પોરબંદરની હઝરત વલીયનશાહ પીરની દરગાહે ઉર્ષની ઉજવણી કરાઈ હતી જેમાં મોટી સંખ્યા માં લોકો ઉમટી પડ્યા હતા.
પોરબંદરની નિરમા ફેકટરી ખાતે આવેલ સૌરાષ્ટ્રની પ્રખ્યાત હઝરત વલીયનશાહ પીરની દરગાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉર્ષની શાનદાર ઉજવણી થઈ હતી. જેમાં ઉર્ષની આગલી રાત્રે સંદલ શરીફ કોડીનારથી ખાસ પધારેલ મહેમાને ખુશુસી પીરેતરીકત સૈયદ હાજી રફીકબાપુ કાદરી (કોડીનાર શરીફ)ના હસ્તે ચડાવવામાં આવ્યું હતું.
ઉર્ષ શરીફ નિમિતે નિરમા ફેકટરીના ફેકટરી મેનેજર પ્રકાશભાઈ પટેલના હસ્તે દાયકાઓ જુની પરંપરા મુજબ ઉર્ષની પહેલી ચાદર દરગાહમાં ચડાવવામાં આવી હતી. આ ચાદરપોશીના પ્રોગ્રામમાં નિરમા કંપનીના પટોડીયા સહિતના અધિકારીઓ તેમજ ભાવનગરથી સૈયદ ઉમરબાપુ કાદરી, રાજકોટથી સૈયદ ઈમરાનબાપુ ચિશ્તી, ઉપલેટાથી સૈયદ જીલાનીબાપુ, ધ્રોલથી સૈયદ જાવિદબાપુ, રાજકોટથી સૈયદ અમજદબાપુ કાદરી, પોરબંદરના સૈયદ અઝીમબાપુ કાદરી, સહિતના સૌરાષ્ટ્રના સૈયદ સાદાતે કીરામ, ઓલમા-એ-કીરામ પણ ખાસ ઉપસ્થિત હતા અને તે પ્રસંગે હઝરત વલીયનશાહપીરના ગાદીનશીન સૈયદ સીરાજુદીનબાપુએ દેશમાં અમન અને ભાઈચારો જળવાય રહે તે માટે દુઆ કરી હતી.
આ પ્રસંગે નિરમા ફેકટરીના પ્રકાશભાઈ પટેલ , પટોડીયા અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખાના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા, અમદાવાદથી ખાસ પધારેલ સૌરાષ્ટ્ર ભુમિના રીપોર્ટર રફીકભાઈ શેખ, ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ અયાઝ શેખ નું દરગાહના ખાદીમ સૈયદ સાદીકર્મીયા બાપુ તરફથી શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ આપી, આવકારી સન્માન કરેલ હતું. તેમજ પોરબંદરના અનેક સામાજીક, સેવાકીય, રાજકીય, જમાતોના આગેવાનો, પ્રમુખો, અગ્રણીઓ ઉપસ્થિત હતા. ઉર્ષ નિમિતે તલાલા ગીર (જાંબુર)ની પ્રખ્યાત સીદીબાદશાહની ધમાલ રાખવામાં આવી હતી જે દરગાહ ખાતે ઉપસ્થિત અકીદતમંદોના આકર્ષણનું કેન્દ્ર બની હતી.
ઉર્ષના દિવસે સાંજે આમ ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો ભાઈ-બહેનોએ ન્યાઝનો લાભ લીધો હતો. ઉર્ષશરીફ નિમિતે દરગાહમાં આકર્ષક રોશનીનો ઝળહળાટ પણ કરવામાં આવ્યો હતો. આ ઉર્ષના કાર્યક્રમોને સફળ બનાવવા માટે સૈયદ સાદીકર્મીયા હાસીમર્મીયા બુખારી ના સાહબજાદાઓ મોહમ્મદમુસ્તુફાબાપુ બુખારી અને મોહમ્મદસીરાજુદ્દીનબાપુ બુખારીના નેજા હેઠળ મોહમ્મદઅબરારબાપુ ધ્રોલવાળા, સલીમભાઈ મંધરા, જાવેદભાઈ જોખીયા, મહેબુબખાન, અમુભાઈ નૌવ્હી, અનુભાઈ સામતાણી તેમજ એડવોકેટ અકબર સેલોત સહિતના બસ તેરા કરમ ગ્રુપ પોરબંદર અને બસ તેરા કરમ ગ્રુપ જામનગર ના સભ્યોએ ખાસ જહેમત ઉઠાવી હતી. આમ બસ તેરા કરમ ગ્રુપ અને હઝરત વલીયનશાહ વકફ ટ્રસ્ટ દ્વારા ઉર્ષની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.




