પોરબંદરમાં નવ માસ પૂર્વે ઘી વેચવા આવેલી બે મહીલાઓએ દંપતી ને અડધો કિલો જુનું સોનું રૂ ૧ લાખ માં આપવાની વાત કરી સોના ના બદલે તાંબા પિતળની કટકીઓ પધરાવી દીધું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે મામલે પેરોલ ફર્લો સ્કવોડે બન્ને મહિલાઓ ને પાલનપુર થી ઝડપી લીધી છે.
પોરબંદરના જયુબેલી વિસ્તારમાં રહેતા ઉષાબેન રમેશભાઈ ધોકીયા(ઉવ ૪૪)એ ગત તા ૨૦-૩ ના રોજ પોલીસ ફરીયાદ નોંધાવી જણાવ્યું હતું કે ૧૫ દિવસ પહેલાં બપોર ના સમયે મારવાડી ભાષા બોલતી બે અજાણી મહીલાઓ તેમના લતામાં ઘી વેચવા માટે આવતા તેની પાસે થી ઘી ખરીદયું હતું. ત્યારબાદ તા.૧૮/૩ના ફરી તે મહિલાઓ ઘી વેચવા આવતા તેઓએ ઘી લેવાની ના પાડી હતી. ત્યારબાદ મહીલાઓએ પોતાની પાસે રહેલ સોના માંથી થોડું સોનું વેચ્યું છે. જેનો હિસાબ કરતા આવડતો ન હોવાથી ઉષાબેન ના પતી ને હિસાબ કરવા કહ્યું હતું. અને પોતાની પાસે હજુ થોડું સોનું છે. જે પૈસા ની જરૂર હોવાથી તાત્કાલિક વેચવું છે તેમ જણાવી પોતાની પાસે રહેલ પોટલી માંથી સોનાની કટકી આપી હતી.
જે રમેશભાઈ એ ચેક કરાવતા તે સોનાની જ હોવાનું સામે આવ્યું હતું. આથી તે મહિલા ઓ એ તેની પાસે કુલ ૫૦૦ ગ્રામ સોના ની કટકી હોવાનું અને ૫ લાખ માં વેચવી હોવાનું જણાવતા રમેશભાઈ એ ૨ લાખ માં લેવા તૈયારી બતાવી હતી. તેમાં થી રમેશભાઈ એ તેને ૧ લાખ આપ્યો હતો અને બીજા એક લાખ સોમવારે આપશે તેવું જણાવ્યું હતું. આથી બન્ને મહિલાઓ ૧ લાખ લઇ ૫૦૦ ગ્રામ વજન ની સોનાની કટકી આપી સોમવારે બીજા ૧ લાખ લેવા આવશે તેવું જણાવી ચાલી ગઈ હતી. ત્યાર બાદ રમેશભાઈ એ તે કટકી ચેક કરાવતા તે તાંબા અને પીતળ ની હોવાનું સામે આવતા તેઓના હોશકોશ ઉડી ગયા હતા અને તુરંત આ અંગે પોલીસ ને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી
પોલીસ અધીક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા અનડીટીકેટ ગુન્હાઓ તેમજ પેરોલ, ફર્લો તથા નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા સુચના આપવામાં આવી હતી જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કોડના પો.સબ.ઇન્સ. એચ.એમ.જાડેજા તથા પેરોલ ફર્લો સ્કોડ નો સ્ટાફ પેટ્રોલિંગ માં હતો તે દરમ્યાન એ.એસ.આઈ. જે.આર.કટારા તથા પો.હેડ.કોન્સ. હરેશભાઈ સિસોદીયા તથા પિયુષભાઈ સીસોદીયા તથા વજશીભાઈ વરૂ ની સંયુક્ત બાતમી મળી હતી કે, જયુબેલી વિસ્તારમાં ખોટુ સોનુ સાચા તરીકે વિશ્વાસમાં લઇ રૂા. ૧૦૦૦૦૦/- ની છેતરપીંડી કરનાર બે મહીલાઓ જે ફોટા તથા વિડીયામાં દેખાય છે તે મહીલાઓ હાલ પાલનપુર ખાતે છે જેથી પોલીસે તુરંત પાલનપુર દોડી જઈ તપાસ કરતા બન્ને મહીલાઓ મળી આવી જેની પુછપરછ કરતા પોતે આ ગુન્હો કરેલાની કબુલાત આપતા માયાબેન કૈલાશભાઈ સંચાણીયા ( ઉ.વ. ૫૫ રહે. મુળ. રામગર વિસ્તાર ઝુપડપટ્ટીમાં ભુજ હાલ. હુડકો સોસાયટી ખોખર નદીનો પુલ રાજકોટ) તથા ચાંદનીબેન દીપકભાઇ ગુલાબભાઇ ભકોડીયા (ઉ.વ. ૨૭ રહે. સોસાયટી ખોખર નદીનો પુલ રાજકોટ)ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ કામગીરી પેરોલ ફર્લો સ્કોડ પો.સબ.ઈન્સ. એચ.એમ.જાડેજા તથા એ.એસ.આઇ એચ.કે.પરમાર, જે.આર.કટારા, પિ.કે.બોદર તથા પિયુષભાઈ સીસોદીયા તથા પ્રકાશભાઈ નકુમ તથા વજશીભાઈ વરૂ તથા હરેશભાઈ સીસોદીયા તથા કેશુભાઈ ગોરાણીયા તથા જેતમલભાઈ મોઢવાડીયા તથા આકાશભાઈ શાહ તથા ટેકનીકલ ટીમ દ્વારા કરવામાં આવી છે.
અસલી સોનું ગીરવે મૂકી નકલી સોનું લીધું હતું
ફરીયાદી ઉષાબેન પાસે તે મહિલાઓ ને આપવા ૧ લાખ ની રકમ પણ ન હતી આથી તેઓએ પોતાનો ૩ તોલા સોનાનો ચેન પતી ને ફાઇનાન્સમાં ગીરવે મુકવા આપ્યો હતો અને તેમાંથી આવેલ રકમ આપી નકલી સોનું ખરીદ્યું હતું
ઉષાબેન ના પુત્ર એ કરેલ વિડીયો શુટિંગ પોલીસ માટે ઉપયોગી નીવડ્યું
ઉષાબેનના પુત્ર રોનકે મહિલાઓ ઘરે આવી ત્યારે બંને મહીલાઓના ફોટા અને વીડીયો શુંટીંગ પણ કરી લીધુ હતુ જેમાં બન્ને મહિલાઓ ના ચહેરા સ્પષ્ટ દેખાતા હોવાથી તે શુટિંગ પોલીસ ને ઉપયોગી નીવડ્યું હતું અને તેના આધારે બન્ને મહિલાઓ ઝડપાઈ હતી
જમીન ખોદી તેમાંથી સોનું નીકળ્યા ની સ્ટોરી બનાવી
રમેશભાઈએ મહિલાઓ ને આ જુના સોના અંગે પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે અમે માલધારી છીએ અને જયાં નેસડા નાખીએ છીએ ત્યાં એક જગ્યાએ ચુલો ગાળવા માટે જમીન ખોદી તો તેમાંથી આ સોનુ નીકળ્યુ છે જેમાંથી અડધુ સોનુ અમે હમણાં એક જગ્યાએ વહેંચ્યુ છે અને અમારે દિકરીના લગ્ન કરવાના છે માટે રૂપીયાની તાત્કાલીક જરૂર છે એટલે આ સોનુ પણ તાત્કાલીક વહેંચવુ છે.આમ સ્ટોરી બનાવી તેને નકલી સોનું પધરાવી દીધું હતું આ રીતે અન્ય કોઈ સાથે છેતરપિંડી કરી છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.