પોરબંદર પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી શિક્ષકોને સોંપવામાં આવેલ વર્ષાઋતુ કંટ્રોલરૂમની કામગીરી રદ કરવા માંગ કરી છે.
પોરબંદર પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ લાખાભાઈ ચુંડાવદરા અને મહામંત્રી વેજાભાઈ કોડીયાતરે કલેકટરને આવેદનપત્ર પાઠવીને જણાવ્યુ છે કે પોરબંદર મામલતદાર દ્દવારા વર્ષાઋતુ -૨૦૨૫ કંટ્રોલરૂમ કામગીરીના આદેશ પ્રાથમિક શિક્ષકોને કરવામાં આવ્યા છે પરંતુ બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમનની કલમ નં. ૨૭ અન્વયે આવી કામગીરી પ્રાથમિક શાળાના શિક્ષકો પાસેથી લઈ શકાય નહીં.
આ અંગે અગાઉ મહાસંઘ દ્વારા તા. ૦૬/૦૬/૨૫ ના રોજ કલેકટરને લેખિતમાં રજુઆત કરી હતી. આમ છતાં શિક્ષકોના આદેશો રદ કરવામાં આવ્યા નથી. હાલમાં જ ઘેલા સોમનાથમાં ખાતે શિક્ષકોને અન્ય કામગીરીના સોપવામાં આવેલ ફરજોના આદેશ રદ કરી શિક્ષણમંત્રીએ જણાવ્યું છે કે શિક્ષણ વિભાગની પૂર્વ મંજુરી વિના અન્ય કામગીરી શિક્ષકોને સોંપી શકાય નહી આથી આ આદેશો તાત્કાલિક રદ કરવા અને જો આદેશો રદ કરવામાં નહી આવે તો મહાસંઘ આગામી તા. ૧૫ ઓગસ્ટ ના રોજ પોરબંદર આવનાર મુખ્યમંત્રી ને મળી વિરોધ પણ નોંધાવશે તેવું પણ જણાવ્યું છે
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ શૈક્ષિક મહાસંઘ દ્વારા કલેકટર અને મામલતદાર ને રજૂઆત કરી જણાવ્યું હતું કે હાલ શિક્ષકોની ઘટ હોય, શાળા શરૂ થવાની સાથે જ પ્રવેશોત્સવ વગેરે કામગીરી પણ હોય, આવી કામીગીરીથી શિક્ષણ પર માઠી અસર પડે છે. તો વર્ષાઋતુ કંટ્રોલરૂમ ની કામગીરી ના આદેશો રદ કરવા વિનંતી કરી હતી અને આવી કામગીરી શિક્ષકો પાસેથી ન લેવા આદેશ થયેલ છે.તેવું પણ જણાવ્યું હતું અને આમ છતાં જો કામગીરી લેવામાં આવશે અને ભવિષ્યમાં અદાલતના આદેશના અનાદરનો પ્રશ્ન ઉદભવશે તો તેની જવાબદારી જે તે આદેશ કરનાર અધિકારીની રહેશે.તેવું પણ જણાવ્યું હતું તેમ છતાં કોઈ કાર્યવાહી થઇ ન હતી આથી વધુ એક વખત આવેદન પાઠવ્યું છે.


