અમરદડ ગામના યુવાનને ધ્રોલના એસ.ટી. ડેપોમાં આસીસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી અપાવવાના નામે રૂપિયા સાડા છ લાખની છેતરપીંડી કરવા અંગે મહિલા અને તેના પુત્ર સહિત ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
અમરદડ ગામના સીંગલ પ્લોટમાં રહેતા અમરીબેન ભીમાભાઇ ડોડીયા(ઉવ ૫૪)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓ જુદા જુદા પ્રકારની સેવાપ્રવૃત્તિઓનું કામ કરતા હોવાથી તે અંતર્ગત તા ૧૬-૧૨-૨૩ ના રોજ છાયાના દેવજીચોકમાં આવ્યા ત્યારે અહી રહેતા કમલેશ કારા શીંગખીયા સાથે મુલાકાત થતા કમલેશે ‘મારા જેવું કંઇ કામકાજ હોય તો કહેજો, આપણી ઓળખાણ ઉપર સુધી છે. એટલે તમારું કામ સરળતાથી થઇ જશે’ તેમ જણાવ્યુ હતુ.
આથી અમરીબેનના મોટાભાઈ છગનભાઈના પુત્ર પંકજને નોકરીની જરૂર હોવાથી કોઈ જગ્યા હોય તો જાણ કરવા કહ્યુ હતુ તેથી કમલેશે તેના જાણીતા છાયાના સાંઢીયાવાડમાં રહેતા અસ્મિતાબેન ભરત જોષીને વાત કરશે તેમની પહોંચ ઉપર સુધી છે. ત્યારબાદ બે દિવસ પછી કમલેશ અમરીબેનને લઇ અસ્મિતાને મળવા માટે ઘરે ગયા હતા ત્યારે અસ્મિતાએ ભત્રીજાનું નોકરીનું ગોઠવાઈ જશે. હું ઉપરના સાહેબ સાથે વાત કરીને કમલેશભાઈને જણાવીશ તેમ કહ્યું હતું તેના થોડા દિવસો પછી કમલેશે અમરીબેનને જણાવ્યુ હતુ કે ધ્રોલમાં એસ.ટી. ડેપોના આસીસ્ટન્ટ ડેપો મેનેજરની જગ્યા ખાલી હોવાથી સાહેબ ભત્રીજાને ત્યાં નોકરીમાં સેટ કરી આપશે પરંતુ તેના માટે તમારે સાહેબને સાત લાખ રૂપિયાનો વહીવટ કરવાનો થશે. તેમ જણાવ્યુ હતુ.
આથી અમરીબેને ભાઇ સાથે ચર્ચા કરીને રકઝકના અંતે સાડા છ લાખ રૂપિયામાં નોકરી અપાવી દેશે તેવું નક્કી થયુ હતુ. અને પૈસા જામનગર ખાતે રહેતા રોયલ પરમાર નામના સાહેબને દેવાના થશે તેમ જણાવ્યું હતું તા. ૨૧-૧૨-૩ના કમલેશ અમરીબેનના ઘરે આવી રૂપિયા લઇ અમરીબેન, ભત્રીજા પંકજને સાથે રાખીને વિશ્વાસમાં લેવા માટે જામનગર લઇ ગયો હતો અને ત્યાં બસડેપોમાં બેસાડી રાખ્યા હતા. ત્યારબાદ શ્રીરાજ ગેસ્ટહાઉસ નીચે ગાંઠીયાવાળાની દુકાને લઇ ગયો હતો અને ત્યાં એક વ્યક્તિ સાથે ઓળખાણ કરાવી હતી તે રોયલ પરમાર સાહેબ છે તેમ જણાવી કમલેશે રોયલ પરમારને સાડા છ લાખ રૂપિયા આપ્યા હતા અને તેના બદલામાં રોયલ પરમારે સાદા કાગળ ઉપર લખાણ કરી આપ્યુ હતુ અને જતો રહ્યો હતો. એ પછી થોડા દિવસો નીકળી જતા નોકરી અંગે પુછપરછ કરતા થોડા દિવસોમાં થઇ જશે’ તેમ કહીને સમય પસાર કરતા હતા.
દિવસો વીતી જવા છતાં નોકરી ન મળતા અંતે અમરીબેનને શંકા જતા તેઓએ અસ્મિતા સાથે વાતચીત કરતા અસ્મિતાએ પોતે પૈસા બાબતે કશું જાણતી ન હોવાનું કહેતા અમરીબેને કમલેશને વારંવાર પૂછતા તેણે અંતે જણાવ્યુ હતુ કે, ‘ પૈસા જામનગર ખાતે લેવા આવેલ વ્યક્તિ રોયલ પરમાર સાહેબ નહીં પરંતુ અસ્મિતા નો પુત્ર ઓમ હતો અને તમારા રૂપિયા અસ્મિતા પાસે જ છે. આથી અમરીબેને અસ્મિતાને પૂછતા તેણે પૈસા કમલેશ પસે હોવાનું જણાવી તેઓ માતા પુત્ર ને પૈસાનું પાર્સલ લેવાનું કમલેશે કહ્યુ હોવાનું જણાવ્યું હતું એટલે કમલેશે એ પાર્સલના બદલામાં અમુક રોકડ કમીશન પેટે આપશે તેવુ કહ્યુ હોવાથી પૈસા સ્વીકારવા માટે તેની સાથે ગયા હતા. આથી પંકજ ને નોકરી અપાવવા ના નામે સાડા છ લાખ ની છેતરપિંડી કરવા અંગે અસ્મિતા,ઓમ અને કમલેશ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે