
પોરબંદર
પોરબંદર ના બળેજ ગામે બંધ સ્ટ્રીટ લાઈટ અંગે ફોન માં રજૂઆત કરનાર ગ્રામજન ને ફોન માં ગાળો ભાંડી ધમકી આપનાર ઉપ સરપંચને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કરી દીધો છે.બનાવને પગલે બળેજ સહીત ઘેડ પથક માં ચકચાર જાગી છે.
પોરબંદર તાલુકાના બળેજ ગામના ઉપ સરપંચ રામ હરદાસ પરમારને ઉપ સરપંચ પદેથી બરતરફ કરવામાં આવ્યા છે.આ અંગે માહિતી આપતા ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એન.એલ. સાધુએ જણાવ્યું હતું કે ઉપ સરપંચ સામે સાડા ત્રણ માસ પહેલા માધવપુર પોલીસ મથકે ગુન્હો નોંધાયો હતો.જે અંગે તાલુકા વિકાસ અધિકારી દ્વારા દરખાસ્ત આવી હતી.અને અહેવાલ આપ્યો હતો.જેમાં બળેજ ગામે ભુવાકેડા નેસ માં રહેતા કારાભાઈ જીવાભાઈ ઉલવા તા ૨૧ -૧-૨૦૨૨ ના રોજ સાંજ નાં સમયે બળેજ ગામના બસ સ્ટેન્ડ પાસે બેઠા હતા.ત્યારે સામે આવેલી સ્ટ્રીટ લાઈટો માં કેટલીક લાઈટો બંધ હાલત માં હતી.આથી તેઓએ ગામનાં ઉપ સરપંચ રામભાઈ હરદાસભાઈ પરમાર ને ફોન કરી સ્ટ્રીટ લાઈટો બંધ હોવા અંગે રજૂઆત કરતા ઉપ સરપંચ રામભાઈ ઉશ્કેરાઈ ગયા હતા.અને જેમ તેમ ગાળો કાઢી હતી.તથા હવે પછી ક્યારેય ફોન કર્યો તો જોઈ લઇશ તેવી ધમકી પણ આપી હતી.
જેથી તેઓએ તે સમયે માધવપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.ગુજરાત પંચાયત અધિનિયમ 1993 મુજબ કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ પોતાના હોદ્દાનો દુરૂપયોગ કરે કે તેની સામે ગુન્હો નોંધાય તો તેને ફરજ પરથી મોકૂફ કરી શકાય છે. આથી ઉપસરપંચ સામે ગુન્હો નોંધાતા જિલ્લા વિકાસ અધિકારીએ તેને હોદ્દા પરથી બરતરફ કર્યા છે.જો કે તેઓ સભ્ય પદે ચાલુ રહી શકે છે તેવું જણાવ્યું છે.
જુઓ આ વિડીયો