પોરબંદર ના વિસાવાડા ગામે પોણા બે મહિના પહેલા જેટકોના સબસ્ટેશનની અંદર ઘુસેલા ટોળાએ અધિકારીઓ અને કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરી હોવાની હવે પોલીસ ફરિયાદ નોંધાતા અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે.
પોરબંદરની શ્રીજીનગર સોસાયટીમાં રહેતા અને જેટકો કંપનીમાં જુનીયર એન્જીનીયર તરીકે ફરજ બજાવતા રૂચિત રમણીકભાઈ પોપટ(ઉવ ૨૫)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગત તા. ૨૮-૭ના સાંજે તેઓ પોરબંદર જી.આઈ.ડી.સી.ના ૬૬ કે.વી. સબસ્ટેશન ખાતે હાજર હતા ત્યારે તેમની દેખરેખ હેઠળના વિસાવાડા ગામના ૬૬ કે.વી. સબસ્ટેશનના ઓપરેટરે ફોન કરી જણાવ્યુ હતુ કે વિસાવાડા ગામના સબસ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિઓનું ટોળુ ઘસી આવ્યુ છે અને દબાણ કરી જેટકો કંપનીના સબસ્ટેશનના તમામ ફીડર બંધ કરાવ્યા છે.
અને પી.જી.વી.સી.એલ. સબસ્ટેશન કચેરી બદલવા અંગેના પ્રશ્ને આવ્યા છે અને તેઓને સબસ્ટેશનની હદમાંથી બહાર નીકળી જવાનું કહેતા તેઓ બહાર નીકળતા નથી.આથી રૂચિત અન્ય સ્ટાફ સાથે તુરંત વિસાવાડા દોડી જઈ જોયું તો ટોળું ત્યાં હાજર હતુ અને તેઓને બહાર નીકળી જવાનું કહેવા છતા નીકળતા ન હતા. જેટકો કંપનીના સબસ્ટેશનની બહાર પ્રતિબંધિત વિસ્તાર એવુ બોર્ડ લગાડેલ હોવા છતાં આ ટોળાએ એકસંપ કરી ગેરકાયદેસર પ્રવેશ કરી ફીડરો બંધ કરાવ્યા હતા અને રાજ્ય સેવક તરીકેની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી. ત્યારબાદ પોરબંદર પી.જી.વી.સી.એલ. કચેરી ખાતેથી સાતેક જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ત્યાં દોડી ગયા હતા અને ટોળા સાથે વાતચીત કર્યા બાદ તેઓ બહાર ગયા હતા.
ખેડૂતો ની ઈચ્છા વિરુદ્ધ મજીવાણા સબ ડીવીઝન માં સમાવેશ થતા બનાવ બન્યો
ફરિયાદ માં એવું પણ જણાવાયું છે કે વિસાવાડા ગામ અને તેની આજુબાજુના ગામનો હાલ પોરબંદર કોસ્ટલ પી.જી.વી.સી.એલ. સબડિવીઝનમાં સમાવેશ થયો છે. જે ગામોને મજીવાણા પી.જી.વી.સી.એલ. સબડિવીઝનમાં સમાવવા નિર્ણય લેવાયો હોવાથી એ વાતને લઇને ફરજમાં રૂકાવટ થઇ હતી. તેની ફોટોગ્રાફી પણ મોબાઈલમાં કરવામાં આવી હતી અને એકઝીકયુટીવ ઇજનેર એમ.આર. ચોરવાડાને બનાવની જાણ કરવામાં આવતા તેમણે ફરિયાદ નોંધવા માટે જણાવતા રૂચિતે ફરિયાદ નોંધાવી છે.
અગાઉ અનેક વખત થઇ હતી રજૂઆત
ઉલ્લેખનીય છે કે બનાવ બન્યો તે પૂર્વે ૫ ગામના ખેડૂતો એ અગાઉ પીજીવીસીએલ સર્કલ કચેરી સહીત ના સ્થળો એ અનેક વખત રજૂઆત કરી મજીવાણા સબ ડીવીઝન માં તેઓના ગામો ને ન ભેળવવા રજૂઆત કરી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી થઇ ન હતી ત્યારે રોષે ભરાયેલા ખેડૂતો એ કાયદો હાથ માં લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે