પોરબંદરના બે યુવાનોએ મોરબીના રામપરા વન્યજીવ અભયારણ્યમાં ઘાસની પ્રજાતિઓ ઉપર વ્યાપક સંશોધન કરતા તેઓને ૫૭ જેટલી ઘાસની વિવિધ પ્રજાતિઓ જોવા મળી છે.
મોરબી જિલ્લા ના રામપરા વન્યજીવ અભયારણ્યમાં થયેલા એક નવા સંશોધનથી અહીંના ઘાસના મેદાનોની નોંધપાત્ર જૈવવિવિધતા અને તેના નિભાવપાત્ર ઉપયોગ માટે વ્યવસ્થાત્મક યોજનાની અનિવાર્ય જરૂરિયાત સામે પ્રકાશ પાડ્યો છે. એમ. ડી. સાયન્સ કોલેજ, પોરબંદરના વનસ્પતિ શાસ્ત્ર વિભાગ દ્વારા કરવામાં આવેલ આ સંશોધનઅભ્યારણ્યમાં ઘાસની પ્રજાતિઓનું પ્રથમ વ્યાપક મૂલ્યાંકન છે.
આ સંશોધન એમ. ડી. સાયન્સ કોલેજના વનસ્પતિ શાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. ભૂપેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જેનિશબામણીયા અને કુણાલ ઓડેદરા દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. આ સંશોધન નેવિશ્વની સૌથી મોટી અને સુપ્રસિદ્ધ સંશોધન પ્રકાશન કંપની એલ્સેવિઅરના પ્રખ્યાત જર્નલ ઇકોલોજિકલ ફ્રન્ટિયર્સદ્વાર પ્રકાશિત કરવામા આવ્યુ.
અભ્યાસ દરમિયાન, સંશોધક ટીમે અભયારણ્યમાં થતા વિવિધ જાતના ઘાસના એક-એક ભાગનું ઊંડાણપૂર્વક અવલોકન અને બાહ્યકારવિધ્યાકિય વિશ્લેષણ કરીને 57 જેટલી ઘાસની પ્રજાતિઓ નોંધી છે. આ પ્રજાતિઓમાં પેનિકોઇડી (56.1%) અને ક્લોરિડોઇડી (38.6%) કુટુંબનાં ઘાસોનું પ્રભુત્વ જોવામળ્યું. સંશોધકોએ જણાવ્યું છે કે ઊંચી જાતિ વિવિધતા (Shannon-Wiener Index H′ = 3.438) અને નીચી પ્રભુત્વ માત્રા (Simpson Index 1-D = 0.9354) અહીંના પર્યાવરણની સ્વચાલિત સમતોલન અને સ્વાસ્થ્યનું સૂચક છે. એરિસ્ટિડા ફ્યુનિક્યુલાટા (ફુસિયું)નામની ઘાસની પ્રજાતિ સૌથી વધુ સંખ્યામાં મળી આવી છે, જ્યારે બોથ્રીઓક્લોઆ પ્રજાતિઓ લગભગ બધી જ જગ્યાએ જોવા મળી છે.
સંશોધનનું એક મહત્વનું નિષ્કર્ષ એ છે કે ઘાસની ચરાઉ ગુણવત્તા તેના વિકાસના તબક્કા પર નોંધપાત્ર રીતે આધારિત છે.અપરિપક્વ અવસ્થામાં 82.5% ઘાસ પ્રજાતિઓ પશુઓ માટે ચરાઉ યોગ્ય છે, પરંતુ પરિપક્વ અવસ્થા આવતા માત્ર 5.3% પ્રજાતિઓ જ ચરાઉ રહી. સેન્ક્રસ સિલિયારિસ (મીંદડીયુ), સેન્ક્રસ સેટિજર (મીંદડીયુ) અને સાયનોડોન ડેક્ટીલોન (ધ્રોખડ) એમ ત્રણ જ પ્રજાતિઓ પરિપક્વ અવસ્થામાં પણ ચરાઉ રહેતી જોવા મળી.
આ સંશોધન અભયારણ્યના સંચાલન માટે મહત્વપૂર્ણ સૂચનો ધરાવે છે. સંશોધકોના મતે,જૈવવિવિધતાના સંરક્ષણ અને સ્થાનિક સમુદાયોના ટકાઉ સંસાધન ઉપયોગ વચ્ચે સંતુલન સાધવા માટે પુરાવા-આધારિત સંચાલન વ્યૂહરચના બનાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિકાસના વિવિધ તબક્કામાં કરવામાં આવેલી ચરાઉ ગુણવત્તાના વિગતવાર અંકડાઓ ઋતુઆધારિત ચરાઉ કેલેન્ડર અને પરિભ્રમણ ચરાઈ પદ્ધતિઓ વિકસાવવા માટે એક વ્યવહારુ સાધન પૂરું પાડે છે.
આ અભ્યાસ મુખ્યત્વે ભવિષ્યમાં ઘાસના સંશોધન માટે અનેક મહત્વપૂર્ણ માર્ગ ખોલે છે. ભવિષ્યના અભ્યાસ માટે માટીના ગુણધર્મો, પોષક તત્ત્વો અને ભેજની ઉપલબ્ધતા અને ઘાસની પ્રજાતિઓના વિતરણ વચ્ચેનો સંબંધ અન્વેષણ કરવો જોઈએ. વધુમાં, વિવિધ પ્રજાતિઓનું પોષણ મૂલ્ય નક્કી કરવા માટે ક્રુડ પ્રોટીન, ફાઇબર અને સિલિકાની માત્રા જેવા જૈવરાસાયણિક વિશ્લેષણ જરૂરી છે.
આ અભ્યાસ રામપરા વન્યજીવ અભયારણ્યની પારિસ્થિતિક સમૃદ્ધિને પ્રદર્શિત કરે છે અને તેના સંચાલન માટે વૈજ્ઞાનિક આધાર પૂરો પાડે છે. આ નિષ્કર્ષોને અનુકૂલનશીલ સંરક્ષણ યોજનામાં સંકલિત કરીને, હિતધારકો આ અનન્ય ઘાસના મેદાનની પરિતંત્રના સંરક્ષણને ખાતરી કરી શકે છે, જ્યારે આસપાસના સમુદાયોની સીમિત, નિયમિત આજીવિકાની જરૂરિયાતોને પણ આધાર આપી શકે છે.
આ સંશોધન વન વિભાગના મોરબી જિલ્લાના ડી.સી.એફ. અને અન્ય વન અધિકારીઓ ના સાથ સહકાર ના પરિણામે આ સંશોધન શક્ય બન્યું હતું.

















