પોરબંદર
પોરબંદર જીલ્લા ના ૮૧ શિક્ષકો ને એસટી બસ મારફત જનમેદની એકત્ર કરી માધવપુર ના મેળા માં લાવવાની જવાબદારી સોપાઈ હતી.જે અંગે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા વિરોધ કરવામાં આવતા અંતે તંત્ર ને પરિપત્ર પરત ખેંચવાની ફરજ પડી હતી.
શિક્ષકો ને શિક્ષણ સિવાય પણ અનેક પ્રકાર ની સરકારી કામગીરી સોપવામાં આવે છે.ત્યારે માધવપુર ખાતે આયોજિત લોકમેળા માં વધુ ને વધુ લોકો લાભ લઇ શકે તે માટે જુદાજુદા રૂટના ગામડાઓ માંથી લોકોને લોકમેળાના સ્થળે લાવવા તથા પરત લઈ જવા માટે રૂટ સુપરવાઇઝર તરીકે શિક્ષકોની નિમણુંક કરવા તાલુકા વિકાસ અધિકારીએ પરિપત્ર બહાર પાડી ઓર્ડર કર્યો હતો.જેમાં ૭૧ ગામો માંથી ૮૧ શિક્ષકો એ ૪૨૫૫ લોકો ને લાવવાની જવાબદારી સોપવામાં આવી હતી.
પરિપત્ર માં જણાવ્યું હતું કે શિક્ષકો એ તા. 10 ના બપોરે 11 વાગ્યે પોરબંદર એસટી ડેપો ખાતે હાજર થઈને ફાળવેલ રૂટની બસ લઈને જે તે રૂટના ગામે જવાનું રહેશે ત્યાંથી લોકો ને લઈ ને લોકમેળા ના પાર્કિંગ સ્થળે લાવી તેની નિયત કરેલ બેઠક વ્યવસ્થા સુધી પહોંચાડવા તથા કાર્યક્રમ પૂર્ણ થયે પરત તે ગામો સુધી પહોંચાડવાની જવાબદારી સોપવામાં આવી હતી.અને બસ માં ફૂડ પેકેટ મુકવા થી લઇ ને સ્ટીકરો લગાડવા તથા કોઈ રહી ન જાય તે ધ્યાન રાખવા પણ સુચના અપાઈ હતી.શિક્ષકો ને આ વિચિત્ર જવાબદારી સોંપવામાં આવતા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ લાખાભાઈ ચુંડાવદરા સહિતના દ્વારા આ પરિપત્રનો વિરોધ કરી જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પાઠવી જણાવ્યું હતું કે,બસ રૂટ સુપરવાઈઝર તરીકે આરટીઆઇ એકટની કલમ 27 મુજબ શિક્ષકો પાસેથી આવી બિનશૈક્ષણિક કામગીરી કરાવીને ન્યાયાલયના આદેશનો અનાદર બને છે.હાલ ચાલી રહેલ ધો. 10 અને 12ની પરીક્ષામાં તા. 9/4 સુધી પ્રાથમિક શાળાના શિક્ષકોને સરકારી પ્રતિનિધિ અને સુપરવાઈઝર તરીકેની કામગીરી પણ સોંપવામાં આવેલ છે.તે પણ બાળકો ના શિક્ષણ ના ભોગે જ છે.જેથી આ આદેશ રદ કરવા રજુઆત કરી હતી ઉગ્ર વિરોધ ઉભો થતા આ અંગે ઉચ્ચ કક્ષા એ થી સુચના મળતા અંતે આ આદેશ રદ કરવામાં આવ્યો હતો.