પોરબંદરના યુવાનને યુરોપ જવાની લાલચ આપીને આદિત્યાણા રહેતા માતા-પુત્ર તથા ખાપટ રહેતા શખ્સે રૂા.૧૨ લાખની છેતરપીંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદરના બોખીરાથી કુછડી તરફ જતા રસ્તે આવેલ યુનિક રીસોર્ટમાં રીશેપ્સનીસ્ટ તરીકે નોકરી કરતા અને રીલાયન્સ પટ્રોલપંપ પાછળ કૃષ્ણનગરમાં રહેતા રામ ભીમાભાઇ ગોરાણીયા(ઉવ ૨૪)એ પોતાની સાથે ૧૨ લાખ રૂપિયાની છેતરપીંડી થયાની ફરિયાદ નોંધાવી છે.જેમાં જણાવ્યું છે કે તા. ૯-૧૦-૨૦૨૩ના એક અઠવાડિયા પહેલા ફરિયાદી રામભાઈ ગોરાણીયાએ તેના માસી રાંભીબેન ખીમાભાઇ ખુંટીને એવી વાત કરી હતી કે, ‘મારે યુરોપ જવુ છે તમારુ કોઈ જાણીતુ હોય તો કહેજો’ આથી તેણે એવી વાત કરી હતી કે ‘આદિત્યાણાના જેઠીબેન ઉર્ફે જાગુબેન આત્યા કારાવદરા અને તેનો દિકરો રાજુ કારાવદરા માણસોને વિદેશ મોકલવાનુ કમ કરે છે અને હું તેને ઓળખુ છું જેથી તેની સાથે વાત કરી લઇશ’
ત્યાર પછી રામભાઇના માસી રાંભીબેન પોતે આદિત્યાણાના જેઠીબેન ઉર્ફે જાગુબેનને ફરિયાદીના ઘરે લઇ આવ્યા હતા અને તેણે એવુ જણાવ્યુ હતુ કે* મારો દીકરો રાજુ કારાવદરા હાલ દુબઇ છે અને તેના પાર્ટનરની પોરબંદરના યુગાન્ડા રોડ પર ‘મીટલેન્ડ’ નામની ઓફિસ છે તમારે યુરોપ જવુ હોય તો તમને દુબઇ થઇને યુરોપ મોકલી દેવામાં આવશે અને તે માટે બાર લાખ રૂપિયાનો ખર્ચ થશે.’ રામભાઈ ગોરાણીયાના માતા જીવીબેન અને પિતા ભીમાભાઈ બંને પણ યુનિક રીસોર્ટમાં મજૂરીકામ કરે છે જેથી તેઓ પાસે આટલી રોકડ નહી હોવાથી તેણે તેના માસી રાંભીબેનને મદદ કરવા કહ્યુ હતુ પરંતુ રાંભીબેન પાસે પણ રોકડ ન હતી. પરંતુ તેની પાસે સોનાના દાગીના છે તેમ કહ્યુ હતુ તેથી એ મુદ્દા પર જેઠીબેન ઉર્ફે જાગુબેનને વાત કરતા તેણે કહ્યુ હતુ કે, ‘દાગીના હોય તો બેન્કમાંથી લોન મળી જશે’ ત્યારબાદ જેઠીએ પોરબંદરમાં પારસ ડેરી સામે આવેલ બેન્ક ઓફ ઇન્ડિયા ખાતે લઇ ગયા હતા.
અને બધી વાતચીત કરાવી હતી અને ત્યાર પછી જેઠીબેને ફરીયાદીના માસી રાંભીબેનના ૫૦ તોલા સોનાના દાગીના તા. ૯-૧૦-૨૦૨૩ના રોજ પોતાના નામે ગીરવે મૂકાવીને બાર લાખ રૂપિયા પોતે ઉપાડી લીધા હતા અને એ રૂપિયા એ જ દિવસે ફરીયાદી તથા જેઠીબેન યુગાન્ડા રોડ પર જાગુબેનના દિકરા રાજુના પાર્ટનર રાજવીર ઉર્ફે ભોદી ઉર્ફે રણમલ માલદે ઓડેદરા કે જે ખાપટ ખાતે રહે છે તેની ઓફિસે ગયા હતા અને એ બાર લાખ રૂપિયાની રકમ ગણીને સ્વીકારીને રાજવીરે રાખી હતી અને રાજુ કારાવદરા સાથે ફોનમાં વાત કરાવતા રાજુએ એવુ કહ્યુ હતુ કે ‘એ રૂપિયા તુ રાજવીરને આપી દે એ મારો પાર્ટનર છે. અને એ તારી અહીં આવવાની પ્રોસેસ ચાલુ કરી દેશે’જવીરને રૂપિયા આપી દીધા બાદ એવુ જણાવાયુ હતુકે’તારી ફાઇલ તૈયાર થઇ જાય પછી તારે પોરબંદરથી અહી દુબઇ આવવાનું છે અને છ મહિના જેટલો સમય દુબઈમાં રોકાવાનું છે. અહી મારી કંપની છે એમાં હું તને કામ ગોઠવી આપીશ. અને તે પછી હું તને યુરોપના પોર્ટુગલમાં મોકલી આપીશ’ આ પ્રકારની વાત થતા ફરીયાદીના દુબઈ જવાના કાગળોની પ્રોસેસ કરવામાં આવી હતી.
પૈસા આપ્યાના બરાબર એક મહિના પછી તા. ૯-૧૧-૨૦૨૩ના એ લોકો ફરીયાદી રામ ભીમા ગોરાણીયાને અમદાવાદથી પ્લેનમાં દુબઈ મોકલી આપ્યો હતો અને દુબઇમાં રાજુ કારાવદરા તેને લેવા આવ્યો હતો. ફરીયાદીની જેમજ જયમલ ઓડેદરા નામનો યુવાન પણ યુરોપ જવા માટે તેની સાથે આવ્યો હતો આથી રાજુ કારાવદરા તેના રૂમ ખાતે લઇ ગયો હતો જયાં અગાઉથી જ પોરબંદરના બે યુવાનો વિજય મોઢવાડીયા અને હાથીયા ઓડેદરા હાજર હતા. તેઓને પણ વિશ્વાસમાં લીધા હતા કે ‘થોડા સમયમાં તમને દુબઇથી યુરોપ મોકલી આપવામાં આવશે.’
રાજવીર ઓડેદરા અને રાજુ કારાવદરાએ દુબઇમાં પણ બોગસ કંપની બનાવી હતી અને તેમાં ફરિયાદી તથા અન્ય યુવાનોને નોકરીએ રાખ્યાનો બોગસ ઓર્ડર આપ્યો હતો અને કોઇપણ પગાર આપવામાં આવતો ન હતો. એ બંને ઇસમો દુબઇમાં ફરિયાદી અને અન્ય યુવાનોનું બેન્કનુ ખાતુ ઓપરેટ કરતા હતા અને તેમના ખાતામાં પગારની રકમ જમા કરીને પોતે જ ઉપાડી લેતા હતા. અને તે રીતે યુરોપ મોકલવા માટે થઇને બોગસ કંપની ઉભી કરીને ખોટા કાગળો દર્શાવી સાત મહિના સુધી ત્યાં તેઓને રાખ્યા હતા ત્યારબાદ રાજુ કારાવદરા આ યુવાનોને દુબઇમાં એકલા મૂકીને પોતાના ગામ આદિત્યાણા આવી ગયો હતો અને ફોનમાં ખોટો વિશ્વાસ આપતો હતો કે* થોડા સમયમાં યુરોપ મોકલી આપીશ’
આ રીતે ફરિયાદી રામ ગોરાણીયા અને અન્ય યુવાનો એક વર્ષ કરતા વધારે સમય સુધી દુબઈમાં રોકાયા હતા. રાજુ કારાવદરા અને રાજવીર ઓડેદરાએ યુરોપ મોકલ્યા ન હતા. ત્યાં તેમની પાસે જમવા માટે પણ રૂપિયા ન હતા.ત્યારબાદ ફરીયાદી ઉપરાંત જયમલ, હાથીયા ઓડેદરા, વિજય મોઢવાડીયા વગેરે ક્રમશઃ દુબઇથી પોરબંદર આવતા રહ્યા હતા. ફરિયાદી તા. ૨૩-૧૨-૨૦૨૪ના દુબઇથી પરત આવ્યો હતો. દુબઇથી પરત આવ્યો ત્યારબાદ તપાસ કરતા એવુ જાણવા મળ્યુ હતુ કે આદિત્યાણાનો રાજુ આત્યા કારાવદરા અને ખાપટનો રાજવીર ઉર્ફે ભોદી ઉર્ફે રણમલ માલદે ઓડેદરા બંને આ રીતે કૌભાંડ કરીને વિદેશ મોકલવાની પ્રવૃત્તિના નામે છેતરપીંડી કરે છે તેથી ફરિયાદી વતન આવી ગયા બાદ રાજુ, રાજવીર તથા રાજુની માતા જેઠીબેન ઉર્ફે જાગુને વારંવાર રૂબરુ, ફોન કરીને યુરોપ મોકલવા અથવા રૂપિયા પરત આપવા જણાવ્યુ હતુ પરંતુ તેઓએ પૈસાનું બુચ મારી દીધુ હતુ.
ફરીયાદીના માસી રાંભીબેનના ૫૦ તોલા સોનાના દાગીના બેન્કમાં ગીરવે મૂકયા હોવાથી તેઓ પણ એ લોકોને ફોન કરતા હતા પણ તેઓએ તેના ફોન ઉપાડવાનુ બંધ કરી દીધુ હતુ અને એક વર્ષ સુધી કામધંધા વગર દુબઇમાં રાખીને રૂપિયાની ઉચાપત કરી લીધી હોવાનું બહાર આવ્યુ હતુ. ફરિયાદમાં એમ પણ જણાવાયુ છે કે અન્ય ત્રણ યુવાનો જયમલ ઓડેદરા, વિજય મોઢવાડીયા અને હાથીયા ઓડેદરા વગેરે આ બંને ઇસમોના સબંધી થતા હોવાથી શરમના કારણે તેઓએ તેમની વિરૂધ્ધ ફરિયાદ કરી નથી. .
ફરીયાદીના માસીએ દાગીના બેન્કમાં ગીરવે મુકીને ૧૨ લાખ રૂપિયા ઉપાડવામાં આવ્યા હોવાથી લોન ભરપાઇ થઇ ન હતી જેથી આ દાગીના બેન્કમાં જમા થઇ જાય તેમ હોવાથી ફરીયાદીના માસા રામદેભાઈ દેવાભાઈ ગોરાણીયાએ મદદ કરી હતી અને બેન્ક ઓફ ઇન્ડિયામાં વ્યાજસહિત ૧૩ લાખ ૨૬ હજાર જેવી માતબર રકમ ભરીને માસીના દાગીના છોડાવ્યા હતા. આથી અંતે એ ત્રણે સામે રામ ભીમાભાઈ ગોરાણીયાએ વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.
				
															














