રાણાવાવ માં ૩ વર્ષ પૂર્વે પ્યાગો રીક્ષાને હડફટે લઇ બે વ્યકિતને ઇજા પહોંચાડનાર એસ.ટી બસના ડ્રાઇવરને કોર્ટે એક વર્ષની સજા તથા રૂ.૨૦૦૦ નો દંડ ફટકાર્યો છે,
રાણાવાવ માં આહીરવાડી વિસ્તાર માં પાણી ના ટાંકા પાસે રહેતા વિરમભાઇ નાનજીભાઈ પરમાર ગત તા.૨૫/૦૧/૨૦૨૨ ના રોજ પોતાની પ્યાગો રીક્ષામાં પત્ની શાંતીબેન તથા ભીખુભાઇ મગનભાઇ ચૌહાણ,તથા અન્ય લોકો ને બેસાડી ને ખાખરીયા મંદિર પાસે સેન્ટીંગ કામે જતા હતા. તે દરમિયાન એસટી બસ સ્ટેન્ડ નજીક રોડની સાઇડમાંથી પોરબંદર-ભુજ ની એસ.ટી.બસ ના ચાલક રમેશ માંડાભાઇ બારૈયા (ઉ.વ.૩૧ રહે.લાઠ ગામ તા.ઉપલેટા)એ પોતાની બસ પુરઝડપે ચલાવી વિરમભાઇ ની રીક્ષાને હડફેટે લઇ રીક્ષામાં બેઠેલ મુસાફરોને નીચે રોડ પર ફંગોળી દેતા ભીખુભાઈ અને શાંતીબેન ને ઇજા થઇ હતી.
આથી તે અંગે રાણાવાવ પોલીસ મથક માં એસટી ચાલક સામે વિરમભાઇ એ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે કેસ કોર્ટ માં ચાલી જતાં સરકાર તરફે એ.પી.પી. જે.એલ.ઓડેદરા ની ધારદાર દલીલો માન્ય રાખી આરોપી રમેશ ને કોર્ટ દ્વારા એક વર્ષની સખત કેદની સજા તથા રૂ.૨૦૦૦ નો દંડ ફટકરાવામાં આવ્યો છે.