પોરબંદર
પોરબંદર ની સ્થાપના ને ૧૦૩૦ વરસ તાજેતર માં પૂર્ણ થયા છે ત્યારે એક સમયે ધમધમતું પોરબંદર નું બંદર હાલ માં વિકાસ ઝંખી રહ્યું છે અને વિકાસ નું મુખ્ય પરીબળ એ ડોક ટ્રેઈન છેલ્લા ૩૫ વરસ થી બંધ છે પોરબંદર ના મહારાણા એ સૌરાષ્ટ્ર રાજ્ય માં પોરબંદર ને ભેળવ્યું ત્યારે બંદર અંગે ની શરત નો છેલ્લા ૩૫ વરસ થી તંત્ર દ્વારા જ ભંગ થાય છે. જો બંદર સુધી ટ્રેન ચાલુ થાય તો પોરબંદર ના વિકાસ ને અનેરો વેગ મળે તેમ છે
ભારત બ્રિટીશ શાસનની ગુલામીમાંથી સીત્તર વર્ષ મુકત થયું અને સ્વ. સરદાર વલ્લભભાઇ પટેલે પોતાની લોખંડી વિચાર શરણથી મક્કમતા પુર્વ છૂટા છવાયા દેશી રજવાડા-નવાબી શાસનનો અંત લાવ્યા. ત્યારે પોરબંદર સ્વ. મહારાણા શ્રી નટવરસિંહજી જેઠવા સૌરાષ્ટ્ર રાજયમાં પોરબંદરને ભેળવ્યું ત્યારે સ્પષ્ટ શરત કરેલ કે, મારા પોરબંદરની આર્થીક સમૃધ્ધી જીવાદોરી પોરબંદરનું બંદર છે. અને તે સીઝની છે. પરંતુ સમૃધ્ધી વિકાસ માટે બંદરની ડોક ટ્રેન કોઇપણ સંજોગોમાં બંધ થવી ન જોઇએ અને તે શરતે પોરબંદરનું બંદર સૌરાષ્ટ્ર સરકારને સોંપુ છું . જે શરત સૌરાષ્ટ્ર સરકારે સ્વીકારી જયારે સૌરાષ્ટ્ર સરકારે ભારતીય રેલ્વેને સૌરાષ્ટ્ર રાજયે સોંપણી કરી ત્યારે ઉત્તરો ઉત્તર સ્પષ્ટ ચોકકસ શરત સાથે બંદરની સોંપણી કરી કે ડોક ટ્રેન બંધ કરવી નહીં. જે ભારતીય રેલ્વે શરત સ્વીકારી બાંહેધરી આપેલ. સને ૧૯૮૩-૮૪ પોરબંદર રેલ્વે ગેજ પરિવર્તનની કામગીરી હાથ ધરાણી ત્યારે પણ પોરબંદર બંદરની ડોક ટ્રેનની ગેજનું પરિવર્તન કરવા ગેજ પરિવર્તનની કામગીરીમાં સમાવેશ કરાવેલ.પરંતુ ૧૯૮૬ માં ગેજ પરિવર્તનની કામગીરી પુર્ણ થયા બાદ એક પણ ટ્રેન શરુ ન થતા હાલ બંદર સુધી ના રેલ્વે ટ્રેક પર અનેક જગ્યા એ દબાણો ઉભા થયા છે. પોરબંદરથી દેશ-દેશાવરોમાં વહાણો દ્વારા માલ જતો અને કેટલાક માલની આયાત પણ એ સમયે કરવામાં આવતી હતી. અત્યારે જુનાબંદર તરીકે ઓળખાય છે એ સ્થળ તે સમયે પોરબંદરનું મુખ્ય બંદર હતું અને ત્યાં સુધી રેલવે ટ્રેક હતો અને માલગાડીઓની અવર જવરથી તેની વ્હીસલોના અવાજના કારણે બંદર સતત ધમધમતું હતું. પોરબંદરમાં એ સમયે સૌથી મોટો વેપાર લાકડાનો હતો ઇમારતી લાકડા મોટા વહાણમાં આવતા અને ટ્રેન મારફતે સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરોમાં તેની નિકાસ આ બંદરમાંથી જ કરવામાં આવતી હતી. પોરબંદરથી સૌરાષ્ટ્રભરમાં કેરોશીનની નિકાસ કરવામાં આવતી હતી. આરબના દેશોમાંથી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હજારો ટન ખજુર વેચાણ માટે આવતો અને પોરબંદરનું બંદર તેનું મુખ્ય કેન્દ્ર બિન્દુ રહેતું. તેમજ પોરબંદરના જુના બંદર ઉપર ખાંડના વેગનો પણ ટ્રેનમાં ભરાતા હતા તે ઉપરાંત સિમેન્ટ, પથ્થરો, સળિયા વગેરેની હેરાફેરીના કારણે પણ બંદર ધીકતું બંદર ગણાતું. કાપડની મીલ ધમધમતી હોવાથી કાપડની ગાસડીની પણ હેરાફેરી ટ્રેન મારફતે થતી હતી. હાલમાં પોરબંદરનું બંદર મત્સ્યોદ્યોગ ઉપર નિર્ભર છે અને માછલાનો વેપાર એ શહેરની આર્થિક જીવાદોરી સમાન બન્યો છે. પરંતુ પાંચ-સાત દાયકા પહેલાં મત્સ્યોદ્યોગનો વેપાર નહીંવત હતો એ સમયે દૂર દેશોમાં ફિશીંગ બોટો નહીં વહાણો ચાલતા. તેથી વહાણોની અવરજવર અને તેમાં માલની હેરાફેરી કેન્દ્રસ્થાને હતી. આમ પોરબંદરનું જૂનું બંદર એક સમયે ટ્રેનની વ્હીસલોથી ખૂબજ ધમધમતું રહેતું હતું પરંતુ બંદરીય હાર્બર ટ્રેનની નવી ટ્રેક કાર્યરત કરવા માટે સ્થાપીત હિતોના સહારે ચાણકય નીતિ વાપરી તે કામગીરી પણ આગળ વધારવામાં આવતી નથી. એક માત્ર હાર્બર રેલ્વે વહેવાર શરૂ થઈ જાય તો પણ પોરબંદર શહેર તેમજ જીલ્લાની રોનક વધશે અને પોરબંદર ના વિકાસ ને અનેરો વેગ મળશે
મિત્રો ,પોરબંદર ટાઈમ્સ નો આ આર્ટીકલ આપને ગમ્યો હોય તો વધુ અને વધુ શેર કરવા નમ્ર વિનંતી
આ આર્ટીકલ અંગે આપના પ્રતિભાવો ચોક્કસ થી અમોને જણાવશો.પ્રતિભાવો મોકલવાનું ઈમેઈલ આઈડી છે porbandartimes@gmail.com