પોરબંદર જિલ્લામાં દર મહિનાના એડવાન્સમાં જ ગંગા સ્વરૂપા યોજના અંતગર્ત મહિલાઓને રાજ્ય સરકારના મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ૧૨૫૦ રૂપિયાની સહાય આપવામાં છે. જિલ્લામાં નોંધાયેલ ૨૨,૯૫૮ મહિલાઓને ગંગા સ્વરૂપા યોજના અંતગર્ત ડિસેમ્બર માસમાં ૨.૯૨ કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે.
ગુજરાત રાજ્યમાં મહિલા અને બાળ વિકાસની કચેરી દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના કાર્યરત છે, આ યોજના મારફત ગંગા સ્વરૂપા યોજનામાં મહિલાઓને દર મહિને ૧૨૫૦ રૂપિયાની સહાયનું ચુકવણું કરવામાં આવે છે. મહિલાઓ સન્માન પૂર્વક જીવી શકે તેવા હેતુથી મહિલા અને બાળ વિકાસ વિભાગે ૧૯૭૯થી મહિલાઓ માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અમલી બનાવી છે. જેમાં ૧૮ વર્ષ કે તેથી વધુ વયની કોઈપણ નિરાધાર વિધવા મહિલાઓની કુટુંબિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક ૧.૨૦ લાખ અને શહેરી વિસ્તાર માટે વાર્ષિક ૧.૫૦ લાખ કે તેથી ઓછી આવક ધરાવતી મહિલાઓને લાભ આપવામાં આવે છે.
જેમાં મહિલાએ દર વર્ષેનાં જુલાઈ માસમાં પુન:લગ્ન કર્યા નથી તે અંગેનું મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહે છે.મહિલાઓને આર્થિક રીતે સહાયરૂપ બનવા ૨૦૧૯ થી ગંગા સ્વરૂપા યોજના અંતગર્ત મહિલાને દર મહિને ૧૨૫૦ રૂપિયાની આર્થિક સહાય તેમના પોસ્ટ બેન્ક ખાતામાં સિદ્ધિ જમા કરાવવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા અરજી કરવા કોઈ સમય મર્યાદા નથી, પરંતુ તેની સહાય અરજી કર્યા તારીખથી મળવા પાત્ર છે. ગંગા સ્વરૂપા મહિલા પર આધારિત બાળકોને સહાયરૂપ બનવા માટે ગંગા સ્વરૂપા યોજના મહિલા માટે જૂથ વીમા યોજના પણ અમલી કરાય છે. ગંગા સ્વરૂપા જૂથ વીમા યોજનામાં જોડાયેલ મહિલાનું આકસ્મિક કારણોસર અવસાન થાય તો તેમના મૃત્યુ બાદ તેમના બાળકોને એક લાખનું વળતર આપવામાં આવે છે, અને લાભાર્થીઓએ કોઈ પ્રીમિયમ ચૂકવવાનું રહેતું નથી. સહાય મેળવનાર ૧૮ થી ૫૦ વર્ષની વયજુથની તમામ મહિલાઓએ ફરજિયાત પણે બે વર્ષમાં સરકાર દ્વારા કેવીકે મારફત તાલીમ મેળવવાની હોય છે.
પોરબંદર જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીની કચેરીના અધિકારી શ્રી હંસાબેન ટાઢાણીના જણાવ્યા મુજબ પોરબંદર જિલ્લામાં ડિસેમ્બર મહિનામાં ૨,૯૨,૧૮,૭૫૦ રૂપિયા જિલ્લામાં નોંધાયેલ ૨૨,૯૫૮ મહિલાઓને ગંગા સ્વરૂપા યોજના અંતગર્ત સહાયનું ચુકવણું કરવામાં આવ્યું છે.
ગંગા સ્વરૂપા સહાય યોજનામાં અરજી પત્રક સાથે કયા કયા દસ્તાવેજો જોડવાના હોય?*
ગંગા સ્વરૂપા યોજના લાભ લેવા મહિલાઓને અરજી પત્રક સાથે ફોર્મ અને ફોટો, રહેઠાણનો પુરાવો, રેશનકાર્ડની નકલ, ઉંમરનો પુરાવો, પતિના અવસાનનો દાખલો, પાસબુકની નકલ, આવકનો દાખલો, આધાર કાર્ડની નકલ, પુનઃલગ્ન ન કર્યા અંગેનું પ્રમાણપત્ર સહિતના દસ્તાવેજો અરજી આપવામાં અને આવકનો દાખલો અને પુનઃ લગ્ન અંગેનું પ્રમાણપત્ર તલાટી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અથવા ચીફ ઓફિસર સમક્ષ અધિકારીઓ પાસેથી મેળવવાનું હોય છે.
ગંગા સ્વરૂપા સહાય યોજના માટેના અરજી પત્રક મેળવવા તથા રજુ કેવી રીતે કરવાના હોય ?*
ગંગા સ્વરૂપા સહાય યોજના માટે અરજીપત્રકો વિનામૂલ્ય મેળવી શકાય છે. કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી તથા જિલ્લા કલેક્ટર શ્રીની કચેરી, મહિલા અને બાળ અધિકારીની કચેરી, મામલતદાર કચેરી, નજીકની ગ્રામ પંચાયત, નજીકની મામલતદાર કચેરી તેમજ છપાયેલ અરજીપત્રો કચેરીમાં ઉપલબ્ધ ન હોય તો નિયત કરેલ ફોર્મ પ્રમાણે ટાઈપ થયેલ અથવા ઝેરોક્ષ કરેલ અરજી પત્રકમાં અરજી કરી શકાશે. અરજીપત્રક નજીકની ગ્રામ પંચાયતના વીસીઈ અથવા સંબંધિત તાલુકા મામલતદારની કચેરી ખાતે મોકલવાના રહેશે.