પોરબંદર ના ખારવાવાડ વિસ્તાર માં ૧૨ વર્ષ પૂર્વે વૃદ્ધ ની હત્યા કરનાર બુટલેગરને કોર્ટે આજીવન કેદ ની સજા ફટકારી છે.
પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં હર્ષદ મંદિર પાસે રહેતા રામજી ઉર્ફે પાગો દેવશી પાંજરી (ઉ.વ. પપ) ગત તા. ૬/૭/૧૩ ના રોજ રાત્રે ૧૨ વાગ્યાના અરસામા ભજનમાંથી પરત ઘરે જઈ રહયા હતા. ત્યારે બુટલેગર ભરત ઉર્ફે બાધો કેશવભાઈ લોઢારીએ તેના છ સાગરીતો સાથે ગેરકાયદે મંડળી રચી લોખંડના પાઈપ અને ચાકું સહિતના ઘાતક હથિયારો સાથે હનુમાન ડેરી નજીક વાંદરી ચોકમાં તેના તુંટી પડ્યા હતા અને ખુબજ ક્રુરતાપુર્વક અને નિર્દય રીતે લોખંડના પાઈપથી માર મારી રામજીભાઈના શરીર ઉપર ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરી હતી.
આરોપી ભરત દારુનો ધંધો કરતો હતો. અને તેનો દારુ વારંવાર પકડાઈ જતો હોવાથી તે બાબતેની શંકા રામજીભાઈ તથા તેના પુત્રી પર રાખી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. આથી આ મામલે મૃતકના પુત્ર મુકેશ દવારા કીર્તીમંદિર પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી. જે મામલે અન્ય આરોપી સામેનો કેસ ચાલી ગયો હતો પરંતુ ભરત નાસી ગયો હતો.
ત્યાર બાદ પોલીસે તેની ધરપકડ કરી રજુ કરતા કોર્ટ દવારા તેને જેલ હવાલે કરવામા આવ્યો હતો ત્યાર બાદ પોલીસે તેની વિરૂધ્ધ અલગથી ચાર્જસીટ કરી હતી આ કેસ બીજા એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ પી.એચ. શર્મા ની કોર્ટમાં ચાલી જતા પ્રોસીકયુશન તરફે એડી.પી.પી. અનીલ જે. લીલા તથા ફરીયાદી તરફે એડવોકેટ ડી.એમ.રૂપારેલીયા દ્વારા સરકાર પક્ષે ૨૭ મૌખિક તથા ૪૧ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરી તેમજ મૌખિક દલીલ કરી જણાવ્યું હતું કે ભરત બનાવનો મુખ્ય આરોપી છે તેમજ ગુન્હાહીત ઇતિહાસ ધરાવે છે.
બન્ને પક્ષોની દલીલો સાંભળી કોર્ટે ભરત ઉર્ફે બાઘો ને કસુરવાન ઠરાવીને આજીવન કેદની સજા અને રૂ.૩૭,૫૦૦ નો દંડ ફટકારતો હુકમ કરવામા આવ્યો છે. તેમજ ફરીયાદી (મૃતક ના પુત્ર)ને વળતર રૂપે રૂ.૧ લાખ તથા મૃતક ના પત્નિને રૂ.૧ લાખ વેઠવી પડેલી યાતનાઓના વળતર સ્વરૂપે આરોપીએ ચુકવવા તેવો હુકમ કર્યો છે.