પોરબંદર
કાળી ચૌદશની રાત્રીએ અંધશ્રદ્ધા નિવારણ માટે જુદા-જુદા કાર્યક્રમો થતા હોય છે, ત્યારે પોરબંદરના જીવદયા પ્રેમી યુવાનોએ શહેર અને જીલ્લામાં રખડતા પશુઓને કારણે વધેલા વાહન અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા કાળી ચૌદશની રાત્રીએ ગૌધનના શીંગડામાં રૅડીયમ ચોટાડવાનું પ્રેરક કાર્ય કરી સૌને અનેરો રાહ ચીંધ્યો છે.
પોરબંદર શહેર અને જીલામાં રસ્તે રઝળતા પશુઓ ના કારણે અનેક અકસ્માતો થયા છે જેમાં અનેક લોકો એ જીવ પણ ગુમાવ્યા છે તેની સાથોસાથ પશુઓ પણ અકસ્માત ના કારણે અનેક વખત ઈજાગ્રસ્ત થયા છે તેમજ અનેક પશુઓ એ વાહન ની ઠોકરે જીવ પણ ગુમાવ્યા છે ત્યારે શહેરમાં પશુઓના ત્રાસ કરતા તેમના માલીકોનો ત્રાસ વધ્યો છે અને ગાયોને દોહીને એઠવાડ ખાવા માટે રસ્તે રઝળતી કરી મુકવામાં આવે છે ત્યારે જીલ્લા કલેકટરે જે જાહેરનામું બહાર પાડયું છે તેની અમલવારી કરવાની સાથોસાથ પોતાના માલીકોના ઢોર રોડ ઉપર રસ્તે રઝળતા કરી દેનારા માલીકો સામે પણ ગુન્હા નોંધીને કાર્યવાહી થતી નથી. ત્યારે શહેરના તમામ રસ્તાઓ અને હાઈવે ઉપર અનેક ગાય-ખૂટીયાઓ ફરતા નજરે ચડે છે. એટલું જ નહીં રસ્તા પર અચાનક આ પશુઓ આડા ઉતરતા વાહનચાલકોને ફરજીયાત બ્રેક મારવી પડે છે ત્યારે અનેક ચાલકો વાહન પરથી કાબુ ગુમાવતા અકસ્માતનો ભોગ બને છે. ખાસ કરીને રાત્રીના અંધકાર ના સમયમાં રસ્તા પર પશુઓ સાથે અથડાવવાના અનેક બનાવો બને છે ત્યારે પોરબંદરના ગૌપ્રેમી યુવાનોએ કાળીચૌદશની રાત્રીએ જ અનોખું સેવાકાર્ય હાથ ધર્યું હતું. જેમાં ગૌપ્રેમી જીવાભાઈ રાતડીયાના નેતૃત્વમાં તેમની ટીમના સભ્યો અને પોરબંદર માં વરસો થી મૂંગા પશુઓ ની દિવસરાત સતત સેવા અને સારવાર કરનાર રાજુભાઈ સરમા વગેરેએ ગૌમાતા અને લોકોને અકસ્માતનો ભોગ બનતા અટકાવવા ગૌધનના શીંગડામાં રેડીયમ ચોટાડવા માટેનું આયોજન હાથ ધર્યું હતું. જેમાં રાણાવાવમાં ગૌસેવાના લાભાર્થે ફટાકડાનો સ્ટોલ કરનારા કિરીટભાઈ વિસાણાએ ૪૬૦૦ રૂપીયાનું રેડીયમ નિઃશુલ્ક આ યુવાનોને આપ્યું હતું. જીવાભાઈ રાતડીયા તેમની ગાડી અને યુવાનોને સાથે લઈને આ હજારો રૂપીયાની કિંમતનું રેડીયમ લઈને રાત્રીના સમયે શહેરના કમલાબાગથી નરસંગ ટેકરી રોડ ઉપર, હાઈવે ઉપર, ઓવરબ્રીજ નીચે, રોકડીયા હનુમાનથી માર્કેટીંગ યાર્ડ થઈને જ્યુબેલી-બોખીરા વિસ્તાર સુધી અને બોખીરા થી ત્રણ માઈલ સુધીનો વિસ્તાર, શહેરના હનુમાનગુફા પોલીસ ચોકીથી રામ ગેસ્ટ હાઉસ, છાંયા ચોકી, સ્ટેશન રોડ, એમ.જી. રોડ વગેરે વિસ્તારોમાં રસ્તા પર જે કોઈ ગાય, ખૂટીયા સહિતનું ગૌધન મળી આવે તેમના શીંગડામાં આ રૅડીયમ ચોંટાડવાનું કાર્ય હાથ ધર્યું હતું. રેડીયમ ચોટાડી દીધા બાદ અસંખ્ય પશુઓના શીંગડા રાત્રીના સમયે લાઈટ પડવાથી જોરદાર પ્રકાશિત થઈ ઉઠ્તા નજરે ચડતા હતા. આથી દીવાળીના દીવડાથી જે રીતે પ્રકાશ ફેલાય છે તેમ અંધકારમાં રેડીયમનો પ્રકાશ ફેલાઈ ગયો હતો. આ રીતે પશુઓના શીંગડા પર રૅડીયમ લગાડવાથી વાહનચાલકોને રસ્તા પર ક્યાંય પણ પશુઓ હોય તેનો રાત્રીના અંધકારમાં પણ રેડીયમના ચળકાટથી તુરંત ખ્યાલ આવી જશે જેથી અનેક વાહન અકસ્માતો સર્જાતા અટકશે. આ રીતે પોરબંદરના જીવદયા પ્રેમી યુવાનોએ આ અનોખું સેવાકાર્ય કરીને સમાજને પણ અનેરો રાહ ચીંધ્યો છે જેને શહેરીજનો એ પણ ખુબ બિરદાવ્યો છે ઉલ્લેખનીય છે કે જીલ્લામાં પશુઓ સાથે અકસ્માત સર્જાવાથી અનેક માણસો મોતને ભેટયા છે તે જ રીતે અનેક પશુઓ પણ મોતને ભેટી રહ્યા છે અને અમુક પશુઓનો વિકલાંગ બનીને લાચાર અવસ્થામાં જીવન વિતાવી રહ્યા છે ત્યારે વાહન અકસ્માત અટકાવવા આ રેડીયમનો પ્રકાશ એ ખૂબ ઉપયોગી પૂરવાર થશે.
પોરબંદર જીલ્લામાં છેલ્લા ૧૫ દિવસમાં ત્રણ યુવાનોના હાઈવે ઉપર અકસ્માતને લીધે મોત નિપજ્યા છે. પાંડાવદરના બે યુવાન અને બખરલાનો એક યુવાન પોતાના વાહનો લઈને મોડી રાત્રે હાઈવે ઉપરથી નીકળ્યા હતા ત્યારે તેઓના વાહનો રોડ ઉપર બેસેલા અને ઉભેલા ગાય-ખૂટીયા સાથે અથડાતા મોત નિપજ્યા હતા તેમજ પશુઓ પણ ઈજાગ્રસ્ત બન્યા હતા. ત્યારે મૃત્યુ પામેલા આ યુવાનોને નવતર શ્રદ્ધાંજલી હાઈવે પર રખડતા પશુઓના શીંગડે રેડીયમ બાંધી આપીને સૌને પ્રેરણા આપી છે.