પોરબંદર
પોરબંદર ના ગઢવી પરિવાર માં બે વરસ પહેલા વિધવા બનેલી પુત્રવધુ ના તાજેતર માં લગ્ન યોજાયા હતા વિધવા બનેલી યુવતી ના પસંદગી મુજબ ફરી થી લગ્ન કરાવી ને પોરબંદર ના ગઢવી પરિવારે સમાજ ને અનેરો રાહ ચીંધ્યો છે.
લગ્નને ભારતમાં અત્યંત વધારે મહત્વનો સંબંધ માનવામાં આવે છે. અને જયારે પણ કોઈ છોકરીના લગ્ન થાય છે. ત્યારે તે પોતાના આગળના સુખી જીવનના ઘણા બધા સપના જુવે છે. પણ દુર્ભાગ્યવશ બધી છોકરીઓના એવા સપના નથી પુરા થઇ શકતા. ઘણી વખત કોઈ દુર્ઘટનાને કારણે એક પરણિત મહિલાના પતીનું મૃત્યુ થઇ જાય છે. તેવામાં તે મહિલા ઉપર વિધવા હોવાનો સિક્કો લાગી જાય છે. આપણા સમાજમાં વિધવા મહિલાઓ માટે સ્થિતિ કાંઈ વધુ સારી નથી. અમુક જ્ઞાતી માં હજુપણ વિધવાઓ ને ફરી પરણાવતા નથી,ત્યારે બે વરસ પહેલા વિધવા બનેલી પુત્રવધુ ના લગ્ન તાજેતર માં ગઢવી પરિવારે ધામધૂમ થી કર્યા હતા. પોરબંદર ના જયુબેલી વિસ્તાર માં રહેતા અને ટાયર ટ્યુબ ના વ્યવસાય સાથે સંકળાયેલા ભરતભાઈ હમીરભાઈ દાંતી (ગઢવી)ના સૌથી નાના ભાઈ કુંજને(ઉવ 28) પડોશ માં જ રહેતી રેખાબેન ઉમેદપુરી ગૌસ્વામી(ઉવ ૨૫) નામની યુવતી સાથે ફેબ્રુઆરી-૨૦૧૭ માં પ્રેમલગ્ન કર્યા હતા.લગ્ન પહેલા થી કુંજન બીમાર રહેતો હતો અને લગ્ન ના દસ માસ બાદ જ ડીસેમ્બર-૨૦૧૭ માં તેનું બીમારી ના કારણે મોત થતા સમગ્ર ગઢવી પરિવાર અને કુંજન સાથે લગ્ન કરનાર રેખાબેન પર આભ તૂટી પડ્યું હતું .કુંજન ના મોત બાદ રેખાબેન ની દેખભાળ ભરતભાઈ નો સમગ્ર પરિવાર પોતાની પુત્રી ની જેમ કરતો હતો.ત્યાર બાદ રેખાબેન ની હજી ઉમર નાની હોવાથી યોગ્ય પાત્ર શોધી પરણાવવાનો વિચાર પરિવાર ને આવ્યો હતો.આથી તેને લાયક પાત્ર અને તે પણ તેમની જ જ્ઞાતિ નું શોધવા પુત્રવધુ અને તેના માવતર ને જણાવ્યું હતું. જેમાં પોરબંદર ના ખાંભોદર રહેતા અને ટુર્સ અને ટ્રાવેલ્સ નો વ્યવસાય કરતા હિતેશકુમાર તુલસીવન નામનો યુવાન પસંદ આવતા રેખાબેન ની મરજી મુજબ તાજેતર માં રેખાબેન અને હિતેશકુમાર ના આર્યસમાજ ખાતે લગ્ન યોજવામાં આવ્યા હતા ભરતભાઈ તેમના પત્ની સીમાબેન તેમજ ભરતભાઈ ના ભાઈ જીગ્નેશ અને ભાભી ઉમાબેન તથા તેમના માતા જીવુબેને પુત્રવધુ થઇ ને આવેલા રેખાબેનના પુત્રી તરીકે લગ્ન કરાવી આપ્યા હતા. ઉપરાંત તેમને જરૂરી તમામ કરિયાવર પણ આપ્યો હતો આમ પોરબંદર ના ગઢવી પરિવારે ક્રાંતિકારી નિર્ણય લઇ અને સમાજ ને અનેરો રાહ ચીંધ્યો હતો.