પોરબંદર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં માધવપુર અને ખાગેશ્રી ખાતે વ્યાજબી ભાવ ની નવી દુકાનો ખોલવા મંજુરી અપાઈ હતી.
પોરબંદર મહાનગરપાલિકાની રચના થયા બાદ ગ્રાહક સુરક્ષા સમિતિની પ્રથમ બેઠક મળી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા અને જિલ્લા કલેક્ટર એસ.ડી ધાનાણીનાં ઉપસ્થિતિમાં કોન્ફરન્સ હોલ કલેક્ટર કચેરી પોરબંદર ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી.
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ રેશનકાર્ડની કામગીરીની પેન્ડિંગ અરજીઓ નિકાલ, ગ્રાહક સુરક્ષા મંડળની રચના સહિતના મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું.
કલેક્ટરએ મહાનગરપાલિકાની રચનાને ધ્યાને લઈને રેશનકાર્ડને લગતા કામો ઝડપી થઈ શકે તે માટે જરૂરી વ્યવસ્થાઓ કરવા અને નવી ખોલવાપાત્ર વ્યાજબી ભાવની દુકાનોની માટે કાર્યવાહી કરવા અને જિલ્લાના તાલુકાઓમાં વ્યાજબી ભાવની દુકાનોની તપાસણી અંગેના ધોરણો ટકાવારી મુજબ નક્કી કરવા સરકારશ્રીમાં દરખાસ્ત કરવા અને તે મુજબ તપાસણી કરવા સૂચના આપી હતી. વધુમાં કલેકટરએ જિલ્લાના નાગરિકોને રાશનકાર્ડમાં ઈ-કેવાયસી કરાવવા માટે અપીલ કરી હતી.
જિલ્લા પુરવઠા અધિકારી પ્રતીક જાખડે જિલ્લામાં એન.એફ.એસ.એ. કુપન ધારકો,ઈ- કેવાયસી, વ્યાજબી ભાવની દુકાનદારોને ત્યાં આકસ્મિક તપાસ સહિતની જિલ્લા નાગરિક પુરવઠાની કામગીરીની માહિતી આપી હતી. બેઠકમાં પોરબંદર ગ્રામ્યમાં માધવપુર- ૧ અને કુતિયાણા તાલુકામાં ખાગેશ્રી-૨ ખાતે વ્યાજબી ભાવની નવી દુકાનો ખોલવા મંજૂરી આપવામાં આવી હતી. અને રણાવાવ-૨ અને ભોદ-૧ વ્યાજબી ભાવની દુકાનના સ્થળ ફેરફાર કરવા મંજૂરી આપવામાં આવી હતી.
આ બેઠકમાં પોરબંદર મ્યુ.કમિશ્નર એચ. જે. પ્રજાપતિ,જિલ્લા વિકાસ અધિકારી બી. બી.ચૌધરી તેમજ નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

