પોરબંદર માં બંધ પડેલી ફિશ મિલ ખરીદનાર કંપનીના મેનેજરને નિવૃત્ત પોલીસ કર્મી અને તેના બે પુત્રો સહિત ચાર શખ્સો એ 5 લાખની ખંડણી પડાવી વધુ એક કરોડની ખંડણી માંગતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મૂળ વેરાવળ તથા હાલ પોરબંદરના વાડિયા રોડ પર પ્રગતિ એપાર્ટમેન્ટ ખાતે રહેતા અને ગદ્રે મરીન કંપનીના જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા અરવિંદ અનંત પેન્ડારકર(ઉવ ૪૭)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ કે મહારાષ્ટ્રના રત્નાગીરી ખાતે તેમની કંપનીનું મુખ્ય મથક આવેલું છે અને તેની અલગ અલગ શાખાઓ આવેલી છે ગુજરાતમાં ચોરવાડ ખાતે મચ્છી એક્સપોર્ટની શાખા આવેલી છે જ્યાં છેલ્લા ૧૨ વર્ષથી અરવિંદ જનરલ મેનેજર તરીકે નોકરી કરે છે અને ચોરવાડ બ્રાન્ચમાં નજીકના બંદરોમાંથી મચ્છી મંગાવીને વિદેશમાં એક્સપોર્ટ કરવાની હોય છે.
પોરબંદરના જાવર ખાતે આવેલી રોઝી કૃપા નામની ફિશ મિલ એન્ડ ઓઇલ કંપનીના છગનભાઈ લોઢારી ફરિયાદી અરવિંદ ની કંપનીના જુના સપ્લાયર્સ હતા અને તેઓ કોરોનામાં મૃત્યુ પામ્યા હતા તેથી તેમની ફિશ મિલ બંધ થઈ ગઈ હતી.
તેથી ફરિયાદીની કંપનીએ એક વર્ષ પહેલાં આ ફિશ મિલ ખરીદી લીધી હતી અને તેઓને આપવાના થતા તમામ રૂપિયા છગનભાઈના વારસદારોને આપી દીધા હતા અને રોઝી કૃપા નામની ફિશ મિલ નું નામ બદલાવીને ગદ્રે મરીન કરીને ગઈ સિઝનમાં જરૂરી સમારકામ કરી કંપનીને ચાલુ કરાવવામાં આવી હતી.
આઠ એક મહિના પહેલા ડિસેમ્બર 2024 માં જાવર ગામના નિવૃત્ત પોલીસ કર્મચારી ભાવેશ મુળુ મેવાડા અને તેમના બે દીકરાઓ મિરાજ અને સ્નેહલ ફિસમિલ કંપનીએ આવીને ત્યાં કામ કરતા મજૂરોને ધમકાવતા હતા ત્યારબાદ ભાવેશ મેવાડા નો દીકરો મિરાજ નવા ફુવારા પાસે આવેલ ફરિયાદીના ભાડાના ફ્લેટ એ આવીને પોતાની ઓળખાણ આપીને ધમકાવીને કહેતો હતો કે રોઝી કૃપા ફિશ મિલના માલિક છગનભાઈ પાસે અમે લાકડાના એક કરોડ રૂપિયા માંગીએ છીએ તમે ફિશ મિલ કેમ ખરીદી? હવે તમારે અમને એક કરોડ આપવા પડશે તો તમે નહીં આપો તો કંપની ચાલુ કરવા દેશું નહીં અને મારી નાખશું તે પ્રકારની ધમકી આપીને જતો રહ્યો હતો.
ત્યારબાદ ફરિયાદીએ તેમની કંપનીના બીજા સપ્લાયર્સ અજય ઉર્ફે મલ્લી મોતીવરસ ને આ બાબતે વાત કરી હતી અજય એ જાન્યુઆરી 2025 ના અંતમાં નિવૃત્ત પોલીસ કર્મચારી ભાવેશ મેવાડા અને તેના બંને દીકરા મિરાજ તથા સ્નેહલ સાથે લકડી બંદર ખાતે આવેલ અજય ઉર્ફે મલ્લીની ઓફિસમાં મીટીંગ ગોઠવી હતી અને અજયની હાજરીમાં જ ત્રણેય ઈસમોએ એવું કહ્યું હતું કે રોઝી કૃપાના મૂળ માલીક પાસે એક કરોડ માંગીએ છીએ તે અમને આપતા નથી કંપની તમે ખરીદી એટલે એક કરોડ તમારે અમને આપવા પડશે.
આથી ફરિયાદીએ જણાવ્યું હતું કે અમારી કંપનીએ આ મિલ ખરીદી છે અને કંપનીનું તમામ ચુકવણું કરી આપ્યું છે એટલે અમારે હવે કંઈ ચૂકવવાનું થતું નથી તમારે કંપનીના મૂળ માલિક પાસે જે વ્યવહાર હોય એ તેમની પાસે માંગો તેમ કહેતા આ ત્રણેય સમયે ધમકાવીને કહ્યું હતું કે રૂપિયા તો તમારે આપવા જ પડશે નહીંતર તમારી ફિશ મિલ અમે ચાલવા દેશું નહીં તેમ ધમકી આપીને જતા રહ્યા હતા
ત્યારબાદ થોડા દિવસ પછી ભાવેશ મેવાડા અને તેના દીકરા મિરાજ કંપની ખાતે આવીને મજૂરોને ધમકાવતા હતા અને એ સમયે ફરિયાદી વેરાવળ હતા આથી આ બાબતની ખબર પડતાં ફરિયાદી એ અજય મલ્લી સાથે વાત કરતા અજય આ લોકો સાથે વાત કરી એવું કહ્યું હતું કે નિવૃત્ત પોલીસ કર્મચારી ભાવેશ મેવાડા અને તેનો દીકરો મિરાજ કંપની ચાલુ રાખવી હોય તો આજને આજ પાંચ લાખ રૂપિયા આપવા પડશે તેમ કહ્યું હતું જેથી ફરિયાદી એ અજયને કહ્યું હતું કે આ લોકો આપણા મજૂરોને ધમકાવશે કે મારશે તો તે જતા રહેશે તેથી તું એ બંનેને અત્યારે પાંચ લાખ રૂપિયા આપી દે આથી અજયે તારીખ 12 ફેબ્રુઆરીના રોજ ભાવેશ મેવાડાના દીકરા સ્નેહલને પાંચ લાખ રૂપિયા આપી દીધા હતા અને તેના વાઉચર ઉપવાસ સ્નેહલની સહી પણ લીધી હતી. ત્યારબાદ અત્યાર સુધી તેઓ ફિશ મિલ ખાતે આવ્યા ન હતા.
પરંતુ એક અઠવાડિયા થી ફરીથી તેઓ આવવા લાગ્યા હતા તારીખ 26 જુલાઈના સવારે 11:30 વાગે મિરાજ મેવાડા ફિસમિલ ખાતે આવ્યા હતા અને મજૂરોને કહ્યું હતું કે તમારા કંપનીના માલિકને કહો અમને એક કરોડ રૂપિયા આપી દે નહીંતર આપી નાખીશ તેમ કહીને જતો રહ્યો હતો ફરિયાદી ત્યારે પણ વેરાવળ હતા અને તેમને ફિશ મિલના સુપરવાઇઝર નીતિને ફોન કરીને કહ્યું હતું આથી ફરિયાદીએ તેને કહ્યું હતું કે તમે ચિંતા ના કરો હું હેન્ડલ કરી લઈશ.
ત્યારબાદ તારીખ 29 /7 ના સાંજે સાડા પાંચ વાગ્યે જાવર ખાતે નિવૃત્ત પોલીસ કર્મચારી ભાવેશ મેવાડા નો માણસ મોબાઈલ લઈને આવ્યો હતો અને ફીસમીલના માણસોને બધાને ભેગા કરીને મોબાઈલથી માઇક નું સ્પીકર ચાલુ રાખીને મિરાજ બધા સાંભળે એ રીતે મજૂરોને ગાળો આપતો હતો અને મારી નાખવાની ધમકી આપતો હતો અને અહીંથી જતા રહેવાનું કહ્યું હોવા છતાં કેમ ગયા નથી? અત્યારે જ તમે જતા રહો નહીંતર તમારા બાયડી છોકરા ઘરે વાટ જોતા રહી જશે તેવી ધમકી મીરાજે આપી હતી અને સ્પીકરમાં ફોન ચાલુ કરીને આ વાત મજૂરોને સંભળાવી હતી.
એ દરમિયાન ફરિયાદીની કંપનીના વિનોદ સલેટે આ બાબતની જાણ કરવા માટે અજય મલીના માણસ પવનને ફોન કર્યો હતો નિવૃત્ત પોલીસ કર્મચારી ભાવેશ મેવાડાના માણસે ફોનનું માઇક ચાલુ રાખ્યો હતો અને મિરાજ મેવાડા સામેથી ફિશમીલના મજૂરોને ગાળો અને ધમકી આપતો હતો એ મોબાઇલમાં રેકોર્ડિંગ કરી લેવામાં આવ્યું હતું અને ફીશ મિલના 19 જેટલા માણસો મિરાજ મેવાડા ની ધમકીથી ડરીને જતા રહ્યા હતા એ વાતની ફરિયાદીને ખબર પડતા 30મી જુલાઈના તેઓ વેરાવળ થી પોરબંદર આવ્યા હતા અને તેમના કર્મચારી નીતિનભાઈ ને મળ્યા હતા અને ચર્ચા કરી હતી.
નીતિનભાઈએ એવું જણાવ્યું હતું કે ભાવેશ મેવાડા સિલ્વર ફેક્ટરી સામે મળ્યો હતો અને નીતિનનું બાઈક રોકાવીને ધમકી આપી હતી કે હજુ તો મારો દીકરો મિરાજ મેદાનમાં છે તમારે ફિશમિલ ચાલુ રાખવી હોય તો પ્રેમથી એક કરોડ આપી દો નહીંતર હું આવીશ એટલે આખી કંપની સળગાવી નાખીશ અને તારા મેનેજર ને પતાવી નાખી તેવી ધમકી આપી હતી.આ વાત નીતિને ફરિયાદી અરવિંદ ને જણાવી હતી તેથી ભાવેશ મેવાડા તેનો દીકરો મિરાજ અને અજાણ્યો માણસ સાતેક મહિના પહેલા તથા ભાવેશ નો દીકરો સ્નેહલ વગેરેએ અત્યાર સુધીમાં પાંચ લાખ રૂપિયા ખંડણી પેટે પડાવ્યા હતા અને હજુ એક કરોડ રૂપિયા માંગીને ફિશમિલ સળગાવવાની ધમકી આપી હતી તેથી આ તમામ સામે એફઆઇઆર દાખલ થતા હાર્બર મારીને પોલીસ મથકના પીઆઇ એસ.ડી. સાળુકે એ આગળની તપાસ હાથ ધરી છે.