પોરબંદરના સીમાણી ગામે વાડીવિસ્તારમાં ખેતમજૂરી કરવા આવેલ સગર્ભા અને તેના ગર્ભમાં ઉછરી રહેલ બાળકનું મોત થવાના બનાવ માં જવાબદાર બેદરકાર ડોકટરો સામે કાર્યવાહી કરવા આરોગ્ય વિભાગ ને ફરિયાદ કરાઈ છે.
પોરબંદરના આર.ટી.આઈ. એકટીવિસ્ટ અને સામાજિક કાર્યકર રમેશભાઈ માલદેભાઇ ઓડેદરાએ આરોગ્ય વિભાગના ચીફ સેક્રેટરી ધનંજય દ્વિવેદીને કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યુ છે કે ૧ એપ્રીલે સીમાણીગામે રહેતા પરપ્રાંતીય સગર્ભાને પ્રસૂતિની પીડા ઉપડતા લેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે નર્સિંગ સ્ટાફ, મેડિકલ કોલેજમાં ઇન્ટરશીપનો અભ્યાસ કરતા ભાવિ ડોકટરો સહીત ફરજ પર નો સ્ટાફ હાજર હતો અને તેઓએ આ દર્દીને તપાસતા ગર્ભમાં રહેલ બાળકના ધબકારા બંધ છે તેવી ખબર પડતા તેઓએ સીનીયર ડોકટરોને જાણ પણ કરી હતી છતાં તેઓ હાજર થયા ન હતા.
આવા સંજોગોમાં કોઈ જવાબદાર ડોકટર ન આવતા મૃત બાળકની સાથે સાથે માતા નું પણ મોત થયું હતું જેના માટે જવાબદાર ડોકટરોની બેદરકારી સામે આવી છે. આ ડોકટરો જી.એમ.ઇ.આર.એસ. માં માત્ર કાગળ ઉપર જ ફરજ બજાવી મસમોટો પગાર લે છે. અને પોતાની માલીકીની હોસ્પિટલ ખાતે જ સમય અને ધ્યાન આપે છે. જયારે સરકારી હોસ્પિટલમાં આ નામાંકિત ડોકટરો ની સેવાનો લાભ કોઇપણ ગરીબ દર્દીને મળતો નથી. આ બનાવ ગંભીર હોવાથી બેદરકારી દાખવવા બદલ જવાબદાર ડોકટરો સામે નિયમ મુજબ આકરા અને કડક પગલા ભરવા અને તપાસમાં કસુરવાર જણાય તો તેની સામે ફોજદારી ગુન્હો દાખલ કરવા પણ માંગ કરી છે અને થયેલ કાર્યવાહી અંગે પોતાને પણ જાણ કરવામાં આવે તેવી માંગ કરી છે.