Tuesday, October 14, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જીલ્લા માં પ્રિમોન્સૂન તૈયારીઓ અને હીટવેવ સામે સતર્કતા માટે કલેકટર દ્વારા બેઠક બોલાવાઈ

પોરબંદર જીલ્લા માં પ્રિમોન્સૂન તૈયારીઓ અંગે કલેકટર દ્વારા બેઠક યોજાઈ હતી ઉપરાંત હીટવેવ ને લઇ ને પણ બેઠક યોજાઈ હતી.

પોરબંદર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર એસ.ડી.ધાનાણીના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સૂન તૈયારીઓના આયોજન બાબતે વિગતવાર સમીક્ષા બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં કલેક્ટરશ્રી દ્વારા દુરદર્શિતાપૂર્વક તમામ મહત્વના મુદ્દાઓ પર ગંભીર વિચારવિમર્શ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

બેઠક દરમિયાન આકસ્મિક પ્રાકૃતિક આપત્તિઓના દ્રષ્ટિકોણે તમામ વિભાગોને ભૌતિક અને તંત્રાત્મક પ્રવૃતિ સુનિશ્ચિત કરવાની દિશામાં સૂચનાઓ આપવામાં આવી હતી.

બેઠક દરમ્યાન રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ ચાલુ રાખવા તથા દરેક વિભાગે પોતાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરી સમયસર અમલમાં મૂકવા, કચેરીઓમાં આવેલા ભોંયતળિયાના રેકોર્ડ રૂમનો રક્ષણાત્મક પુનર્વિચાર કરવા, ભૂમિસ્ખલન અથવા વાવાઝોડા જેવી પરિસ્થિતિઓમાં આગમચેતી પગલા રૂપે ભયજનક મકાનો તાત્કાલિક ઉતારી લેવાં, ભૌગોલિક પરિસ્થિતિના અભ્યાસ આધારે રેસ્ક્યુ ટીમ તથા સર્વે ટીમોની રચના કરવા, પરપ્રાંતીય મજૂરોની વિગત ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાને ફાળવી આપવા સૂચન આપવામાં આવ્યા હતા.

વધુમાં જીલ્લાના આશ્રયસ્થાનો તથા એન.જી.ઓ.ની યાદી તત્કાલ તૈયાર કરવી, કુદરતી પાણીના વહેણમાં અવરોધરૂપ તત્વો દૂર કરી માર્ગો અવરોધમુક્ત કરવાં, ગત વર્ષના અનુભવના આધારે એક્શન પ્લાન, રેસ્ક્યુ પ્લાન તથા કોમ્યુનિકેશન પ્લાન સુસંગત રીતે વિકસિત કરવાં, નદીનાં કાંઠે વસેલા ગ્રામ વિસ્તારોનું સર્વે કરી સંભવિત જોખમ ધરાવતાં વિસ્તારોની ઓળખ કરવી અને શહેર તથા રાજમાર્ગો પર આવેલા મોટાં હોલ્ડિંગ્સની મજબૂતીની ચકાસણી કરી જરૂરી મરામત કરવા અંગે સૂચન કરવામાં આવ્યું હતું.

સાથે સાથે ભયજનક વૃક્ષોનું તાત્કાલિક ટ્રિમિંગ કરવું, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત તૈયાર કરાયેલ આયોજનની સમીક્ષા કરવી, સ્થળાંતર કેન્દ્રો પર સ્પષ્ટ માહિતી તૈયાર થાય તે અંગેનુ આયોજન કરવુ, ભોજન, નાસ્તા, પીવાનું પાણી વગેરેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવી, તમામ શાળાઓમાં બાળકો માટે “અપાતકાલીન સ્થિતિ દરમિયાન કરવાના/ન કરવાના પગલાં” બાબતના જાગૃતિ કાર્યક્રમો યોજવા અને આરોગ્ય વિભાગ દ્વારા પ્રિમોન્સુન કામગીરીનો આરંભ કરવો તથા ચોમાસા દરમ્યાન પીવાના પાણીની ગુણવત્તા ચકાસવા નમૂનાઓ એકત્ર કરવાં અંગે માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા હતા.

જિલ્લા કલેક્ટરએ તમામ અધિકારીઓને ભવિષ્યમાં શક્ય સંભવિત પરિસ્થિતિઓમાં સક્રિય પ્રતિસાદ આપી પાણી ભરાયા હોય અથવા તો અન્ય કુદરતી આફત દરમિયાન ત્વરિત કામગીરી કરવા તાલુકા કક્ષાના અધિકારીઓને સૂચના આપી હતી. દરેક તબક્કે સંકલિત સમન્વય રહે તે બાબતને સ્પષ્ટપણે નિર્દેશિત કર્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર જે.બી. વદર, નાયબ કલેક્ટર એન.બી. રાજપૂત, કુતિયાણા પ્રાંત અધિકારી શ્રીમતી નેહા સોજીત્રા, સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હીટવેવ–૨૦૨૫ માટે પણ પ્રિ-હીટ બેઠક યોજાઈ

પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષ સ્થાને આજરોજ કલેક્ટર કચેરી ખાતે હીટવેવ–૨૦૨૫ અંગેની આગોતરી તૈયારી અંગે પ્રિ-હીટ બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં સમગ્ર વહીવટી તંત્ર, વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તથા સંબંધિત તંત્રોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.

બેઠક દરમિયાન કલેક્ટરએ નિર્દેશ આપતાં જણાવ્યું હતું કે, ” મે મહિના દરમ્યાન હીટવેવ જેવી પરિસ્થિતિ કોઈ પણ સમયે સર્જાઈ શકે છે, જેમાં પોરબંદર જિલ્લાનો પણ સમાવેશ શક્ય છે. આવા સંજોગોમાં તંત્ર દ્વારા ઉચ્ચતમ સ્તરે આગોતરી સાવચેતી અને તૈયારીઓ અનિવાર્ય બની રહે છે.”

કલેક્ટરએ તાકીદ કરતાં જણાવ્યું હતું કે, શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી બાંધકામ સાઇટ્સ પર કામ કરતા શ્રમિક વર્ગ માટે પીવાના પાણીની સુવિધા તથા બપોર દરમ્યાન આરામ માટે તડકાથી રાહત આપતા તંબુ કે ટેમ્પરરી સ્ટ્રક્ચરો ગોઠવવામાં આવે, NGO સંસ્થાઓના સહયોગથી છાસ, ઓઆરએસ તેમજ ઠંડાપીણાનું વિતરણ આયોજનબદ્ધ રીતે કરવામાં આવે, એસ.ટી.ના ડ્રાઈવર તથા કંડકટર્સ પોતે ફરજિયાત ઓઆરએસ સાથે રાખે તે માટે સૂચના અપાય હતી.

વધુમાં, વન્ય પ્રાણીઓ માટે યોગ્ય સ્થળે પીવાના પાણીની વ્યવસ્થા તાત્કાલિક ગોઠવવામાં આવે, વધુ વીજ વપરાશ થાય એવા વિસ્તારોમાં લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવે, બપોરના સમયમાં ઢોર અને પશુઓને બહાર ચરાવવા ન જવામાં આવે તે માટે ગામપંચાયત તથા પશુપાલન વિભાગ દ્વારા સૂચનાઓ આપવામાં આવે, આગ લાગવાના શક્ય સંજોગોને ધ્યાને લઈ અગ્નિસુરક્ષા અંગે પૂરતી ચેતવણી અપાય અને તાત્કાલિક પ્રતિસાદ માટે તંત્ર સજ્જ રહે, જનસામાન્યમાં હીટવેવ દરમિયાન “શું કરવું – શું ન કરવું” તે અંગે વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવે સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાય હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર જે.બી. વદર, નાયબ કલેક્ટર એન.બી. રાજપૂત, કુતિયાણા પ્રાંત અધિકારી શ્રીમતી નેહા સોજીત્રા, સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

બેઠકના અંતે કલેક્ટરએ દરેક વિભાગને સુચના આપી હતી કે, હીટવેવની સ્થિતિમાં દરેક ઘડીએ અસરકારક પ્રતિસાદ અને સંકલિત કામગીરી સુનિશ્ચિત કરવામાં આવે તેમજ દરેક અધિકારીઓએ પોતાના વિસ્તારમાં ત્વરિત સક્રિયતા દાખવી લોકહિત માટે કાર્ય કરે તે જરૂરી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે