પોરબંદર
પોરબંદર ના સુભાસનગર વિસ્તાર મા આવેલ સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકોને સડેલા ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવતા સ્થાનિકો મા ભારે રોષ જોવા મળે છે. આ અંગે સ્થાનિકોએ પોરબંદર ટાઈમ્સ નો સંપર્ક કરતા પોરબંદર ટાઈમ્સ ની ટીમ દ્વારા સમગ્ર વિસ્તાર ની મુલાકાત લેવામાં આવી હતી.તેમજ અનેક ઘરો એ જઈ તેમને અપાયેલ અનાજ ની માહિતી મેળવી હતી આ વિસ્તાર મા ગરીબ વર્ગ ના લોકો જ રહેતા હોવાથી ન છુટકે પશુ પણ ન ખાય તેવું અનાજ ખાવા મજબુર બન્યા છે આ અંગે સસ્તા અનાજ ના દુકાનદાર નો સંપર્ક કરતા દુકાનદારે ઉપર થી જ આવો માલ સપ્લાય કરવામાં આવતો હોવાનું જણાવ્યું હતું
પોરબંદર ના સુભાષનગર વિસ્તાર કે જ્યાં મોટા ભાગે ખુબ જ ગરીબ વર્ગ ના માછીમારો અને અન્ય શ્રમિકો વસવાટ કરે છે. આ વિસ્તાર મા પંડિત દિનદયાલ સરકારી ગ્રાહક ભંડારની સસ્તા અનાજની દુકાન આવેલ છે. દુકાનના સંચાલક દ્વારા રેશનકાર્ડ ધારકોને ઘઉં અને ચોખા નું વિતરણ કરવામાં આવે છે. અહી છેલ્લા ઘણા સમય થી આ સસ્તા અનાજની દુકાનમાંથી વિતરણ કરાતા ઘઉંમાં ખુબ જીવાત અને ધનેડા જોવા મળે છે અને સડેલુ અનાજ વિતરણ કરવામાં આવે છે .સમગ્ર વિસ્તાર મા અનેક ઘરો મા આ પ્રકાર નું અનાજ નું વિતરણ કરાયું છે.આથી આ અંગે સ્થાનિકો એ આજે પોરબંદર ટાઈમ્સ ને આ બાબતની જાણ કરતા પોરબંદર ટાઈમ્સ ની ટીમ દ્વારા સમગ્ર વિસ્તાર ની મુલાકાત લેવામાં આવી હતી અને તેમને વિતરણ કરાયેલ અનાજ અંગે માહિતી મેળવી હતી . સ્થાનિકો એ ભારે રોષ સાથે જણાવ્યું હતું કે સસ્તા અનાજની દુકાનમાંથી આપવામાં આવેલ ઘઉં સડેલા અને જીવાતવાળા તેમજ ખાવાલાયક નથી.તેમજ ચોખા પણ ખુબ જ હલકી ગુણવતા ના આપવામાં આવે છે .કોઈ પશુ પણ ન ખાઈ શકે તેવા આ અનાજ અંગે જો કોઈ ગ્રાહક દ્વારા સંચાલકને ફરિયાદ કરવામાં આવે તો સંચાલક દ્વારા તેમની સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરે છે અને આવું જ અનાજ છે જોઈએ તો લો નહિતર ચાલતી પકડો તેવા જવાબો આપવામાં આવે છે.આ વિસ્તાર મા ગરીબ પરિવારો વસવાટ કરતા હોવાથી તેમને ખુલ્લી બજાર માંથી અનાજ નો જથ્થો ખરીદ કરવો પરવડતો નથી તેથી ન છુટકે આવું અનાજ તેઓ સાફ કરી અને રસોઈ મા ઉપયોગ કરે છે અને હાલ કોરોના ના ભય વચ્ચે આવું સડેલું અનાજ ખાવા થી સ્થાનિકો મા રોગચાળા ની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકો એ આક્રોશપૂર્વક એવું પણ જણાવ્યું હતું કે આવું અનાજ આપવું એ ગરીબો ની મશ્કરી સમાન છે આના કરતા સરકાર અનાજ નું વિતરણ ન કરે એ સારું છે.હાલ તો સમગ્ર વિસ્તાર ના ગરીબો આવું સડેલું અનાજ ખાવા મજબુર બન્યા છે
જ્યારે બીજી તરફ સસ્તા અનાજની દુકાનના સંચાલક પ્રજ્ઞેશભાઈ ખોખરી એ એવું જણાવ્યું હતું કે આ સડેલા અનાજનો જથ્થો તેઓને સરકારી ગોડાઉનમાંથી આપવામાં આવ્યો છે. જેના કારણે ગ્રાહકોને આવા અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર મામલે તેઓની કોઈ જવાબદારી બનતી ન હોવાનું તેઓએ ઉમેર્યું હતું.અને તેમની દુકાને આ અનાજ સડતું ન હોવાનું તેઓએ જણાવ્યું હતું
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને સસ્તાભાવે અનાજનું વિતરણ કરવાની સગવડ કરાઈ છે પરંતુ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના પાપે ગરીબોને ભોગવવા નો વારો આવે છે અને સારી ગુણવત્તાવાળુ અનાજ મળતુ નથી ત્યારે આ અંગે ઉચ્ચકક્ષાએથી જો યોગ્ય તપાસ કરવામાં આવે તો મસમોટુ કૌભાંડ બહાર આવવાની શક્યતા જોવાઈ રહી છે.
જુઓ આ વિડીયો