પોરબંદરમાં સંભવિત વાવાઝોડા સામે સતર્ક રહેવા અધિકારીઓ ની બેઠક યોજાઇ હતી.
પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વર્ષાઋતુ ૨૦૨૫ ની પૂર્વ તૈયારી તથા આગામી સમયમાં સમયમાં લો પ્રેશર સર્જાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સંદર્ભે પોરબંદર જિલ્લો પણ વિશાળ દરિયાઈ સપાટી ધરાવતો હોય અને વધુ અસરગ્રસ્ત થવાની શક્યતાઓ રહેલી હોય તેથી પોરબંદર જિલ્લાના ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરીના અધ્યક્ષ સ્થાને તાકીદે બેઠક બોલાવવામાં આવી હતી.
બેઠક દરમિયાન આગામી હવામાન વિભાગની આગાહી અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાય શકે છે અને વાવાઝોડાની પણ શક્યતાઓ છે, આ પરિસ્થિતિ દરમિયાન તમામ વિભાગોને ભૌતિક અને તંત્રાત્મક પ્રવૃતિ સુનિશ્ચિત કરવાની દિશામાં સૂચનાઓ આપવામાં આવી હતી.
પોરબંદર જિલ્લાના ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ચૌધરીએ જણાવવામાં આવ્યું હતું કે, તમામ અધિકારીઓ એલર્ટ મોડ પર રહે, કાંઠા વિસ્તારોમાં સ્થળાંતર કરાવવાની પણ જરૂર જણાઈ શકે તેવા સંજોગોમાં પણ અનુભવને ધ્યાને રાખીને કામગીરી કરવાની તૈયારી રાખવાની રહેશે..
વધુમાં તેમણે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ ત્વરિત પણે ચાલુ કરવામાં આવે, ભૌગોલિક પરિસ્થિતિના અભ્યાસ આધારે રેસ્ક્યુ ટીમ, જીલ્લાના આશ્રયસ્થાનો તથા એન.જી.ઓ.ની યાદી તૈયાર કરી લેવામાં આવે,વોટર લોગીંગ માટે પ્રોમોન્સુનની જો કોઈ કામગીરી બાકી રહી ગયેલ હોય તો તે તાત્કાલિક પૂર્ણ કરવા, રોડ રસ્તા કોઈ બ્લોક થાય તો તાત્કાલિક તે દૂર કરવા માટે સંબંધિત વિભાગને એલર્ટ મોડ પર રહેવા સૂચના આપવામાં આવી હતી.
ડિઝાસ્ટર સમયે ઉપયોગમાં આવતા સાધનો હાથવગા રાખવા અને તેનું પ્રોપર લિસ્ટ કન્ટ્રોલરૂમમાં અવેલેબલ કરવા, જિલ્લાના દરિયા કાંઠાના ગામોમાં અવર્નેસ પ્રોગ્રામ કરવામાં આવે, ગામદીઠ હોમગાર્ડ, પોલીસજવાનો સહિત સ્વયં સેવકો રાખવામાં આવે, આરોગ્ય અંગે રેસ્ક્યૂ સમયે અને ત્યારબાદ તકેદારી માટે તૈયારી રાખવામાં આવે,મોટી ફેક્ટરીઓ અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કોઈ મોટી દુર્ઘટના ન બને તેની તકેદારી રખાય, વીજપુરવઠો સતત જળવાય તેવી તકેદારી લેવામાં આવે, દરિયામાં રહેલી શિપિંગ બોટ તાત્કાલિક પાછી આવી જાય અને જરૂર જણાય ત્યારે લોકોને અનાજ, ફૂડ પેકેટ અને પુરવઠો પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વધુમાં કલેકટરએ ડિઝાસ્ટરની પરિસ્થિતિમાં તમામ વિભાગો અને અધિકારીઓ આપસી સંકલનમાં રહી એલર્ટ થઈ કામગીરી કરે તેવી સૂચના આપવામાં આવી હતી તથા કોઈ અધિકારી પરવાનગી વગર હેડ ક્વાટર ન છોડે તેવા કડક સૂચન અપાયા હતા.
આ બેઠકમાં પોરબંદર મહાનગર પાલિકા કમિશનર એચ.જે. પ્રજાપતિ, અધિક નિવાસી કલેકટર જે.બી.વદર,પોરબંદર પ્રાંત અધિકારી સંદિપ જાદવ,કુતિયાણા પ્રાંત અધિકારી નેહા સોજીત્રા, ઇન્ચાર્જ પુરવઠા અધિકારી પ્રતિક જાખડ, આરોગ્ય વિભાગ, વનવિભાગ સહિતના સબંધિત વિભાગનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
