ગાંધી સ્મૃતિ ભવન ચોપાટી પોરબંદર ખાતે નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન પોરબંદર અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના ઉપક્રમે ભવ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવિ સંમેલનમાં પોરબંદર ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, પોલીસ અધિક્ષકશ્રી ભગીરથસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.બી.ઠક્કર, પ્રાંત અધિકારીશ્રી સંદીપ જાદવ, અનિલભાઈ કારીયા, સામતભાઈ ઓડેદરા, ડો. સુરેશ ગાંધી, ડો. અરૂણ શાહ વગેરે મહાનુભાવો અને સાહિત્ય રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કવિ સંમેલનમાં સુવિખ્યાત ગાયક, સ્વરકાર, કવિ, લેખક , સંપાદક, સંશોધક,અભિનેતા અને ચિત્રકાર તથા અનેક પ્રકારના એવોર્ડ વિજેતા અરવિંદ બારોટે પોતાની આગવી શૈલીમાં કવિતાઓ અને લોકગીતો રજૂ કરી લોકોને મંત્રમૂગ્ધ કરી દીધા હતા. આ ઉપરાંત હાકલના ઉપનામથી જાણીતા એવા પ્રતાપસિંહ ડાભી કે જેઓ કવિ, વિવેચક, સંપાદક, કટાર લેખક અને નિવૃત વન અધિકારી છે એમણે પણ પોતાના અનોખા અંદાજમાં કવિતાઓનો વરસાદ વરસાવ્યો હતો. આ ઉપરાંત ત્રીજા કવિ જાણીતા તબીબ ડૉ ઉર્વીશ વસાવડા કે જેઓ રેડિયોલોજિસ્ટ છે તેઓએ પણ પોતાની ખૂબ જાણીતી રચનાઓ રજૂ કરી ઉપસ્થિત જન મેદનીને તાળીઓ પાડવા મજબુર કરી દીધી હતી. સાથે સાથે પોરબંદરના ખ્યાતનામ કવિઓ લાખણશી આગઠ અને શુભમ સામાણી પણ પોતાની કવિતાઓથી શ્રોતાઓને રસતરબોળ કર્યા હતા. બાળ કવિ દર્શિલ ગોરાણીયાએ પણ પોતાની બાળ શૈલીમાં કવિતા પઠન કરીને લોકોને આકર્ષિત કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના પ્રમુખ લાખણશી ગોરાણીયા, સેક્રેટરી સ્નેહલ જોશી, સંયોજક ડો. નૂતનબેન ગોકાણી, પરેશકુમાર પુરૂષવાણી, સંજય માળી અને નવરંગની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન શુભમ સામાણીએ કર્યું હતું.
સંમેલન માં રજુ થયેલ કવિતાઓ
મારું રજવાડું હોય મારે પાસ…
બંગલા ‘ને ગાડીનું મારે શું કરવું? કે સોનાની હોય નહીં આશ..
મારું રજવાડું હોય મારે પાસ…
મધમીઠી ખુશીઓનું તોરણ બંધાયું’તું સપનાઓ સેવેલી પાંપણે,
ખુશ્બુ ફેલાવતી ને અજવાળાં પાથરતી આવીતી ‘લાખણ’ને આંગણે.
તેદી થી આજ લગ કાયમ ઉજાસ, મારે આવે ન કોઈ દી અમાસ..
મારું રજવાડું હોય મારે પાસ…
દીકરામાં આખુંયે જીવન હોમો ને ત્યારે માંડ એના હીરો કહેવાવ,
પપ્પાની સ્નેહભરી આંખો છે દીકરીની વ્હાલપનો પહેલો પડાવ.
પહેલા પડાવને તું છોડીને જાશે તો કેમ કરી લેવાશે શ્વાસ…
મારું રજવાડું હોય મારે પાસ…
- લાખણ’શી આગઠ
થોડું થોડું વ્હાલ કરું છું.
ફોરું ફોરું feel કરું છું.
હોઠે હળવું સ્મિત કરીને સૌની સાથે deal કરું છું.
સંબંધોની ભારી લઈને ડગમગ ડગમગ ચાલું છું હું.
જીવનની આ કેડી ઉપર ધીમે ધીમે મ્હાલું છું હું.
પડતાં આખડતાં પાછો હું ખુદની સાથે will કરું છું.
હોઠે હળવું….
હાથ કરીને પ્હોળા મેં તો યાદી સઘળી લીધી બથમાં,
મસમોટી આ ઈચ્છાઓ પણ બેસાડી છે આતમ રથમાં,
સુખદુઃખોની શ્યાહીથી હું મન મારું refill કરું છું.
હોઠે હળવું….
- શુભમ સામાણી
ગેં ગેં ફેં ફેં કંઈ ના ચાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે,
આજે નહીં તો તારે કાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે.
યાદ રાખજે, તેં ખાધા છે સમ ગમતીલી મોસમના,
ખુશબૂઓના એક સવાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે.
તારાં ગીતો સાંભળવાને મહેફિલમાં સહુ બેઠાં છે,
લોકોની તાલીના તાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે.
વાત ભલેને હોય વ્યથાની, જીવતરના મેળામાં તો,
ઢોલ નગારાં અને ધમાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે.
એની રીતો સાવ અલગ છે, મોકલશે કોરો કાગળ,
તો પણ એની એક ટપાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે.
- ઉર્વીશ વસાવડા
હૉય સવારે એવો સાંજે, એ માણસને શોધી કાઢો.
બોલે જે બસ એક અવાજે, એ માણસને શોધી કાઢો.
વીસ વરસથી ફાટ્યું સ્વેટર હર શિયાળે પહેરી ફરતો
બાળકના જાકીટને કાજે ,એ માણસને શોધી કાઢો
નથી ખબર ક્યાં ગામ જુનાગઢ, ના નરસિંહનું નામ સુણ્યું છે
મનથી નાચે ઝાંઝ પખાજે, એ માણસને શોધી કાઢો.
સમય પડ્યે સઘળું છોડીને, સિંહ સમી જે ત્રાડ કરે છે,
અમથો અમથો જે ના ગાજે, એ માણસને શોધી કાઢો.
- પ્રતાપસિંહ ડાભી “હાકલ”
વીતી ગઈ છે રાત: પથારી સંકેલો !
પોકારે પરભાત: પથારી સંકેલો !
અનહદના ઓંછાયા ઓરા ઓરા આવે,
રુંવે રુંવે રણઝણતું કો’ બીન બજાવે;
આ જ ઘડી રળિયાત: પથારી સંકેલો !
મોંસૂઝણાની વેળા થઈ છે:નેણાં ખોલો !
અજવાળાનાં પગલાં થાશે:ખડકી ખોલો !
પરદા ખૂલશે સાત: પથારી સંકેલો !
બચકાં બાંધો: જાવું છે છેટાની વાટે ,
વાટ જુએ છે શામળિયો જમનાને ઘાટે;
ભેળી લેજો જાત: પથારી સંકેલો !
- અરવિંદ બારોટ