પોરબંદર
પોરબંદર પાલિકા દ્વારા મિલકત વેરામાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.દર બે વર્ષે સરકારના ઠરાવ મુજબ મિલકત વેરામાં દસ ટકા વધારો કરવામાં આવે છે.ત્યારે મિલકત વેરામાં થયેલ વધારો મોંઘવારીમાં પીસાતી પ્રજા પર વધારાના બોજ સમાન છે.
પોરબંદર છાયા પાલિકા દ્વારા શહેર તથા બોખીરા,ખાપટ, છાયા તથા ધરમપુર વિસ્તારની જનતા પાસે વસુલવામાં આવતા મિલ્કત વેરા માં દસ ટકાનો વધારો કર્યો છે.જે અંગે માહિતી આપતા ચીફ ઓફિસર મનન ચતુર્વેદી એ જણાવ્યું હતું કે ગુજરાત સરકારના આદેશ અનુસાર રાજયની તમામ પાલિકાઓમાં એકસમાન ક્ષેત્રફળ-કારપેટ એરીયા આધારિત મિલકત વેરા તા. 1 એપ્રિલ 2008 થી લાગુ પાડવામાં આવેલ છે,જે મુજબ 2022-23ના વર્ષની આકારણી યાદી હાઉસટેકસ વોર્ડ નં. 1 થી 12 તથા બોખીરા, ખાપટ, છાયા તથા ધરમપુર વિસ્તારની તૈયાર કરવામાં આવી છે.
ક્ષેત્રફળ-કારપેટ એરીયા આધારીત મિલ્કત વેરા પધ્ધતિના નીયમ અનુસાર મિલ્કત વેરાના દરમાં દર 2 વર્ષે 10 ટકાનો વધારો કરવો ફરજીયાત છે.હાલ ૩૧-3-૨૦૨૨ ના રોજ બે વર્ષ પૂર્ણ થયા હોવાથી તા.1 એપ્રિલ 2022 થી મિલ્કતવેરાના દરમાં 10 ટકાનો વધારો કરવાનુ મંજુર કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે આર્થિક મંદી બાદ હાલ માં મોંઘવારી એ માઝા મૂકી છે.તો બીજી તરફ પાલિકા દ્વારા શહેરીજનો ને પુરતી પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં આવતી નથીશહેરના કેટલાક વિસ્તારોમાં પેવરબ્લોક તૂટી ગયા છે,ભૂગર્ભ ગટર જામ થતી જોવા મળે છે. અનેક સ્થળો એ ગંદકી અને ગટરનું ગંદુ પાણી રોડ પર ફેલાઈ જતું જોવા મળે છે.કેટલાક વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટ બંધ હોવાને કારણે અંધકાર છવાઈ જાય છે,શહેરના વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે.ત્યારે વેરામાં દસ ટકાનો વધારો થતા શહેરીજનો માં રોષ જોવા મળે છે.