ભાવનગર જીલ્લા ની તરુણી એ મેડીકલ એડમીશન માટે તમામ કાર્યવાહી કરી હતી પરંતુ ક્રિમીલીયર સર્ટીફિકેટ ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધી ન નીકળી શકતા ગુસ્સામાં ઘર છોડી ટ્રેનમાં બેસી પોરબંદર પહોંચી હતી જેથી તેનું કાઉન્સેલીંગ કરીને ૧૮૧ની ટીમે સખી વનસ્ટોપ સેન્ટર ખાતે આશરો આપ્યો છે.
પોરબંદર રેલ્વે સ્ટેશન પરથી રેલ્વે પી.એસ.આઇ. દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરી એક તરૂણી રેલ્વે સ્ટેશન પરથી મળી આવી હોવાનું જણાવતા અભયમ ટીમ ના કાઉન્સીલર મીરા માવદિયા કોન્સ્ટેબલ સેજલબેન પંપાણીયા ને સાથે રાખી રેલ્વે સ્ટેશન ખાતે દોડી ગયા હતા અને તરુણીને આશ્વાસન આપી નામ -સરનામું પૂછતા તેણે જણાવ્યું હતું કે ‘હું ભાવનગર જીલ્લા ની વતની છું અને સાયન્સમાં અભ્યાસ કરું છું મારે આગળ એડમિશન માટે ક્રિમીલીયર સર્ટીની જરૂર છે પરંતુ તે નિકળવામાં ૩ થી ૪ દિવસ લાગે તેમ છે ને એડમિશનની કાલે છેલ્લી તારીખ છે જેથી મને દુઃખ થયુ કે મારે ડોક્ટર બનવાનું સપનું અધૂરૂ રહી જાશે મને હવે એડમિશન નહિ મળે”આથી ૧૮૧ ટીમે તેને હિમ્મત આપતા તરુણીએ જણાવ્યું હતું કે એડમિશન લેવા જવા માટે હું મારા માતા- પિતાને વારંવાર સાથે આવવા જણાવતી પરંતુ તેઓએ થોડા દિવસ પછી જાશું.’તેમ જણાવતા તેના કારણે એડમિશનમાં મોડું થતા ગુસ્સો આવતા હું ઘરે કોઈને કહ્યા વગર નિકળી રેલ્વે સ્ટેશન પર પહોંચી ગઈ હતી ત્યાં પોરબંદરની ટ્રેન ઉપડતી હોવાથી તેમાં બેસી ગઈ હતી મારે શું કરવું ? કયા જવું કયાં એની કોઈ ખબર જ ના હતી અને આ રીતે પોરબંદર પહોંચી હતી.
સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશરો અપાયો
૧૮૧ ટીમ દ્વારા તરૂણીને સમજાવી સાંત્વના આપી. તેના માતા – પિતા ના નંબર વિશે પુછતા તેના માતાના નંબર આપતા તેની સાથે વાત કરતા માતા એ એવું જણાવ્યું હતું કે પુત્રીનું એડમિશનનું ના થતા તે ઘરેથી કહ્યા વગર નિકળી ગઈ હતી આથી એવું થયુ કે ફ્રેન્ડના ઘરે ગઇ હશે એટલે આવી જશે.ત્યાર બાદ અભયમ ટીમે તરૂણી ને તેના માતા સાથે ફોન પર વાત કરાવી હતી. અને તેઓ તેડવા ન આવે ત્યાં સુધી સુરક્ષિત જગ્યા પર રાખવાની ખાતરી આપી હતી અને ત્યાર બાદ તરુણીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશરો આપવામાં આવ્યો છે.