પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા યુવાને એમેઝોન પરથી મંગાવેલ બાયનોકયુલર નુકશાનીવાળું હોવાથી પરત કર્યા બાદ તેની રકમ પરત ન મળતા છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદર ના છાયામાં આવેલ દેવજીચોકમાં રહેતા અને સુરેન્દ્રનગર યુનિવર્સીટીમાં એલ.એલ.બી.નો અભ્યાસ કરતા કમલેશ ઉર્ફે કમલ ભાણજીભાઈ ડોડીયા(ઉવ ૨૭)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ એપ્રિલ-૨૦૨૪માં તેણે બાયનોકયુલર (દુરબીન) ખરીદવાનું હોવાથી એમેઝોન વેબસાઇટ પર નીકોન કંપનીના દુરબીનનો ઓર્ડર કર્યો હતો. તેનું પેમેન્ટ ૩૬, ૨૯૬ રૂા. ક્રેડીટકાર્ડમાંથી કર્યુ હતુ અને ૧૫ દિવસની રીટર્ન પોલીસી હતી.
૧૫ એપ્રિલે આવેલ પાર્સલ ખોલીને જોતા બાયનોકયુલર સ્ક્રેચવાળુ અને ડેમેજ હાલતમાં હોવાથી બાયનોકયુલર પરત કરવા મેન્યુફેક્ચરિંગ કમ્પની પીચ ઈમ્પોર્ટસ એલ.એલ.પી.નો સંપર્ક સાધતા દૂરબીન પરત આપ્યા બાદ ઓનલાઈન કપાયેલી રકમ પરત મળી જશે તેમ જણાવ્યુ હતુ. પરંતુ ત્યાર બાદ પેમેન્ટ ન મળતા કંપનીની કસ્ટમરકેર સર્વિસને વારંવાર ફોન કરતા એવુ જણાવાયુ હતુ કે થોડા દિવસોમાં પેમેન્ટ મળી જશે. ત્યારબાદ હજુ સુધી પ્રયત્નો કરવા છતાં કોઈ પ્રત્યુતર મળ્યો ન હોવાથી અંતે આંધ્રપ્રદેશની પીચ ઇમ્પોર્ટસ એલ.એલ.પી. સામે ૩૬,૨૯૬ રૂા.ની છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.