શ્રી સમસ્ત મહેર સમાજના આયોજન હેઠળ નૂતન વર્ષ સ્નેહ મિલન તેમજ અભિવાદન સમારોહ તા. ૨૪-૧૦-૨૦૨૫, શુક્રવારના રોજ સાંજે ૪:૩૦ કલાકે, ડો. વિરમભાઈ રાજાભાઈ ગોઢાણિયા મહેર સમાજ, છાંયા ખાતે ભવ્ય રીતે યોજાયો હતો.
વિક્રમ સંવત ૨૦૮૨ના શુભારંભે નવા વર્ષના સ્નેહ મિલન સાથે ગુજરાત રાજ્યના નવનિયુક્ત કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા ભાજપના રાષ્ટ્રીય પરિષદના સભ્ય બાબુભાઈ બોખીરિયાનો અભિવાદન સમારોહ યોજાયો હતો. પ્રારંભમાં IMSC (ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ) ના મહામંત્રી બચુભાઈ આંત્રોલીયાએ શબ્દોથી સૌ મહેમાનોનું સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે બાબુભાઈ બોખીરિયાએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, “મહેર જ્ઞાતિની વસ્તી ભલે ટૂંકી — આશરે ૪ લાખ જેટલી — હોવા છતાં છેલ્લા દાયકાઓમાં ગુજરાત સરકારમાં સતત ચાર મહેર મંત્રીઓએ સ્થાન મેળવી સમાજનું ગૌરવ વધાર્યું છે, જે અતિ ગૌરવની બાબત છે.” તેમણે વધુમાં સમાજની એકતા, વિકાસ અને યુવા પેઢીને પ્રેરિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ગુજરાત રાજ્યના નવનિયુક્ત કેબિનેટ મિનિસ્ટર અર્જુનભાઈ મોઢવાડિયાએ પોતાના વક્તવ્યમાં મહેર સમાજમાં એકતા ઉભી કરવા, યુવાનોને સખત મહેનત અને હકારાત્મક અભિગમ સાથે સમાજ વિકાસ માટે જોડાવા પ્રેરણા આપી હતી. તેમણે કહ્યું કે, “સમાજના વિકાસકાર્યોમાં નડતરરૂપ બનવાને બદલે સહકાર અને સંયુક્ત દૃષ્ટિકોણથી આગળ વધવાથી જ સાચો પ્રગતિ માર્ગ પ્રાપ્ત થાય છે.”
આ પ્રસંગે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરાએ પોતાના સંદેશમાં તમામ જ્ઞાતિજનોને નવા વર્ષની શુભકામના પાઠવી શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા આગામી સમયમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં ગત વર્ષની જેમ જ બધા જ્ઞાતિજનોનો સહયોગ પ્રાપ્ત થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે તેઓએ ગુજરાત રાજ્યના નવનિયુક્ત કેબિનેટ મિનિસ્ટર અર્જુનભાઈ મોઢવાડિયા તથા ભાજપના રાષ્ટ્રીય પરિષદના સભ્ય બાબુભાઈ બોખીરિયાને અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન પોપટભાઈ ખુંટી દ્વારા કરવામાં આવ્યું હતું તથા આભારવિધિ એડિશનલ ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ જીતેન્દ્રભાઈ વદર દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પોરબંદર, બરડા તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહેર ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સૌ ઉપસ્થિત મહેમાનો માટે અલ્પાહાર ભોજનની સુવ્યવસ્થા કરવામાં આવી હતી.
આ સ્નેહ મિલન સમારોહને સફળ નીચે મુજબની સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે સમસ્ત મહેર સમાજ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું.
શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ, પોરબંદર
શ્રી માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ – પોરબંદર,
ડો. વિરમભાઈ રાજાભાઈ ગોઢાણિયા મહેર સમાજ, છાંયા
શ્રી મહેર શક્તિ સેના,
શ્રી બરડા વિકાસ સમિતિ,
શ્રી ઘેડ સામાજિક વિકાસ સમિતિ,
શ્રી મહેર હિતરક્ષક સમિતિ,
શ્રી મહેર આર્ટ પરિવાર,
શ્રી મહેર મહિલા વિકાસ મંડળ,
શ્રી શક્તિ સેના મહિલા મંડળ,
શ્રી રાણાવાવ મહેર સમાજ,
શ્રી કુતિયાણા મહેર સમાજ
તથા અન્ય તમામ મહેર સામાજિક સંસ્થાઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ સંસ્થાઓ ઉપરાંત રાજકોટ, ફટાણા, જૂનાગઢ, કેશોદ, વિસાવાડા ગામના સમાજો અને ભાણવડ એમબ્યુલંસ પરિવાર તથા છાંયા રાસ મંડળી દ્વારા બંને મહાનુભાવોનું મહેર સમાજની પાઘડી, ફૂલહાર અને સ્મૃતિ ચિહ્નો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. સ્નેહસભર વાતાવરણમાં યોજાયેલ આ કાર્યક્રમ ખૂબ જ સફળ અને પ્રેરણાદાયી સાબિત થયો હતો.
















