પોરબંદર
સૌરાષ્ટ્રની સંત, શૂરાની પવિત્રભૂમિમાં પોરબંદર જિલ્લામાં દરિયાકાંઠે આવેલ માધવપુર(ઘેડ) અનુપમ-કુદરતી, ભવ્ય સૌદર્ય ધરાવતું પ્રવાસન સ્થળ તેમજ પ્રાચીન તીર્થ સ્થળ પણ છે. કેરળ અને ગોવા જેટલું સાગરકાંઠાનું અલૌકિક સૌદર્ય માધવપુર ધરાવે છે. પોરબંદરથી વેરાવળ જતા કોસ્ટલહાઇવે ઉપર માધવપુર(ઘેડ) ૬૦ કિ.મી.ના અંતરે આવેલ છે. આ પ્રાચીન તીર્થ સ્થળે ભગવાનશ્રી કૃષ્ણ-રુક્મિણીના વિવાહ થયાનું કહેવાય છે. આ ધાર્મિક સ્થળ હિંદુઓ માટે આસ્થા અને શ્રધ્ધાનું સ્થાનક છે. ભગવાન શ્રીકૃષ્ણ-રુક્મિણીના વિવાહની ધાર્મિક પુણ્ય સ્મૃતિમાં પરંપરાથી અહીં ચૈત્ર મહિનામાં રામનવમીથી અગીયારસ સુધી એમ પાંચ દિવસ માધવપુરનો ધાર્મિક મેળો યોજવામાં આવે છે.
આ માધવપુર એક એવું રમણીય સ્થળ છે. જયાં શાંત અને નયનરમ્ય સમુદ્રની મંદ-મંદ હવાની લહેરખીઓ આવતી હોય, નજીકમાં નાળીયેરીના વૃક્ષો સહિતનું વૃક્ષાદિત નાનું હરીયાળુ વન પવનમાં હીલોળા નાખતું અને જયાં સૂર્ય આથમતો જોવાનો અનેરો રોમાંચ જોવા મળતો હોય છે. આ પર્યટન સ્થળે મહાભારત અને ભગવાન કૃષ્ણના પ્રાચીન સમયને આવરી લેતા તીર્થધામો આવેલ છે.
માધવપુર શ્રીકૃષ્ણ-રુક્મિણીના લગ્નની પવિત્ર ભૂમિ છે. મધુવન-રૂપેણવન છે, એની દ્વાદશ-નિકુંજોમાં ભગવાનશ્રી રાસરસેશ્વરનો અખંડ વાસ છે. પ્રત્યેક વર્ષે યોજાતો ચૈત્રી મેળો લોક સમાજે જાળવી રાખેલો વસંતોત્સવ છે. આ સાક્ષાત્કારની ભૂમિ છે. કહેવાય છે કે પોરબંદર, માધવપુર અને ગોકર્ણ-તીર્થનો ત્રિકોણ મકર રાશિ નીચે બંધાણો છે. માધવપુર પુર્નવસુ તીર્થ છે અને અધ્યાત્મ તેજની ભૂમિ છે. સંતોમાં શ્રી રામાનુજ, શ્રી વલ્લભથી માંડીને નાથ, કબીર અને ભગવાન સહજાનંદની પરંપરાના અનેક સંત-ભકતોના પાવન પગલાં આ ભૂમિમાં થયા છે.
સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારાના ચારઘેડોમાં મધુવંતીનો માધવપુર ઘેડ એનો પ્રાચીન ધાર્મિક સ્થળોને કારણે વિશેષ પ્રખ્યાત છે. છેલ્લા એકાદ હજાર વર્ષના અવશેષો આખા ઘેડમાં જોવા મળે છે. આ ઘેડ વિસ્તારને એની પોતાની વિશિષ્ટ સંસ્કૃતિ છે. આ પ્રદેશ નદીઓના કાંપથી બનેલો સમૃધ્ધ પ્રદેશ છે. ચોમાસામાં નદીઓના પાણી ભરાઇ રહે છે અને ચોમાસુ ઉતરતા અહીં વાવણી થાય છે. અન્ય પ્રદેશો કરતા ઘેડ પ્રદેશની આ પ્રથમ વિશેષતા છે. મુખ્ય વ્યવસાય ખેતીનો છે. અન્ય પ્રદેશો કરતા અહીં જુદા સમયે વાવણી થાય છે. એટલે આ પ્રદેશની પ્રજાઓના રીતરિવાજ પણ તેને અનુકુળ અને બીજા પ્રદેશો કરતા વિશિષ્ટ બન્યા છે.
ઘેડને પરંપરાથી ઉતરી આવેલું એનું પોતાનું લોક સાહિત્ય છે. ખાસ કરીને માધવપુરના મેળાને લગતા અસંખ્ય રાસ, ગીત છે. રામદેવપીરના રાસડા પણ ખુબ પ્રચલિત છે. ઘેડમાં અનેક ધર્મ-સંપ્રદાયો અને નાના પંથ-પંથીઓનું વૈવિધ્ય જોવા મળે છે. ઘેડ પ્રદેશ બે હજાર વર્ષની સંસ્કૃતી ધરાવે છે. ઘેડ પ્રદેશમાં શિલાલેખો મોટા ભાગના પાળીયા અને કિર્તીસ્તંભના સ્વરૂપમાં છે.
માધવપુર(ઘેડ)માં શ્રી માધવરાયજીનું પૈારાણિક મંદિર આવેલું છે. આ ભગ્નમંદિર સોલંકી ઢબનું બારમી સદીનું ગણાય છે. ઉત્તમ શિલ્પ સ્થાપત્યથી મઢેલુ આ મંદિર પ્રાચીનતા અને કલા સમૃધ્ધિથી ભરેલું અને નયનાકર્ષક છે. સમૃદ્રકિનારાની રેતીથી અડધુ દટાયેલું આ મંદિર પ્રાચીન ઇતિહાસને જાળવીને બેઠું છે. મંદિરનું શિખર વર્તુળાકાર છે. ઉત્ખનન દરમિયાન મંદિર સંકુલનો મહત્વનો નીચેનો ભાગ દટાયેલો મળી આવ્યો હતો. તેની આસપાસ જીર્ણવાવ સપ્તમાતૃકા અને અન્ય મંદિરોના ભગ્નાવશેષો પણ મળી આવ્યા હતા. આ મંદિરના ૧૬ થાંભલા અને તેને આધારિત સિંહમંડપ છે. આ મંદિર પુરાતત્વના અવશેષરૂપે સાચવવામાં આવેલું છે.
પ્રાચીન મંદિરને અડીને જ નવું મંદિર છે. માધવરાયજીનું આ નવું મંદિર સતરમી સદીમાં પોરબંદરના રાણા વિક્રમાતજી અને રૂપળીબાએ બંધાવ્યુ હોવાનું મનાય છે. નવા મંદિરમાં જુના મંદિરની પ્રતિમાઓનું જ પ્રતિષ્ઠાપન કરવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટ અને ગ્રામપંચાયત પ્રતિવર્ષ રુક્મિણી વિવાહ પ્રસંગનું સફળ આયોજન કરે છે.
માધવરાય મંદિરની વિશેષતા એ છે કે અહીં બે પ્રતિમા છે. સામાન્ય રીતે ભગવાનના ચતુર્ભૂજ સ્વરૂપમાં બે હાથ ઉપર અને બે હાથ નીચે હોય છે. અને શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા હોય છે. અભ્યાસુઓના મતે કદાચ આ એક જ મંદિર એવું હશે, જયાં ભગવાનના ત્રણ હાથ ઉપર છે. અહીં વૈષ્ણવ પધ્ધતિથી ભગવાનની સેવા નિયમિત રીતે થાય છે. અર્વાચિન મંદિર પણ અનેરા આકર્ષણનું પ્રતિક છે.