પોરબંદર
પોરબંદર ખાતે આયોજિત નેશનલ સી સ્વીમીંગ સ્પર્ધા માં ભાગ લેવા આવેલી ઓટિઝમ રોગથી પીડાતી જિયા રાય નામની બાળકી ભારત અને શ્રીલંકા સમુદ્ર સપાટી વચ્ચે આવેલા પાલ્ક સ્ટ્રેઈટની સમુદ્ર સપાટીમાં તરણ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવશે.
પોરબંદર ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાની દરિયાઈ તરણ સ્પર્ધા માં ભાગ લેવા આવેલી જીયા રાય નામની ૧૩ વર્ષીય પેરા સ્વીમર ભારત શ્રીલંકા સમુદ્ર સપાટી વચ્ચે પાલ્ક સ્ટ્રેઈટ સમુદ્રી વિસ્તારમાં સ્વિમિંગ કરી વર્લ્ડ રેકોર્ડ સર્જશે 19 માર્ચે જિયા શ્રીલંકાના તલાઈમનારથી ભારતના ધનુષકોડી સુધી 29 કિમીનું અંતર કાપશે. આ એક વર્લ્ડ રેકોર્ડ સર્જાશે. જિયાના પિતા મુંબઈ ખાતે નેવી ઓફિસર હોવાથી તેને દરિયા અંગે વિશેષ માહિતી હોય છે અને જેમાં તેના ધ્યાને આવ્યું કે, પાલ્ક સ્ટ્રેઈટમાં ભૂલા ચૌધરી નામની એક નોર્મલ મહિલાએ 13 કલાક 12 મિનિટમાં સ્વિમિંગ પૂર્ણ કર્યું છે. જ્યારે 13 વર્ષની જિયા આ સ્વિમિંગ 10 કલાકમાં પૂર્ણ કરશે અને વર્લ્ડ રેકોર્ડ સર્જશે તેમ તેના પિતાએ જણાવ્યું હતું. આ સ્વિમિંગ દરમિયાન ભારતીય નેવી અને શ્રીલંકન નેવી સાથે રહેશે. આ ઉપરાંત તેનું ઓબ્ઝર્વેશન પોરબંદરની શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ કરશે. આ સ્વિમિંગનું નામ “ફ્રેન્ડશીપ સ્વિમ રાખવામાં આવ્યું છે. અત્યારે જિયાએ આ સ્વિમિંગ માટેની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. તેના પિતાએ જણાવ્યું હતું કે, કોઈનું સંતાન દિવ્યાંગ હોય તો તેની ડિસેબિલિટી નહી તેની એબિલિટી જોવી જોઈએ તેને સહકાર અને હૂંફની જરૂર હોય છે.
સ્વીમીંગ કોચે શીખવવા નીના પાડતા માતા નોકરી છોડી કોચ બની
નેવી ઓફિસર મદન રાય અને રચના રાયના ઘરે 10 મે 2008ના દિવસે જિયા. નો જન્મ થયો હતો નાનપણ થી તે બાળકોથી દૂર રહેતી હતી અને મોટા ભાગે એકલા રહેવાનું પસંદ કરતી હતી. જેથી આ અંગે ડોક્ટરને બતાવતા જીયા ઓટિઝમ નામની બીમારીનો શિકાર હોવાનું સામે આવ્યું હતું આ બીમારીનો ઈલાજ નથી. આ સાંભળીને માતાપિતા સ્તબ્ધ થઈ ગયા હતા જિયાને પાણી સાથે ઘણો લગાવ હતો. તે પાણીમાં રમી આનંદિત થતી હતી. તેની સ્વિમિંગ કોચે તેની દિવ્યાંગતાના કારણે તેને સ્વિમિંગ શિખવવાની ના પાડી દીધી હતી આથી જિયાની માતાએ ટીચરની નોકરી છોડીને જિયા માટે પોતે સ્વિમિંગ શીખ્યાં અને ત્યારબાદ જિયાને સ્વિમિંગ શિખવ્યું હતું
અનેક સ્પર્ધા માં વિજેતા બની
4 વર્ષમાં જિયાના માતાની મહેનત રંગ લાવી હતી અને જિયા સ્વિમિંગમાં નિપૂણ થઈ ગઈ હતી. જિયાને સ્વિમિંગ આવડતા તેણે સૌપ્રથમ વખત મહારાષ્ટ્રના માલવન ખાતે 17 ડિસેમ્બર 2017માં યોજાયેલી સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો, પરંતુ તેને સ્વિમિંગના કેટલાક નિયમોની માહિતી ન હોવાથી તે યોગ્ય સ્થાન ન મેળવી શકી, પરંતુ ત્યારબાદ માતાએ તેને નિયમો સાથે પ્રેક્ટિસ કરાવી અને જિયા અઠવાડિયામાં 4 દિવસ એક કલાક સ્વિમિંગ પૂલમાં અને શનિ-રવિ એમ 2 દિવસ દરિયામાં સ્વિમિંગ શીખી હતી. ધીમે ધીમે તેણે એક દિવસમાં 4 કલાક સુધી પણ પ્રેક્ટિસ કરી હતી. જિયાનો જુસ્સો અને મહેનત રંગ લાવી હતી. આખરે જિયા 5 જાન્યુઆરી 2019એ પોરબંદરમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષા ની સ્વિમિંગ સ્પર્ધામાં પેરા સ્વિમર કેટેગરી માં સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ તેના જીવનનો મહત્વ નો વળાંક હતો ત્યારબાદ જિયાએ અનેક સ્પર્ધામાં ભાગ લીધો હતો. આમ, જિયા અત્યાર સુધી 22 ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. આ ઉપરાંત ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડ 2020 અને એશિયા બુક ઓફ રેકોર્ડ 2020માં પણ પેરાસ્વિમર તરીકે તેણે સ્થાન મેળવ્યું છે. મુંબઈ ખાતે યોજાયેલી વરલી સી લિન્ક (ગેટ વે ઓફ ઈન્ડિયા)માં યોજાયેલી સી સ્વિમિંગ સ્પર્ધામાં 36 કિમીનું અંતર 8 કલાક 40 મિનિટમાં કાપ્યું હતું.
સાજા અને સ્વસ્થ વ્યક્તિ માટે પણ કેટલાક કામ કરવા મુશ્કેલ કે અશક્ય હોય છે. ત્યારે આ જ કામ કેટલીક વાર દિવ્યાંગો કરીને આશ્ચર્યમાં મૂકી દે છે. આવું જ એક કામ કરવાની છે ઓટિઝમ રોગથી પીડાતી આ પેરાસ્વિમર જિયા રાય. જિયાને જે ઓટિઝમ રોગ છે. તે રોગનો કોઈ ઈલાજ નથી.આ બીમારીમાં બાળકોની શારીરિક અને માનસિક સક્ષમતા ઓછી હોય છે, પરંતુ આવી બીમારીનો સામનો કરીને પણ જિયા ભારત અને શ્રીલંકા સમુદ્ર સપાટી વચ્ચે આવેલા પાલ્ક સ્ટ્રેઈટની સમુદ્ર સપાટીમાં તરણ ખરીને વર્લ્ડ રેકોર્ડ સર્જવા જઈ રહી છે.ત્યારે જિયાના માતાપિતા પોતાની બાળકી પર ગર્વ લઇ રહ્યા છે.