પોરબંદરમાં સાડા પાંચ લાખ ની ઉચાપતનો યુવાન ઉપર આરોપ મૂકતા તેણે એક માસ પૂર્વે ટ્રેનમાંથી પડતુ મૂકીને આપઘાત કરી લીધો હતો. જે બનાવમાં મૃતકના પિતાએ પુત્રને મરવા માટે મજબૂર કર્યાની ચાર શખ્શો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોરબંદરના શહીદચોક પોલીસચોકી સામે રહેતા અને જુના બંદર ખાતે કેયુર શીપીંગ કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા વિજય માધવજીભાઈ જુંગી નામના ૫૫ વર્ષીય આધેડ દ્વારા તેના પુત્ર સાહિલને મરવા માટે મજબૂર કર્યાનો કીર્તિમંદિર પોલીસમથકમાં ગુન્હો નોંધાવ્યો છે જેમાં જણાવ્યુ છે કે તા. ૨૯-૮-ના તેના પુત્ર સાહિલે તેના ભાઈ એટલે કે ફરિયાદીના પુત્ર ક્રિશને એમ કહ્યુ હતુ કે ‘હું અમદાવાદ અને ત્યાંથી મારા મિત્ર સાથે સુરત જાવ છું’ તેમ કહી નીકળ્યો હતો ત્યાર પછી તા.૩૧-૮ના રાત્રે ૮ વાગ્યે સાહિલે તેના ભાઈ ક્રિશને મેસેજ કરી એવુ જણાવ્યુ હતુ કે ‘હું કમલેશમામાના લીધે તમને બધાને મોઢુ બતાવી શકુ તેમ નથી અને મારી લાશ તમને તરસાઇ રેલ્વેસ્ટેશનથી મળશે’ તેવો મેસેજ કર્યો હતો.
તરસાઇ નજીક મળ્યો મૃતદેહ
ફરિયાદી વિજયભાઇના કુટુંબીજનો સાહિલને શોધવા માટે તરસાઈ રેલ્વેસ્ટેશન ગયા હતા અને ફરિયાદીએ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી ત્યારે જાણવા મળ્યુકે રાજકોટથી પોરબંદર આવતી ટ્રેનમાં તરસાઈ ગામ નજીક સાહિલ ટ્રેનમાંથી પડીને મૃત્યુ પામ્યો છે અને લાશને પોરબંદર લઇ આવે છે.આથી મૃતદેહને પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લવાતા પી.એમ. થયુ હતુ અને જામજોધપુર પોલીસસ્ટેશનમાં અમોત દાખલ થયુ હતુ.
ત્રણ શખ્શો દ્વારા અપાઇ હતી ધમકી
ફરીયાદી વિજયભાઈ જુંગીએ તેમની પોલીસ ફરિયાદમાં એવુ જણાવ્યુ છે કે તા. ૨૮-૮-૨૫ના સાંજના સાડા સાત વાગ્યે ફરિયાદીના દીકરા સાહિલના જાણીતાઓ શિવા સી ફૂડમાં નોકરી કરતા આકાશ ભીખુ શીયાળ, ધીરુ ઉર્ફે નરેશ કારુ જેઠવા અને મચ્છીના ધંધામાં ફાઇનાન્સનું કામ કરતો જય રાજેશ કોટીયા ત્રણેય જણા ફરિયાદીના ઘરે આવ્યા હતા. એ સમયે ફરિયાદી હાજર ન હતા પણ બંને પુત્રો ક્રિશ અને સાહિલ હાજર હતા. એ વખતે ત્રણેય ઇસમો સાહિલને એકદમ ઉંચા અવાજે ઉશ્કેરાટથી કહેવા લાગ્યા હતા કે ‘મારા પૈસા તારે કયારે આપવા છે? મારે પૈસા જોશે, અમારા પૈસા આપી દે નહીં તો તને મારી નાખશું, અમને અમારા પૈસા કઢાવતા આવડે છે તેવી પઠાણી ઉઘરાણી કરતા હતા અને ધમકી આપીને જતા રહ્યા હતા. આમ ક્રીશે તેના પિતા ફરિયાદી વિજય જુંગીને વાત કરી હતી અને ધમકી બાદ સાહિલ એકદમ ગુમસુમ અને ટેન્શનમાં રહેતો હતો પણ એ બાબતે પિતાને કશી જ ચોખવટ કરી ન હતી.
કંપનીના માલિક સાથે મુલાકાત
ત્યારબાદ તા. ૨૯-૮ના બપોરે ફરિયાદી તેમના ઘરેથી કામે જતા હતા ત્યારે નિધિ સી ફૂડ કંપનીના માલિક કમલેશભાઇ ઉર્ફે કમલેશમામા બાદરશાહી ફરિયાદીને મળ્યા હતા અને તેમની ઓફિસે જવાનું કહ્યુ હતુ. આથી ફરિયાદી તેમની ઓફિસે ગયા ત્યારે તેના ધંધાર્થીઓને બોલાવી એવુ જણાવ્યુ હતુ કે ‘તારા દિકરા સાહિલે અમારી નિધિ શીપીંગ કંપનીમાં કેશોદવાલા સી ફૂડ કંપનીના ચાર ચલણ જેની આશરે ૫ લાખ ૫૦ હજાર કિંમત થાય છે તે દિવ્યેશ થોભાણીની પેઢીમાંથી ફાયનાન્સ કરાવીને મળેલા રૂપિયાની ઉચાપત કરી છે. અમારી કંપનીના પૈસાની સાહિલે ઉચાપત કરી છે જેથી તું એને અહીં બોલાવ’ તેમ કહ્યુ હતુ આથી ફરિયાદીએ તેના પુત્ર ક્રીશને ફોન કરીને સાહિલને નિધિ સી ફૂડ કંપનીની ઓફિસે લાવવા જણાવ્યુ હતુ પણ સાહિલને જાણ થતા તે ક્રીશને કમલેશભાઈનું ઘર નરસંગ ટેકરી બાજુ આવેલુ હોવાથી ત્યાં અધવચ્ચે બાઈકમાંથી ઉતારીને ક્રીશને પરત જવાનું કહ્યુ હતુ અને ‘હું આ કામ પતાવી લઉં છું’ તેમ કહીને થોડીવાર પછી સાહિલે ક્રિશને મેસેજ કરીને ‘અમદાવાદ જાઉં છું બે દિવસમાં આવી જઇશ’ તેમ કહ્યુ હતુ.
પિતા-પુત્રની ફોન પર વાતચીત
ત્યારબાદ તા. ૨૯-૮ના સાંજે આઠેક વાગ્યે સાહિલે ફોન કરીને પિતા વિજય જુંગીને રડતા રડતા જણાવ્યુ હતુ કે ‘મેં કમલેશમામાના એક પણ રૂપિયાની ઉચાપત કરી નથી છતાં મારા ઉપર ખોટા આક્ષેપ કરે છે. આથી પિતાએ પુત્રને ‘તું ચિંતા ન કર, આવી જા જે હશે તે સેટલ કરી લઈશું’ તેમ પુત્ર સાહિલ સાથે છેલ્લી વખત વાતચીત કરી હતી. ત્યારબાદ તા. ૩૦-૮ના નિધિ સી ફૂડ કંપનીના માલિક કમલેશ ઉર્ફે કમલેશમામા બાદરશાહીએ ફરિયાદીને ફોન કર્યો હતો પરંતુ અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હોવાથી રીસીવ કર્યો ન હતો.
ત્યારબાદ કમલેશે તેની ઓફિસમાં બોલાવ્યો હતો અને સાહિલનું બેન્ક સ્ટેટમેન્ટ લઇને આવવાનું કહયુ હતુ આથી પુત્રનું સ્ટેટમેન્ટ લઇને કમલેશભાઇના મહેતાજી જયભાઈને આપ્યુ હતુ અને કહ્યુ હતુ કે તમે ચેક કરીને મને કહેજો કે મારા દિકરા સાહિલે કેટલી ઉચાપત કરી છે?’ એ દરમ્યાન કમલેશભાઈ પણ ત્યાં આવ્યા હતા અને ફરિયાદીને જણાવ્યુ હતુ કે, ‘અમારી શીપીંગ એસો.ની મીટીંગ ચાલુ છે અને આ બાબતે એસોસીએશનના પ્રમુખ નિરંજન શિયાળ ઉર્ફે પપ્પુભાઈ જે નિર્ણય કરશે તે મુજબ આગળની કાર્યવાહી કરવાની થશે.’ આથી ફરિયાદીએ ‘મારો દીકરો સાહિલ ઘરે આવી જાય પછી આપણે વાત કરશું’ તેમ કહ્યુ હતુ. ત્યારબાદ મહેતાજીને ફોન કરીને ‘તમે મારા દીકરાનું સ્ટેટમેન્ટ ચેક કર્યુ? તેણે શું ગોટાળો કર્યો છે કંઇ ખબર પડી?’ તેમ પૂછતા તેણે કોઈ સરખો જવાબ આપ્યો ન હતો.
અંતે પોલીસ ફરિયાદ
આમ નિધિ સી ફૂડના માલિક કમલેશ બાદરશાહીને ત્યાં દિકરો સાહિલ કામ કરતો હોવાથી સાહિલ ઉપર સાડા પાંચ લાખ રૂપિયાની ઉચાપત કર્યાનો આક્ષેપ કરીને તથા આકાશ ભીખુ શિયાળ, ધીરૂ ઉર્ફે નરેશ કારુ જેઠવા અને જય રાજેશ કોટીયાએ સાહિલ પાસે પૈસાની પઠાણી ઉઘરાણી કરી હોવાથી તનાવમાં આવીને આત્મહત્યા કર્યાનું જણાવી ગુન્હો દાખલ કરાવ્યો છે.
