પોરબંદરની નેવી ચિલ્ડ્રન સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઇલથી ધમકી અપાતા દોડધામ મચી હતી. જો કે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા કઈ મળ્યું ન હતું પોલીસે ધમકી આપનાર અજાણ્યા શખ્સ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ જામનગર તથા હાલ બોખીરાના નોફરા નેવલબેઝ ખાતે રહેતા અને નેવી ચિલ્ડ્રન સ્કુલ માં ફરજ બજાવતા મહિલા એ ઉદ્યોગનગર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તા. ૩૧-૧ના રાત્રે સવા બે વાગ્યે કોઈ અજાણ્યા શખ્સે નેવી ચિલ્ડ્રન સ્કૂલના ઓફિસિયલ ઈ-મેઈલ આઈ.ડી. ઉપર ઇ-મેઈલ મોકલ્યો હતો. જેમાં સ્કૂલમાં બોમ્બ મુક્યો હોવાની અને તે બોમ્બથી સ્કૂલને ઉડાડવાની ધમકી આપી હતી. તથા બે કોમ વચ્ચે દુશ્મનાવટ અને ધિક્કારની લાગણી ઉભી થાય તેવા કથનો પણ કર્યા હતા.
આથી ઈ-મેઈલ કરનાર અજાણ્યા શખ્શ સામે તેઓએ ફરિયાદ નોંધાવી છે. ડીવાયએસપી સુરજીત મહેડુ એ જણાવ્યું હતું કે સ્કુલ ના પ્રિન્સીપાલે શુક્રવારે સવારે ૮ વાગ્યે સ્કુલે જઈને ઈમેલ વાંચ્યા બાદ તુરંત પોલીસ ને જાણ કરતા બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ,ઉદ્યોગનગર પોલીસ ટીમ અને એસઓજી ટીમ ત્યાં દોડી ગઈ હતી. અને તમામ બાળકો તથા સ્કુલ ના સ્ટાફ ને સુરક્ષિત રીતે બહાર કાઢી સમગ્ર વિસ્તાર માં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જો કે ચેકિંગ માં કોઈ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી. ઈમેઈલ અંગ્રેજી ભાષા માં લખાયો હોવાનું અને તેમાં આઈઈડી ડીવાઈસ વડે બ્લાસ્ટ કરવામાં આવશે. તેવી ધમકી અપાઈ હોવાનું પણ તેઓએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં નેવી ઉપરાંત કોસ્ટગાર્ડનું પણ વડું મથક હોવાથી ધમકીને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી છે. અને પોલીસે ઈમેલ મોકલનાર શખ્સની ઓળખ અને તેના સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ધમકી ના પગલે સમગ્ર શહેર માં ચકચાર મચી છે.