પોરબંદર મહાનગરપાલિકા બનતા જ પ્રથમ માસ માં ૩૦૪ લોકો પાસે થી ગંદકી બદલ રૂ ૭૭૦૦૦ નો દંડ વસુલવામાં આવ્યો છે.
પોરબંદર ને તા ૧ જાન્યુઆરી થી મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે. મનપા બનતા કમિશ્નર ની અને ડેપ્યુટી કમિશ્નર ની નિમણુક કરાઈ હતી અધિકારી રાજ આવતા જ પાલિકા ના વિવિધ વિભાગ ના કર્મચારીઓ પણ કામગીરી માં સક્રિય બન્યા છે. અને ગંદકી તેમજ ગેરકાયદે પ્લાસ્ટિક ના વપરાશ અંગે સતત ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી. એક માસ માં ગંદકી કરનાર વેપારીઓ, જાહેરમાં કચરો નાખતા લોકો સહીત જુદા-જુદા ૩૦૪ લોકો પાસે થી રૂ. ૭૭૦૦૦ નો દંડ વસુલવામાં આવ્યો છે.
તથા જાહેરમાં બિન અધિકૃત પ્લાસ્ટીક વાપરતા ૨૦ વેપારીઓને રૂ. ૪૯૦૦ દંડ કરવામાં આવ્યો છે. બન્ને મળી કુલ રૂ.૮૧,૯૦૦ નો દંડ કરવામાં આવ્યો છે. અને સ્વચ્છ સર્વેક્ષણને ધ્યાને લઈ લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે અને શહેરને સ્વચ્છ બનાવવામાં જનભાગીદારી થાય તેવી મહાનગરપાલિકા દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે.
બીજી તરફ લોકો એવું જણાવી રહ્યા છે કે દંડ કરવામાં આવે તે આવકાર્ય છે પરંતુ મનપા બનતા જે વેરા નો ડામ પ્રજા ને આપવામાં આવ્યો છે તે પ્રમાણે સુવિધાઓ પણ આપવી જોઈએ સુવિધાઓ માં કોઈ વધારો થયો નથી ઊલટાની પરિસ્થિતિ વધુ બગડી છે .દિવસો સુધી રજૂઆતો નો કે ફરિયાદો નો નિકાલ પણ કરવામાં આવતો નથી.આથી દંડ ઉઘરાવવામાં ઉત્સાહ દાખવનાર પાલિકા ના સતાધીશો એ સુવિધા આપવામાં પણ એટલો જ ઉત્સાહ બતાવવો જોઈએ તેવું લોકો જણાવી રહ્યા છે.
બીજી તરફ વેપાર ધંધા માં પણ હાલ મંદી નો માહોલ છે ત્યારે દંડ વસુલવામાં પણ પાલિકા ના અધિકારીઓ એ એ બાબત ધ્યાને રાખી દંડ ની રકમ નક્કી કરવી જોઈએ. આડેધડ દંડ ન ફટકારવો જોઈએ.