Wednesday, January 15, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર મહાનગરપાલિકા ના મેન્ટર તરીકે ની જવાબદારી જામનગર મનપા ને સોપાઈ:20 કરોડની ગ્રાન્ટ અપાશે

રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઇ
રાજ્યના ઇતિહાસમાં એક સાથે ૯ નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય શહેરી વિકાસની આયોજનબદ્ધ ગતિની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
હાલની સ્થાપિત મહાનગરપાલિકાઓ નવી રચાયેલી ૯ મહાનગરપાલિકાના મેન્ટર તરીકે એક વર્ષ કાર્ય કરશે
નવી રચાયેલી દરેક મહાનગરપાલિકાઓને રૂ. 20 કરોડની ગ્રાન્ટ વહીવટી ક્ષમતા વૃદ્ધિ અને સફાઈ સહિતના સિટી બ્યુટીફિકેશન કાર્યો માટે અપાશે.
નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતરણના ટ્રાન્ઝિશનલ પિરિયડ દરમિયાન નાગરિકોને મળતી તમામ સેવા-સુવિધા યથાવત મળતી રહે તે સુનિશ્ચિત થાય
રોડ, રસ્તા, ડ્રેનેજ, પાણી, બાગ-બગીચા, લાઈટ જેવા લોકોને બદલાવ દેખાય તેવા સુવિધાકારી કામો હાથ ધરાય તે માટે નવી મહાનગરપાલિકાઓ નગર વિકાસનો રોડમેપ તૈયાર કરે

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્યના ઇતિહાસમાં એક સાથે ૯ નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય આયોજનબદ્ધ શહેરી વિકાસની ગતિ માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં તાજેતરમાં રચાયેલી ૯ મહાનગરપાલિકાના કમિશનર, વહીવટદારઓ તેમજ અન્ય અધિકારીઓની ગાંધીનગરમાં યોજાયેલી એક દિવસીય કાર્યશાળામાં અધ્યક્ષીય સંબોધન કર્યું હતું. તેમણે ઉમેર્યું કે, લોકોમાં હવે વિકાસ માટેની જાગૃતિ આવી છે. એટલું જ નહિં, તેમને આજના બદલાતા યુગમાં પબ્લિક ડિલિવરી અને સર્વિસીસ પણ અસરકારક રીતે જોઈએ છે.  આ સંદર્ભમાં રાજ્ય સરકારે આયોજનબદ્ધ શહેરી વિકાસને વેગ આપવા નવી ૯ મહાનગરપાલિકાઓની રચના કરી છે. વડા પ્રધાન  નરેન્દ્ર ભાઇ મોદીએ વિકસિત ભારત@૨૦૪૭ નો જે સંકલ્પ કર્યો છે તેમાં સુદ્રઢ શહેરી વિકાસ આયોજનથી  વિકસિત ગુજરાત બનાવવા રાજ્ય સરકાર  આગળ વધી રહી છે.તેમ પણ મુખ્યમંત્રી એ ઉમેર્યું હતું. આ મહાનગરપાલિકાઓનું નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતરણ થયું છે એટલે આ ટ્રાન્ઝિશનલ સમયગાળા દરમિયાન નાગરિકોને મળતી તમામ સેવા-સુવિધાઓ યથાવત મળતી રહે તે સુનિશ્ચિત કરવાની તેમણે ખાસ હિમાયત કરી હતી.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર નવી રચાયેલી મહાનગરપાલિકાઓની વહીવટી ક્ષમતા વૃદ્ધિ તેમજ રોજબરોજની વહીવટી કામગીરીમાં યોગ્ય માર્ગદર્શન અને મેનપાવર ટ્રેનિંગ માટે હાલની પાંચ મોટી મહાનગરપાલિકાઓને ૧ વર્ષ સુધી નવી મહાનગરપાલિકાઓના મેન્ટર તરીકે કાર્યરત કરવાનો નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર, અમદાવાદ મહાનગરપાલિકા નવરચિત નડિયાદ અને સુરેન્દ્રનગર મહાપાલિકા માટે, વડોદરા મહાનગરપાલિકા આણંદ મહાપાલિકા માટે, સુરત મહાનગરપાલિકા વાપી અને નવસારી માટે તથા રાજકોટ મહાનગરપાલિકા મોરબી અને ગાંધીધામ માટે તેમજ જામનગર મહાનગરપાલિકા પોરબંદર માટે અને ગાંધીનગર મહાનગરપાલિકા મહેસાણા માટે મેન્ટર તરીકે કાર્યરત રહેશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, મહાનગરપાલિકાની રચના થયા બાદ નાગરિકોને સ્પષ્ટ દેખાઈ આવે તેવો બદલાવ રોડ-રસ્તા, પાણી, ડ્રેનેજ, લાઈટ તથા બાગ-બગીચા જેવા સુવિધાકારી કામોથી હાથ ધરવાનું દાયિત્વ નવનિયુક્ત કમિશનરોએ નિભાવવાનું છે.

તેમણે ઉમેર્યું કે નવી મહાનગરપાલિકાઓ પોતાના નગરોના વિકાસનો રોડ મેપ તૈયાર કરે. એટલું જ નહિં, વિકાસ કામો માટે નાણાંની જરૂરિયાત અંગે પણ રાજ્ય સરકારમાં રજૂઆત કરે.
મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, વિકાસ કામો માટે નાણાંની કોઈ કમી ક્યારેય ન રહે તેવું નાણાં વ્યવસ્થાપન વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાતે કરેલું છે.
મુખ્યમંત્રીએ નવી રચાયેલી પ્રત્યેક મહાનગરપાલિકાઓને વહીવટી ક્ષમતા વૃદ્ધિ, ઓફિસ સ્ટ્રેન્થનીંગ તથા અન્ય સુવિધાઓ માટે રૂ.10 કરોડ અને શહેરી સફાઈ સહિતના સિટી બ્યુટીફિકેશન કામો માટે રૂ.10 કરોડ મળીને કુલ 20 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી પણ આ તકે આપી હતી.

તેમણે કહ્યું કે, આ મહાનગરપાલિકાઓમાં વિકાસ કામોની સ્પર્ધા થાય. એટલું જ નહિં, શહેરી જન સુખાકારી કામો માટે નાગરિકોની અપેક્ષા સંતોષાય તેવું વાણી-વર્તન-વ્યવહાર પણ નવી ટીમ પાસે અપેક્ષિત છે.
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ નવ મહાનગરપાલિકાઓ રાજ્યના શહેરી વિકાસને નવી ઊંચાઈ આપીને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં પણ યોગદાન આપશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

આ એક દિવસીય કાર્યશાળામાં ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર જનરલ  આઈ. પી. ગૌતમે શહેરોના ભવિષ્યલક્ષી આયોજન અને વિકાસ સંભાવનાઓ વિશે માર્ગદર્શક વ્યાખ્યાન આપ્યું હતું.
શહેરી વિકાસ અગ્ર સચિવ  અશ્વિનીકુમારે આ કાર્યશાળાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતાં કહ્યું કે, રાજ્ય સરકારે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શહેરી વિકાસને ગતિ આપતા ત્વરિત નિર્ણયો કર્યા છે.
૯ મહાનગરપાલિકાઓની રચનાની જાહેરાત થયાના ગણતરીના સમયમાં જ મ્યુનિસિપલ કમિશનરો સહિત જરૂરી મેનપાવર ઉપલબ્ધ કરાવીને ફૂલ ફ્લેજ્ડ મહાપાલિકા ત્વરાએ કાર્યરત કરી છે. હવે, સ્થાપિત મહાનગરપાલિકાઓ દ્વારા નવી મહાનગરપાલિકાના હેન્ડ હોલ્ડિંગથી કેપેસિટી બિલ્ડીંગ પણ ઝડપથી થાય તેવું આયોજન કર્યું છે કમિશનર મ્યુનિસિપાલિટીઝ એડ્મિનિસ્ટ્રેશન  રાજકુમાર બેનીવાલે સ્વાગત પ્રવચનથી સૌને આવકાર્યા હતા. આ કાર્યશાળામાં નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર, વહીવટદાર કલેક્ટર તેમજ અધિકારીઓ અને સ્થાપિત મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનર સહભાગી થયા હતા.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે