી સાથે જેમનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો તે પોરબંદરની ૨૭ વર્ષિય યુવતિ સ્વાતીબેન ગૌસ્વામીએ કહ્યુ કે, ઇશ્વર પર અપાર શ્રધ્ધા, પરિવારે આપેલી હિંમત, ડોકટર્સે કરેલી સારવાર તથા સરકારવતી જિલ્લાતંત્રના સંપૂર્ણ સપોર્ટથી હું આજે કોરોના મૂક્ત બની છું. સ્વાતિબહેને કહ્યુ કે, લોકોએ કોરોનાથી ગભરાવાની જરા પણ જરૂર નથી, પણ સાવચેત રહેવુ ખુબ જ જરૂરી છે, માટે લોકડાઉન સહિતની સરકારે આપેલી સુચનાઓનું પાલન કરી ઘરમાં રહીએ અને દેશને કોરોના મૂક્ત બનાવીએ.
ડો.નિરાલીબેન ઓડેદરાએ કહ્યુ કે, નોવેલ કોરોના વાઇરસ COVID-19 નાં પોરબંદર જિલ્લામાં નોંધાયેલા ત્રણેય દર્દીઓને ભાવસિંહજી જનરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ગત તા.૯ એપ્રિલના રોજ એક તથા આજ તા.૧૦ એપ્રિલના રોજ પ્રોટોકોલ મુજબ ૨૪ કલાકના લીધેલા બન્ને દર્દીઓના બે-બે રીપોર્ટ નેગેટીવ આવતા તેઓને હોસ્પિટલથી સારવાર મૂક્ત કરવામાં આવ્યા છે.
સિવિલ સર્જન ડો.ડી.એમ.રાઠોડે કહ્યુ કે, ભાવસિંહજી જનરલ હોસ્પિટલમાં નોવેલ કોરોના વાઇરસનાં સંક્રમણથી પીડિત ૩ દર્દીઓ સારવાર લઇ રહ્યા હતાં. ગઇકાલે તા.૯ એપ્રિલના રોજ એક અને આજ તા.૧૦ એપ્રિલના રોજ ૨ દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઇ જતા તેઓને સર્ટીફિકેટ આપીને સારવાર મૂક્ત કરાયા છે. તથા ૧૪ દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇનમાં રહેવા લેખીતમાં સુચના આપી છે.
આમ પોરબંદર જિલ્લામાં નોંધાયેલા કોરોનાના ૩ પોઝીટીવ કેસના દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવતા જિલ્લો કોરોના મૂક્ત બન્યો છે. દેશમાં કોરોનાના પોઝીટીવ કેસોની સંખ્યા વધે નહી તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે, એવી સ્થિતિ વચ્ચે પોરબંદરમાં એક પણ કેસ ફરી પાછો પોઝીટીવ ન આવે તે માટે કલેકટરશ્રી ડી.એન.મોદીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના સબંધિત તમામ વરિષ્ઠ અધિકારીશ્રીઓ, કર્મચારીઓ સતત કામ કરી રહ્યા છે. ત્યારે જનતાનો પણ સંપૂર્ણ સહયોગ મળે તે ખાસ જરૂરી છે.
જુઓ આ વિડીયો