આદીતપરા ગામે મેલી વિદ્યા કરતી હોવાની શંકા રાખી વૃદ્ધા ને માર મારનારને શખ્સ ને કોર્ટે એક વર્ષ ની સજા અને ૧ હજાર નો દંડ ફટકાર્યો છે.
રાણાવાવ તાલુકાના આદિતપરા ગામે બાવા ફળિયા પાસે રહેતા રાંભીબેન પરબતભાઇ સોલંકી (ઉ.વ.૬૦)ને ગત તા.૦૧/૧૦/૨૦૨૧ ના રોજ આરોપી નરેન્દ્રભાઇ નગાભાઇ ચાવડા (ઉ.વ.૩૫ રહે.આદિતપરા ગામ પીરની દરગાહ પાસે)ની પુત્રી બીમાર રહેતી હોવાથી રાંભીબેને તેની પુત્રી પર મેલી વિધ્યા કરી હોવાની શંકા રાખી ગાળો કાઢી લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી તે સમયે રાંભીબેને નરેન્દ્ર સામે રાણાવાવ પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી.
જે કેસ કોર્ટ માં ચાલી જતા એ.પી.પી. જે.એલ. ઓડેદરાએ સદરહુ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ આ ગુન્હો સમાજમાં અંધશ્રધ્ધા ફેલાવે તેવો છે અને સરકાર દ્વારા પણ અંધશ્રધ્ધા નાબુદ કરવા બાબતે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. અને ફરીયાદી વૃધ્ધા કોઇ મેલી વિધ્યા કરે છે. તેવો વહેમ રાખી તેને માર મારતાં વૃધ્ધા ને વિકસીત સમાજમાં શારીરીક પીડા તેમજ સામાજીક અપમાન પણ સહન કરવુ પડ્યું છે જેવી ધારદાર દલીલો કરતાં તે દલીલો માન્ય રાખી આરોપીને જ્યુ.ફ.ક.મેજી. એન.એલ.શર્મા દ્વારા એક વર્ષની સખત કેદની સજા તથા રૂ.૧૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે.