પોરબંદર
કૃષિમંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષસ્થાને પોરબંદર જિલ્લા સેવા-સદન-૧ સભાખંડ ખાતે કોરોનાની સંભવિત ત્રીજી લહેર સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી.બેઠકમાં કૃષિમંત્રીએ ત્રીજી લહેર સામેના આગોતરા આયોજન સંદર્ભે જિલ્લામાં થયેલ કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું.
હાલની સ્થિતિ, કોરોના નિયંત્રણ માટે શું પગલા લેવા? હોસ્પિટલમાં બેડ, વેન્ટીલેટર, ઓક્સિજન, બાળ દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા, કોરોના ટેસ્ટીંગ, પુરતી દવા, મેડીકલ કર્મચારીઓ, ડોકટર્સ વગેરે કોરોના વોરીયર્સની પુરતી સંખ્યા, સામાજિક સંસ્થાઓનો સાથ સહકાર વગેરે મુદાઓ પર ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.આગોતરા આયોજન રૂપે સિવિલ હોસ્પિટલમાં ૨૦ હજાર લીટરની ક્ષમતાવાળી ઓક્સિજન ટાંકી, ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ૧૫૦૦ લીટર પ્રતિ મિનિટ ક્ષમતાવાળો ઓક્સિજન પ્લાન્ટ, નર્સિંગ સ્કૂલ ૧ હજાર પ્રતિ લીટર પ્રતિ મિનિટ ક્ષમતાવાળી ઓક્સિજન PSA પ્લાન્ટ, વનાણા નર્સિંગ તાલીમ તથા લેડી એમ.આર. હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રોની સ્થિતિ, ભાવસિંહજી હોસ્પિટલ, નર્સિંગ સ્કૂલ, વનાણા નર્સિંગ સ્કૂલ તથા એન.કે. હોસ્પિટલ ખાતે ઓક્સિજન સાથેના ૫૫૦ બેડની વ્યવસ્થા,આ ઉપરાંત જિલ્લા આરોગ્ય તંત્ર દ્રારા અલગથી કરાયેલ બેડની વ્યવસ્થા,ધન્વંતરી તથા સંજીવની રથ દ્રારા દર્દીઓની સારવાર તથા વેક્સીનેશન, પ્રધાનમંત્રી કૌશલ યોજના હેઠળ હોસ્પિટલ આસીસ્ટન્ટ તેમજ અન્ય માનવબળ તૈયાર કરવા માટે ૧૯૦થી વધુ ઉમેદવારોને કોરોનાને લગતી અપાયેલ પાયાની તાલીમ, તબીબોને ઓક્સિજન અને પીડીયાટ્રીકની અગત્યની બાબતોની તાલીમ, વેન્ટીલેટર કેરની તાલીમ સહિત ટીમ પોરબંદર દ્રારા કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા કરાયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, પ્રભારી સચિવ રણજીત કુમાર,કલેકટર અશોક શર્મા,ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.ધાનાણી,નિવાસી અધિક કલેકટર એમ.કે.જોષી,સિવિલ સર્જન દિવ્યાબેન દાગા,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવે સહિત ઉપસ્થિત રહ્યા હતા.
કોરોનાની સંભવિત ત્રીજી લહેર સંદર્ભે સમીક્ષા કરવા જિલ્લાના પ્રવાસે આવેલા કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે ભાવસિહજી જનરલ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી.હોસ્પિટલમાં કાર્યરત આઇસોલેશન વોર્ડ,બેડ,ઓક્સિજનની સુવિધા,કોરોના ટેસ્ટીંગ,લેબ વિભાગ,ઇમરજન્સી વોર્ડની મુલાકાત કરીને હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધા અંગે તાગ મેળવી ને જરૂરી સુચનો રજૂ કર્યા હતા.આ ઉપરાંત મંત્રીએ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની મુલાકાત કરી તેઓના ખબર અંતર પુછ્યા હતા.કોરોનાની ત્રીજી લહેરની ઘાત ટળે તે માટે તથા જો ગંભીર પરિસ્થિતિ નિર્માણ પામે તો સ્થિતિને પહોંચી વળવા તૈયારીની સમીક્ષા કરી હતી.
જુઓ આ વિડીયો