પોરબંદર ના પાતા અને ભડ ગામના સરપંચ ગૌચર પર થયેલ દબાણ દુર કરવામાં નિષ્ફળ ગયા હોવાનું જણાવી ડીડીઓ એ બન્ને ને હોદા પર થી દુર કર્યા છે ત્યારે જીલ્લા ના અન્ય ગામો માં પણ સરપંચ સામે કાર્યવાહી થશે કે કેમ તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
પોરબંદરના ડીડીઓ કે.બી. ઠકકરે ભડ ગામના મહિલા સરપંચ સાકરબેન હમીરભાઈ મોકરીયા અને પાતા ગામના સરપંચ ગાંગાભાઈ મેણંદભાઈ પરમાર ગૌચર અને ગામતળ ની જમીન પર થયેલ દબાણ દુર કરવામાં નિષ્ફળ ગયા હોવાનું જણાવી બન્ને ને હોદા પર થી દુર કર્યા છે. જેના પગલે ચકચાર મચી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે જ સીનીયર સીટીઝન પુંજાભાઈ લાખાભાઈ કેશવાલા ને તંત્ર એ આર ટી આઈ માં માહિતી આપી જણાવ્યું હતું કે પોરબંદર તાલુકાના ૭૭ ગામડામાં અંદાજે ૮૫૩૪ ચો.મી. જમીન, રાણાવાવ તાલુકાના ૨૮ ગામડાઓમાં ૩૪૫૫ ચો.મી.જમીન અને કુતિયાણા તાલુકાના ૪૪ ગામડામાં ૬૪૯૯ ચો.મી. મળી કુલ ૧૮,૪૮૯ ચો.મી. ગૌચરની જમીન છે.
જેથી પુંજાભાઈએ મોટા ભાગ ની જમીન પર દબાણ થયું હોવા અંગે રજૂઆત કરી હતી. અને તા. ૧૦- ૧૨ના રોજ ૩૦ દિવસમાં જો આ જમીન પરનું દબાણ દૂર નહી થાય તો હાઇકોર્ટમાં જવાની અને લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી હતી. ત્યાર બાદ તાજેતર માં દેરોદર ના ગ્રામજનો એ પણ મોટી સંખ્યા માં એકત્ર થઇ કલેકટર ને તેના ગામ માં ગૌચર ની ૨ હજાર વીઘા જમીન પર થયેલ દબાણ દુર કરવા આવેદન પાઠવ્યું હતું. ત્યારે તંત્ર દ્વારા બે સરપંચને હોદા પરથી દૂર કરવામાં આવતા આગામી સમય માં અન્ય સરપંચો સામે પણ કાર્યવાહી થશે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે.