પોરબંદરમાં ત્રણ દિવસ પહેલા એ.ટી.એમ. સેન્ટરમાં નાણા જમા કરાવવા ગયેલ યુવાન સાથે ૨૬ હજાર રૂપિયાની છેતરપીંડી કરવાના ગુન્હામાં પકડાયેલા કુછડી ગામના શખ્સે વધુ ત્રણ લોકો સાથે ૧ લાખ ૨૬ હજાર રૂાની છેતરપીંડી કરી હોવાનું બહાર આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદરના ઠક્કરપ્લોટમાં આવેલા એસ.બી. આઈ. બેન્કના એ.ટી.એમ. ખાતે ડ્રાઇવીંગ સ્કૂલ ચલાવતા યુવાનને યોનો એપ્લીકેશનની મદદથી મેસેજ બતાવીને ચાલાકીપૂર્વક ૨૬ હજાર રૂપિયાની છેતરપીંડી કરવાના ગુન્હામાં પકડાયેલ કુછડી ગામના સંજય હિતેશ ઓડેદરા ચીટર હોવાનું અને તેણે અનેક લોકો સાથે પણ છેતરપીંડી કરી હોવાનું પોલીસે જાહેર કરી લોકો પોલીસ ફરિયાદ નોંધાવવા માટે આગળ આવે તેવી અપીલ કરવામાં આવી હતી જેથી લોકો હવે આ ચીટર સામે ગુન્હા નોંધાવવા માટે આગળ આવતા વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
તરસાઈના ખેડૂત સાથે થઇ ૬૬ હજારની છેતરપીંડી
તરસાઈ ગામે ચામુંડા માતાજીના મંદિર નજીક વાડીવિસ્તારમાં રહેતા વિજય જીણાભાઈ ચુંડાવદરા(ઉવ ૨૧) નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તા. ૪-૫-૨૦૨૫ના સવારે ૧૧ વાગ્યે તે પોરબંદર આવ્યો હતો અને ખેતીકામના ૫૦ હજાર રૂપિયા બેન્કમાં જમા કરાવવા હતા તેથી એમ.જી. રોડ પર આવેલી બેન્ક ઓફ બરોડામાં તેનું ખાતુ હોવાથી તેના એ.ટી.એમ.માં પૈસા જમા કરાવવા ગયો હતો ત્યારે ત્યાં એક શખ્સ ઉભો હતો. તેણે એવુ કહ્યુ હતુ કે, ‘મારે બેન્કમાંથી પૈસા ઉપાડવાની લીમીટ પૂરી થઈ ગઈ છે તેથી તમારી પાસે રહેલા ૫૦ હજાર રૂપિયા મને આપો, હું તમને ફોનથી તમારા એકાઉન્ટમાં એન.ઈ.એફ.ટી. દ્વારા ટ્રાન્સફર કરી દઉં છું, બે કલાક પછી પૈસા જમા થઇ જશે’ તે કુછડીનો સંજય હિતેશ ઓડેદરા છે તેમ જણાવીને તેના મોબાઇલ નંબર પણ આપ્યા હતા આથી ફરિયાદી વિજયને સંજય ઉપર વિશ્વાસ આવતા પોતાના બેન્ક ઓફ બરોડાના બેન્ક એકાઉન્ટના નંબર આપ્યા હતા અને સંજયે પોતાના મોબાઈલ ફોનમાંથી એસ.બી.આઈ. યોનો એપ્લીકેશનની મદદથી ૫૦ હજાર રૂા. ટ્રાન્સફર કર્યાનો મેસેજ બતાવ્યો હતો. ફરિયાદીએ તેને ૫૦ હજાર રોકડા આપી દીધા હતા અને ત્યારબાદ તે ઘરે જતો રહ્યો હતો. બે કલાક પછી ખાતામાં પૈસા જમા નહી થતા સંજયને ફોનથી જાણ કરી હતી. તેણે ‘હું તમને ચેક આપી દઈશ’ તેમ કહ્યુ હતુ અને બીજા દિવસે સંજયે ૬૬ હજાર રૂપિયાનો ચેક આપ્યો હતો અને આ ચેક ફરીયાદી વિજય ચુંડાવદરાએ બેન્કમાં નાખતા સંજયના ખાતામાં રૂપિયા નહી હોવાથી બેન્કે તે સ્વીકારેલ નહી ત્યારબાદ ફરીયાદીએ અવારનવાર રૂપિયાની માંગણી કરતા રૂા. આપ્યા ન હતા.
જામનગરના યુવાન સાથે પણ કરી છેતરપીંડી
જામનગરના બાલાજી પાર્ક -૨માં રહેતા ભક્તિરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ પોરબંદરમાં તા. ૨૬-૪ના બપોરે બે વાગ્યે પોરબંદરની બેન્ક ઓફ બરોડાના એ.ટી.એમ.માં ૭૫ હજાર રૂપિયા જમા કરાવવા ગયો ત્યારે સંજય ત્યાં હતો અને તેણે એજ મોડસઓપરેન્ડીથી ૭૫ હજાર રૂપિયા પડાવીને યોનો એપ્લીકેશનની મદદથી રૂપિયા ટ્રાન્સફર થયાનુ જણાવ્યુ હતુ. ત્યારબાદ રૂપિયા જમા નહી થતા ફોન પર વારંવાર પૂછપરછ કરતા સંજય નામના આ ઇસમે બીજાના ખાતામાંથી કટકે-કટકે ૩૩ હજાર રૂપિયા પાછા આપી દીધા હતા અને ૪૨ હજાર રૂપિયા આપ્યા ન હતા.
લેપટોપની ખરીદીમાં પણ વેપારી સાથે કરી છેતરપીંડી
પોરબંદરના રાવલીયાપ્લોટમાં રહેતા પ્રવીણભાઇ નટવરભાઇ બામણીયાને ત્યાં તા. ૬-૮-૨૦૨૦ના તેની દુકાને આવીને સંજય બે લેપટોપ લઇ ગયો હતો જેમાં એક લેપટોપના ૩૧ હજાર રોકડા આપ્યા હતા અને બીજા લેપટોપના ૩૪ હજારનો ચેક આપ્યો હતો. જે ચેકમા ૬૬ હજાર રૂપિયા લખેલા હતા. અને એ જમા કરતા સંજયના ખાતામાં રૂપિયા નહી હોવાથી બેન્કે સ્વીકાર્યો ન હતો. અને પ્રવીણભાઈ બામણીયાએ તેને રૂપિયા આપવાની વાત કરતા આનાકાની કરતો હતો.
આમ, કુલ ત્રણ લોકો સાથે ૧ લાખ ૨૬ હજારની છેતરપીંડી અને વિશ્વાસઘાત કરનાર સંજય હિતેશ ઓડેદરા સામે પોરબંદરના કમલાબાગ પોલીસમથકમાં ગુન્હો દાખલ થતા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે અને આ ગુન્હામાં પણ સંજય હિતેશ ઓડેદરાની ધરપકડની તજવીજ હાથ ધરવામાં આવી છે.અને હજુ પણ કેટલાક ભોગ બનનાર આગળ આવે તેવી શક્યતા છે.