પોરબંદર
પોરબંદર ઝૂંડાળા મહેર સમાજ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વંદે ગુજરાત વિકાસ યાત્રા ૨૦ વર્ષનો વિશ્વાસ, ૨૦ વર્ષનો વિકાસની ઝાંખી રજૂ કરતો વંદે ગુજરાત રથને ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા સહિત મહેમાનોના હસ્તે રથને કુમકુમ તિલક કરી પ્રસ્થાન કરાવાયું હતું.
આ સાથે પોરબંદર શહેરી વિસ્તારના ૭ કામોનું રૂ. ૯૪ લાખના ખર્ચે લોકાર્પણ/ ખાતમુહૂર્ત કરાયું હતું. તથા જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને સહાય/કીટ વિતરણ કરાઇ હતી. પોરબંદર જિલ્લાના શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ પહોંચશે. જેમા કુલ ૪૮૬.૫ લાખના ખર્ચે ૧૧૯ વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા રૂ. ૪૩૫.૨૨ લાખના ખર્ચે ૬૧ કામોના ખાતમુહૂર્ત કરવાની સાથે રૂ. ૪૮.૭૦ લાખના ૧૭ સામૂહિક કામોની જાહેરાત કરાઇ હતી. જિલ્લામાં આ રથ ફરીને ૫ હજાર થી વધારે લાભાર્થીઓને રૂ. ૪૬૦ લાખની સહાય વિતરણ કરવામાં આવશે.
આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખે જણાવ્યુ કે, રાજ્ય સરકારની જન કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ પોરબંદર જિલ્લાના લાભાર્થીઓને પણ મળ્યો છે. સેવા સેતુ કાર્યક્રમ, ગરીબ કલ્યાણ મેળાઓ યોજીને અમારી સરકાર લાભાર્થીઓના દ્રારે પહોંચીને હાથોહાથ ૧૦૦ ટકા લાભો આપ્યા છે. ખેડૂતોને સિચાઇનું પાણી, વીજળી, પીવાનું પાણી, શિક્ષણ, આરોગ્ય, મહિલા ઉત્કર્ષ લક્ષી યોજનાઓ સહિત અનેક યોજનાઓની હારમાળા દ્રારા ૨૦ વર્ષમાં ગુજરાતનો વિકાસ અને ૨૦ વર્ષ વિશ્વાસની પ્રતીતિ થાય છે.
આ તકે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ કહ્યું કે, છેલ્લા ૨૦ વર્ષ પહેલા ગુજરાતની સ્થિતિ અને આજે વિકાસલક્ષી ગુજરાતની સ્થિતિ અને બજેટમાં થયેલા વધારા અંગેની વિસ્તૃત માહિતી આપી હતી.અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા લાભાર્થીઓને જણાવી જિલ્લા તંત્રના આયોજનને આવકાર્યું હતું અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની માહિતી આપી હતી.
જિલ્લા કલેકટર અશોક શર્માએ વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત લોકોની સેવા માટે હાથ ધરવામાં આવેલા વિવિધ કાર્યક્રમો યોજનાકીય લાભો અને જિલ્લામાં થનાર વિકાસ કાર્યોની માહિતી આપી હતી. અધિક કલેક્ટર એમ. કે. જોશીએ સ્વાગત પ્રવચન કરી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર દવે એ પણ નગરપાલિકા વિસ્તારમાં થયેલા વિકાસ કાર્યોની માહિતી આપી હતી.
આ તકે ૧૮ વિભાગોની યોજનાઓના લાભાર્થીઓને પ્રતિક્ રૂપે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, મુખ્યમંત્રી માતૃવંદના કીટ, પ્રધાનમંત્રી આવાસ યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, વ્હાલી દીકરી યોજના, નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન યોજના સહિત યોજનાઓના લાભાર્થીઓને સહાય/કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું અને રાજ્ય સરકાર દ્વારા કરાયેલા કાર્યો અને યોજનાકીય માહિતીની રજૂ કરતી ફિલ્મનું નિર્દર્શન કરવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી તેમજ પોરબંદર નગરપાલિકાના પ્રમુખ સરજુભાઈ કારીયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગોપાલભાઇ કોઠારી, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા સહિતના આગેવાનો તથા બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભારવિધિ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવેએ તથા કાર્યક્રમનુ સંચાલન નિરવભાઇ જોષીએ કર્યુ હતુ.