પોરબંદરનો રીક્ષાચાલક પત્ની અને પુત્રને લઈને મોઢવાડા ગામે મંદિરે દર્શન કરવા જતો હતો ત્યારે કીંદરખેડા નજીક રેતીનો ઢગલો તારવવા જતા રીક્ષા પલ્ટી ખાઇ જતા રીક્ષાચાલકના પત્નીનું મોત થયુ હતુ પોલીસે ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદરના છાયામાં આવેલા મારૂતિનગરના ઇન્દિરા આવાસ ખાતે રહેતા સારંગ ગોરધનદાસ બાપોદરા(ઉવ ૪૫)એ નોંધાવેલ ર પોલીસ ફરિયાદ મુજબ ગઇકાલે સવારે ૧૧ વાગ્યે તે પિતા ગોરધનદાસ દયારામ બાપોદરાની રીક્ષામાં બેસીને માતા પુષ્પાબેન (ઉ.વ. ૬૪)સાથે મોઢવાડા ગામે આવેલ લીરબાઈ માતાજીના મંદિરે માતાજીના દર્શન કરવા માટે જતા હતા ગોરધનદાસ રીક્ષા ચલાવતા હતા. રીક્ષા કીંદરખેડા ગામથી આગળ મોઢવાડા રોડ પરથી પસાર થતી હતી ત્યારે રસ્તા પર રેતીનો ઢગલો હોવાથી તેને તારવવા જતા ગોરધનદાસે રીક્ષાના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા રીક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી.
જેથી પુષ્પાબેન અને સારંગને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. જેથી સારવાર માટે ૧૦૮ મારફતે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારંગની સ્થિતિ સારી છે. પરંતુ પુષ્પાબેનને માથાના ભાગે થયેલી ગંભીર ઇજાના કારણે મોત થયું હતું. આથી સારંગે બિફકરાઈથી રીક્ષા ચલાવી અકસ્માત સર્જનાર પિતા ગોરધનદાસ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
