પોરબંદર માં પ્રાથમિક શિક્ષકો ને બુથ લેવલ ઓફિસર ની ફરજ સોપવામાં આવતા રોષ દર્શાવી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિરોધ કરાયો છે.
ભારતના ચુંટણી પંચ દ્વારા બુથ લેવલ ઓફિસર ની નિમણુંક અંગે નવી સૂચનાઓ તા.5/6 ના પત્ર થી જાહેર કરવામાં આવી છે જે અંગે આવેલ સુધારાને ધ્યાનમાં રાખી પોરબંદર વિધાનસભાના મતદાર નોંધણી અધિકારી દ્વારા વિધાનસભાના 188 બુથના નવા બીએલઓની નિમણુંક ના આદેશ કરવામાં આવ્યા છે.જે અંગે વિરોધ દર્શાવતા જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે જણાવ્યું છે કે આ 188 પૈકી લગભગ 110 થી વધુ ઓર્ડર ફક્ત પ્રા.શિક્ષકોના કરવામાં આવ્યા છે સાથો સાથ આ આદેશ કરતી વખતે શિક્ષકોની હાલની ફરજના સ્થળને ધ્યાનમાં લીધા સિવાય તેમના ચુંટણી કાર્ડ જે મતદાર વિભાગના છે ત્યાં બીએલઓ તરીકે નિમણુંક કરવામાં આવી છે,ઘણા કર્મચારીઓના ફરજના સ્થળ અને બીએલઓની નિમણુંક ના સ્થળ 50 કિમી જેટલા અંતરે આવેલા છે.
આ ઉપરાંત વર્ષો. સુધી બીએલઓ તરીકે ફરજ બજાવી અને હાલમાં જ જેમને આ કામગીરીમાંથી મુક્તિ મળી છે તેવા કર્મચારીઓને પણ ફરી નિમણુંક આપી દેવામાં આવી છે.આમ બીએલઓની કામગીરીમાં મોટે ભાગે પ્રાથમિક શિક્ષકોના જ ઓર્ડર કરવામાં આવતા અને દૂરના સ્થળે નિમણુંક આપી દેવામાં આવતા પ્રાથમિક શિક્ષકોમાં રોષની લાગણી ફેલાઇ છે આ અંગે જો તાત્કાલિક કોઈ હકારાત્મક નિર્ણય કરવામાં નહિ આવે તો આ કામગીરીનો સખત વિરોધ કરવાનો જિલ્લા પ્રા.શિક્ષક સંઘ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે.