પોરબંદર
પોરબંદરના કડીયાપ્લોટથી માર્કેટિંગ યાર્ડ તરફ જતો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે.જે ચોમાસામાં ધોવાઈ જતા રસ્તો બંધ થઈ જશે.જેથી આ રોડને 1 થી 2 ફૂટ ઊંચો લઈ અને રોડની બન્ને સાઈડ રેલિંગ મુકવામાં આવે તેવી સામાજિક કાર્યકર દ્વારા રજુઆત કરવામાં આવી છે.
પોરબંદરના સામાજિક કાર્યકર હરભમભાઈ મૈયારીયા એ ધારાસભ્ય બાબુ બોખીરીયા ને કરેલી રજૂઆત માં જણાવ્યું છે. કે કડીયાપ્લોટથી માર્કેટિંગ યાર્ડ તરફ જતો રસ્તો હાલ બિસ્માર હાલતમાં છે. અને મસમોટા ગાબડા પડી ગયા છે,રોડ પર સળિયા નીકળી ગયા છે.હાલ આ ગાબળાઓમાં ભરતી નાખવામાં આવી છે.જેથી આ રસ્તો ઉબળખાબળ હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.આ રસ્તો યાર્ડ તરફ જતો હોવાથી સવારથી જ વાહન ચાલકોની અવર જવાર રહે છે,ઉપરાંત આ રોડ પર ખોડિયાર માતાજીનું મંદિર આવેલ છે.જેથી અનેક દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે.
રોડની બન્ને તરફ ખાડી હોવાથી પાણી ભરાયેલ રહે છે.ચોમાસામાં વરસાદી પાણી આવતા આ રોડ ધોવાઈ જશે.જેથી વોર્ડ નં.3 અને 4 ના સ્થાનિકો અહીંથી પસાર થઈ શકશે નહીં,ચોમાસા દરમ્યાન પાણી ભરાઈ જતા વાહન ચાલકો પાણીના વહેણમાં તણાઈ શકે છે.જેથી આ રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેમજ રોડ 2 ફૂટ ઊંચો લઈ રોડની બન્ને સાઈડ રેલિંગ મુકવામાં આવે તેવું રજૂઆત માં જણાવ્યું છે.