પોરબંદર ના બાવળવાવ અને રાતડી ગામે તંત્ર દ્વારા આકસ્મિક ચેકિંગ કરી બે સ્થળો એ ચાલી રહેલી ગેરકાયદે ખાણ ઝડપી લીધી છે. અને સ્થળ પર અડધા કરોડ થી વધુ નો મુદામાલ કબ્જે કર્યો છે.
પોરબંદર તાલુકામાં ચાલતા બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજના ગેરધોરણે ખનન તથા વહન બાબતે કલેક્ટર એસ ડી ધાનાણીની સૂચનાનુસાર પ્રાંત અધિકારી સંદીપસિંહ જાદવના માર્ગદર્શન હેઠળ મામલતદાર(ગ્રામ્ય) તથા તેની ટીમ દ્વારા તા ૧૭ તથા તા.૧૮ના રોજ અલગ-અલગ વિસ્તારોમાં આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી. જેમાં તા.૧૭ના રોજ મોઢવાડા–કેશવ રોડ પરથી પસાર થતા ખનીજ વહન કરતા વાહનોની તપાસણી કરતા, પથ્થર ભરેલ ડમ્પરને અટકાવી તેમાં આવેલ ખનીજ અંગે રોયલ્ટી માંગતા ચાલક દ્વારા રજુ કરાઈ ન હતી. આથી તે ખનીજ તદ્દન ગેરકાયદે હોવાનું સાબિત થત, ડમ્પર સીઝ કરી બગવદર પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવામાં આવ્યું છે.
ઉપરાંત .બાવળવાવ ગામની હદમાં બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજના અનઅધિકૃત ખોદકામવાળા સ્થળ ઉપરથી ૩ પથ્થર કટીંગ મશીન સીઝ કરી બગવદર પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવામાં આવ્યા છે. જયારે તા.૧૮ ના રાતડી ગામે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજના અનઅધિકૃત ખોદકામવાળા અલગ-અલગ સ્થળ ઉપરથી કુલ ૧૦ પથ્થર કટીંગ મશીન, ૩ ટ્રેક્ટર,૧ ટ્રક તથા ૧ જનરેટર સીઝ કરી મીયાણી મરીન પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવામાં આવ્યા છે. કુલ અડધા કરોડ થી વધુ નો મુદામાલ તંત્ર દ્વારા સીઝ કરાયો છે. અને આગળ ની કાર્યવાહી ખાણખનીજ વિભાગે હાથ ધરી છે.