પોરબંદરના બળેજ ગામે ચેકિંગ માં ગયેલ મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી ની ટીમને ૫ શખ્સો એ ગેરકાયદે ખનનમાં વપરાતા સાધનો અને વાહનો સીઝ કરવા ન દઈ ફરજ માં રુકાવટ કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદરના મદદનીશ ભુસ્તરશાસ્ત્રી મિતેશ મોતીરામ મોદીએ માધવપુર પોલીસ મથક માં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તા.૨૮/૧૨ ના રોજ સ્ટાફ સાથે સરકારી વાહનમા જીલ્લામા આકસ્મિક તપાસની કામગીરી કરતા હતા. તે દરમ્યાન બળેજ ગામે પહોંચતા ત્યા સરકારી જમીન માં બિનઅધિકૃત બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનિજના ખનન,વહન,સંગ્રહમાં વપરાતી મશીનરી ગેરકાયદે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખાડામાંથી બહાર કાઢીને આશરે ૧૦૦ મીટરના અંતરે બે અલગ-અલગ જગ્યાએ રાખેલ હતી જેમાં ૬ પથ્થર કટીંગ મશીન (ચકરડી), ૩ ટ્રેક્ટર આરટીઓ રજી.નં પ્લેટ વગરના અને ૩ જનરેટરને સીઝ કરીને લઈ જવાનુ હોવાથી સ્થળ પર હાજર કેસુભાઇ નામના શખ્શ ને કહેતા તેણે મશીનોને સિઝ કરવા દીધા ન હતા.
આથી તેઓએ માધવપુર પોલીસ સ્ટેશનમા ફોન કરી જાણ કરી હતી. અને અન્ય જીલ્લાની ક્ષેત્રિય ટીમો અને રેવન્યુ વિભાગની ટીમને બોલાવતા થોડીવારમા કચેરીના રોયલ્ટી ઇન્સ્પેક્ટર કાનાભાઇ મેણશીભાઇ સોલંકી સહીત સ્ટાફ પણ આવી ગયો હતો ત્યાર બાદ સ્થળ પર ગાંગાભાઈ કારાભાઈ કડછા, ભરતભાઇ હરદાસભાઇ પરમાર અને ચનાભાઈ નામના શખ્શ આવ્યા હતા અને તેઓએ સ્થળ પરથી મશીન સીઝ કરવાની કાર્યવાહી કરવા દીધી ન હતી. અને ટ્રેકટરોના ટાયરની હવા કાઢી નાખી હતી આથી ખાણખનીજ ટીમ મીની જનરેટર લઈને હવા ભરતા હતા તે ફરી હવા કાઢી નાખી હતી તેમજ ટ્રેક્ટરના ટાયરના વાલ્વ અને ટ્રેક્ટર ચાલુ કરવા માટેની સેલ્ફ સ્ટાર્ટ કરવાની બેટરી કાઢી નાખી હતી અને ડીઝલની પાઈપને કાપી નાખ્યા હતા આથી ટીમે ત્યાં સરકારી જીન માં રહેલ ગેરકાયદે ઓરડી માં તમામ સાધનો મુકાવી તાળું મારી દીધું હતું
સરકારી વાહન આડે ૫ થી ૬ ગાડીઓ ના કાફલા એ અવરોધ ઉભો કર્યો
ફરિયાદ માં એવું પણ જણાવ્યું છે કે કામગીરી કરી ને ટીમ પરત જઈ રહી હતી. ત્યારે ભરત પરમારે કાર માંથી ઉતરી “આ મારા ગાડીના કાફલાઓ તમને કોઇ રીતે અહીંથી જવા નહી દે મારી મશીન છોડી દે” તેવી ધમકી આપી સરકારી ગાડી રોકાવી દીધી હતી. અને અન્ય પાંચ થી છ ફોર વ્હીલ ના કાફલાઓએ આવી સરકારી ગાડી નો રસ્તો રોકી ગેરકાયદે અવરોધ ઉભો કર્યો હતો. જેથી મીતેશભાઇ એ પોલીસને મદદ માટે બોલાવતા માધવપુર પોલીસે આવી સરકારી ગાડીને જવા માટે રસ્તો કરાવી આપ્યો હતો. આ અગાઉ પણ ભરત પરમારે તેઓને ન બોલવાના અભદ્ર શબ્દો થી અપમાનીત,ભયભીત કર્યા હતા. તેની ફરિયાદ પણ તેઓએ માધવપુર પોલીસ સ્ટેશનમાં કરી હતી. આથી ભરત હરદાસ પરમાર ઉપરાંત કેસુભાઈ, ગાંગાભાઈ કારાભાઈ કડછા,ચનાભાઈ ઉર્ફે સતિસભાઇ મુંર્છા,નાગાજણ સામે ફરજમાં રુકાવટ કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બનાવ ના પગલે સમગ્ર પંથક માં ચકચાર મચી છે.