ભારતમાં કોઈપણ સ્ત્રી ભરણ-પોષણનો કેસ કરી શકતી હોય અને કોર્ટ પણ ભરણ-પોષણના કેસોમાં માનવતાવાદી અભીગમ રાખી સામાન્ય સંજોગોમાં ભરણ-પોષણનો હુકમ કરતી હોય છે. તે જ રીતે રાણાવાવ ની કોર્ટમાં કિરણબેન સુરેશભાઈ શીંગડીયા જાતે તેમજ સગીર પુત્રી રીયા ના ભરણ-પોષણ માટે તેના પતિ સુરેશભાઈ કાનજીભાઈ શીંગડીયા સામે ભરણ-પોષણ મેળવવા માટે કેસ કરેલો હતો અને રાણાવાવની કોર્ટ દ્રારા મા-દિકરી બંનેના થઈને માસીક રૂા. ૨,૦૦૦/- ચુકવવાનો હુકમ કર્યો હતો. અને આ હુકમ તા.૦૩/૧૧/૨૦૧૬ નાં રોજ કર્યો હતો. અને કાયદા મુજબ કોઈપણ સ્ત્રી એકીસાથે ૧૨ માસનું જ ભરણ-પોષણ માંગી શકે અને જો ૧૨ માસ પછી અરજી કરે તો કોર્ટ ૧૨ માસનું જ ભરણ-પોષણ અપાવે તેવી કાયદાકીય જોગવાઈ હોય અને કિરણબેન દ્રારા ૨૦૧૬ માં થયેલા ભરણ-પોષણ નાં હુકમ સંબંધે ૨૦૨૩ માં એટલે કે, ૭૫ મહીના પછી ૨કમ વસુલાતની અરજી કરેલી હોય પરંતુ રાણાવાવ ની કોર્ટ દ્રારા માત્ર ૧૨ માસ ના જ પૈસા ચુકવવાનો હુકમ કરી અરજી ફેસલ કરી નાંખેલી હતી.
તે સામે કિરણબેન શીંગડીયા દ્રારા એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે રીવીઝન અરજી કરતા અને કોઈપણ સ્ત્રીને ગમે ત્યારે ભરણ-પોષણ માંગવાનો હકક અધિકાર હોવા સંબંધે નામદાર સુપ્રિમ કોર્ટ દ્રારા ૨૦૧૪ માં આજ બાબતે ચુકાદો આપેલો હોય અને જેમાં નામદાર સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ ઠરાવેલુ હોય કે, ” કોર્ટનાં હુકમનું પાલન કોઈપણ વ્યકિત ભારતીય બંધારણ ની જોગવાઈ મુજબ ગમે ત્યારે કરાવી શકે છે. અને કોર્ટના હુકમને સમયના બંધનમાં બાંધીને કોઈને અન્યાય કરી શકાય નહીં. અને તેમાં પણ ભરણ પોષણનો સવાલ હોય ત્યારે કોઈપણ સ્ત્રી તમામ ચડત ભરણ-પોષણ માંગી શકે છે.
તેવુ ઠરાવેલુ હોય અને તેના કારણે રીવીઝન દાખલ કરતા એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ શર્મા દ્રારા પણ કાયદાનો ઉડો અભ્યાસ કરી અને ભારત ની તમામ કોર્ટો માત્ર ૧૨ માસ નું જ ભરણ-પોષણ ચુકવવાનો હુકમ કરતા હોય જજ શર્મા દ્રારા સુપ્રિમ કોર્ટના ચુકાદાનું ગહન અભ્યાસ કરી અને કાયદાકીય જોગવાઈઓ ધ્યાને લઈ અને રાણાવાવ કોર્ટે જે ૧૨ મહીના માટેનો જ હુકમ કરી બાકીના ૭ વર્ષનું ભરણ-પોષણ સંબંધેની અરજી નામંજુર કરેલી હોય જે રાણાવાવ કોર્ટનો હુકમ રદ કરીને સામાવાળા સુરેશભાઈ શીંગડીયા એ ૭ વર્ષનું ચડત થયેલુ તમામ ભરણ-પોષણ કે જે રૂા. ૧,૨૬,૦૦૦/- અંકે રૂપિયા એકલાખ છવીશ હજાર પુરા જેવુ થતુ હોય તે વસુલ મેળવવા હકકદાર હોવાનું ઠરાવી તે મુજબનું વોરંટ સામાવાળા સામે કાઢવાનો હુકમ કરેલ છે.
અને તે રીતે એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ દ્રારા ઐતિહાસીક ચુકાદો આપી પતિથી ત્યજાયેલી પત્નિ ને ન્યાય અપાવી તેની ૨૦૧૬ થી ચડત થયેલી તમામ ભરણ-પોષણની રકમ અપાવવાનો અને તે માટે વોરંટ કાઢવાનો હુકમ કરેલ છે. અને તે રીતે ૧૨ માસનું જ ચડત ભરણ-પોષણ મળે તેવી માન્યતાનો આ ચુકાદાથી અંત આવેલ છે. આ કામમાં અરજદાર વતી એડવોકેટ દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા, નવધણ જાડેજા, ભુમી વરવાડીયા, ચાંદની મદલાણી, ભાવના પારધી રોકાયેલા હતાં.















