પોરબંદરમાં જાતીય પરીક્ષણ જેવા ગંભીર ગુન્હા રોકવા તંત્ર કટિબધ્ધ બન્યુ છે જેમાં સોનોગ્રાફી થાય છે તેવા કલીનીકમા: અંદર જતી વખતે અને બહાર આવતી વખતે ચહેરો સ્પષ્ટ દેખાય તે રીતે કેમેરો નહી રાખનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે.
પોરબંદર જિલ્લામાં જાતિય પરીક્ષણ જેવા ગંભીર ગુન્હા રોકવા માટે પોરબંદર જિલ્લાનાં (જી.એ.એસ.), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જે.બી.વદર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જાહેરનામાં અનુસાર પોરબંદર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ અન્વયે નોંધાયેલ કલીનીકોમાં ફરજીયાત ૩૦ દિવસના (૨૪-૭ કલાક) ઓડિયો-વિડીયો બેકઅપ સાથે સી.સી.ટી.વી. કાર્યરત રાખવાના રહેશે અને સોનોગ્રાફી રૂમમાં નકકી કરેલ અધિકૃત વ્યકિત/દર્દી સિવાયની બિનઅધિકૃત વ્યકિત પ્રવેશ કરી શકશે નહી. સોનોગ્રાફી રૂમની અંદર કે જયાં દર્દીની સોનોગ્રાફી કરવામાં આવતી હોય ત્યાં સી.સી.ટી.વી. કેમેરા લગાવી શકાશે નહી., નકકી કરેલ સોનોગ્રાફી રૂમની અંદર દાખલ થતાં કે બહાર નીકળતી વ્યકિતઓનો ચહેરો આસાનીથી ઓળખી શકાય તે રીતે સોનોગ્રાફી રૂમમાં બહારના દરવાજાના ભાગે સી.સી.ટી.વી. કેમેરા લગાવવાના રહેશે. જો સોનોગ્રાફી રૂમના આવન-જાવનનો દરવાજા અલગ-અલગ હોય તો બંને સાઇડ સી.સી.ટી.વી. કેમેરા લગાવવાના રહેશે.
કોઈ હોસ્પીટલ, કલીનીક, સંસ્થા ખાતે એકથી વધુ ડોકટર હોય તેવી હોસ્પીટલ,કલીનીક, સંસ્થા ખાતે તમામ ડોકટરની ચેમ્બર કે જયાં સોનોગ્રાફી મશીન હોય તેવા તમામ ડોકટરની ચેમ્બરની બહારના દરવાજાનાં ભાગે સી.સી.ટી.વી. કેમેરા લગાવવાના રહેશે. આ બાબત વીઝીટીંગ ડોકટરના કિસ્સામાં પણ લાગુ પાડવાની રહેશે., સંબંધિત ડિસ્ટ્રીકટ, સબ ડિસ્ટ્રીકટ એપ્રોપ્રિએટ ઓથોરીટી દ્વારા જરૂર જણાયે જયારે પણ રેકોર્ડીંગનું બેકઅપ માંગવામાં આવે ત્યારે ફરજીયાત આપવાનું રહેશે તેમજ આપેલ બેકઅપમાં કોઈ ત્રુટી જણાશે તો સબંધિત હોસ્પીટલ,કલીનીક, સંસ્થાની જવાબદારી નકકી કરી પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ-૧૯૯૪ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે, આ હુકમ તા.૦૧-૦૮-૨૦૨૫ થી તા.૨૯-૦૯-૨૦૨૫ (બંન્ને દિવસો સહિત) સુધીના સમગ્ર સમયગાળા સુધી પોરબંદર જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ ની જોગવાઈઓ હેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે પોરબંદર જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, પોરબંદર અથવા તેના તાબાના સંબંધિત તાલુકા આરોગ્ય અધિકારીઓને આ હુકમનો ભંગ કરનાર ઇસમો સામે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.