રાણાવાવ ની સરકારી કોલેજ ના પ્રોફેસરે “સમાજ પર સાયબર ક્રાઈમની અસરો – એક સમાજશાસ્ત્રીય અભ્યાસ વિષય પર ઊંડાણપૂર્વક સંશોધન કરતા તેઓને પીએચડી ની ડીગ્રી એનાયત કરાઈ છે.
સરકારી વિનયન કોલેજ રાણાવાવના પ્રોફેસર અને પૂર્વ પોલીસ અધિકારી ડૉ. સુભાષ એન. ઓડેદરાને “સમાજ પર સાયબર ક્રાઈમની અસરો – એક સમાજશાસ્ત્રીય અભ્યાસ (પોરબંદર જિલ્લાના સંદર્ભમાં)” વિષય પરની ઊંડાણપૂર્વકની સંશોધન પ્રવૃતિ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ તરફથી ડોક્ટર ઓફ ફિલોસોફી (Ph.D.) ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે.
તેમનો આ સંશોધન અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે, માર્ગદર્શક ડો.રાજેન્દ્રસિંહ એ.રાઠોડ આચાર્ય, સરકારી કોલેજ લીલીયા અમરેલી ના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરવામાં આવ્યો છે. ડૉ. સુભાષ ઓડેદરાનું આ સંશોધન પોરબંદર જિલ્લામાં સાયબર ક્રાઈમની વિવિધ અસરો તથા તેમના સામાજિક પરિપ્રેક્ષ્યો વિષે વિગતવાર માહિતી આપે છે. જેમાં વર્તમાન સમયમાં જોવા મળતા સાયબર ક્રાઇમ અને પ્રકારો, સાયબર ક્રાઇમને લીધે તેની જાહેર જીવનમાં થતી સામાજિક અસરો, સોશીયલ મીડિયા અને સાયબર ક્રાઇમ સંબંધિત સામાજિક સંબંધ અને ભૂમિકાની તપાસ, સાયબર ક્રાઇમની સામાજિક પેટા સંસ્થાઓની વિવિધ અસરો તપાસવી, સાયબર ક્રાઇમ અટકાવવાના સામાજિક અને અન્ય નવીનતમ ઉપાયો અંગે સંશોધનાત્મક પ્રકટીકરણ, સાયબર ક્રાઇમ વિશેની સામાજિક જાગરૂકતા અને સાયબર ક્રાઇમનું કાયદાકીય સ્વરૂપ અને કાયદાઓ તથા સમાજમાં એની અસરકારકતા અને જાગૃતિ લાવવા પ્રયાસો કરવા જેવા હેતુઓ તેમજ સાયબર ક્રાઇમના કારણે કુટુંબ,ધર્મ, જ્ઞાતિ, સમુદાય, શિક્ષણ, રાજકીય બાબતો તથા મનોવૈજ્ઞાનિક બાબતો પર પડતા પ્રભાવ પર વિશ્લેષણ પૂર્ણ માહિતી આપે છે.
આ સંશોધનમાં ગ્રામીણ અને શહેરી તથા અર્ધશહેરી વિસ્તારોમાંથી પ્રાપ્ત ડેટા અને ફીલ્ડ વર્કના આધારે, તેમણે લોકોના રોજિંદા જીવનમાં ડિજિટલ જોખમો કેવી રીતે પ્રવેશી રહ્યા છે તેનું જીવંત ચિત્ર રજૂ કર્યું છે. આ અભ્યાસ કાયદા અમલીકરણ એજન્સીઓ, નીતિ નિર્માતાઓ, શિક્ષણકારો અને નાગરિક સમાજ માટે માર્ગદર્શક તરીકે કાર્ય કરશે.
ડૉ. સુભાષ ઓડેદરા સાયબર ક્રાઈમ એક્સપર્ટ અને ઇન્વેસ્ટીગેટર છે. તેઓ પ્રવર્તમાન સમયમાં ગુન્હાઓમાં મોખરે એવા સાયબર ગુન્હાઓ એનું સ્વરૂપ,તેના પ્રકારો, હાલમાં જોવા મળતા વિવિધ સાયબર ક્રાઇમ જેવાકે ડીપ ફેક, ડીજીટલ અરેસ્ટ, ન્યુડ વિડીયો કોલિંગ, આર્થિક ગુનાઓ, સોશિયલ મિડિયા સંબંધિત ગુન્હાઓ વિષે લોકોમાં સતત જાગૃતતા ફેલાવે છે. તેઓ પોલીસ વિભાગમાં આઠ વર્ષ સુધી પી.એસ.આઈ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. પોરબંદર જીલ્લામાં પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકેના તેઓના કાર્યકાળમાં સાયબર ક્રાઈમ નિષ્ણાંત તરીકે તેમણે નામના મેળવી છે. તેઓની ટીમ દ્વારા પોરબંદર જીલ્લામાં ઘણા બધા લોકોની સાયબર ક્રાઈમમાં ગુમાવેલી રકમ પરત મેળવી આપી હતી. તેઓ હાલ સાયબર ક્રાઇમ જાગૃતિ અંગે સ્કૂલ, કોલેજોમાં, વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે મળી તથા સોશિયલ મીડિયાના માધ્યમ થી પ્રચાર અને પ્રસાર કરે છે. ઉપરાંત ડૉ. સુભાષ ઓડેદરાએ નેશનલ લેવલ પર રિસોર્સ પર્સન તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના MMTTCના રિફ્રેશર કોર્ષમાં “સાયબર સિક્યુરીટી ટેકનીક્સ અને ઇન્વેસ્ટિગેશન તથા ડાર્ક વેબ” વિષય પર એક્સપર્ટ લેકચર આપી ચૂકયા છે.
સરકારી કોલેજ માં પ્રોફેસર તરીકે તેઓ સૌ પ્રથમ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, લીલિયા ખાતે સાડા ત્રણ વર્ષ પોતાની સેવાઓ બજાવી, હાલ સરકારી વિનયન કોલેજ રાણાવાવ ખાતે પોતાની ફરજ બજાવે છે. ડૉ. સુભાષ ઓડેદરાએ પીએચ.ડી. ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ જણાવ્યું કે, “આ સંશોધન અને શૈક્ષણિક યાત્રા દરમિયાન મારા માર્ગદર્શકો, પરિવારજનો અને પોરબંદર જિલ્લાના તમામ લોકોનો અદ્ભુત અને મહત્ત્વપૂર્ણ સહકાર મળ્યો છે, જે માટે હું ખુબજ આભારી છું.”
ડૉ. સુભાષ ઓડેદરાનો આ સંશોધન સાયબર સમાજશાસ્ત્રના વિકાસશીલ ક્ષેત્રમાં અગત્યનું યોગદાન છે અને તે ભાવિ સંશોધનકારો તથા નીતિ ઘડતર માટે એક મહત્વપૂર્ણ અને દિશાસૂચક બની રહેશે. આ સિદ્ધિ માટે તેઓને સરકારી કોલેજ રાણાવાવના પ્રિન્સિપાલ ડો. આર.બી.જોશી અને તમામ સ્ટાફમિત્રોએ શુભેછાઓ પાઠવી છે. પી.એચ.ડી ડિગ્રી મેળવવા બદલ ડો.સુભાષ ઓડેદરાને જિલ્લા પોલીસ પરિવાર તથા સમગ્ર પોરબંદર જિલ્લામાથી શુભકામનાઓ મળી રહી છે.

