જેતપુરના સાડી ઉદ્યોગનુ પાણી સરકારમાન્ય સંસ્થા અભ્યાસ કરશે પછી દરિયામાં વહાવાશે તેમ વધુ એક વખત લેખિતમાં જણાવીને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સ્પષ્ટ જણાવ્યુ છે કે આ પ્રોજેકટ આગળ વધવાનો જ છે. ત્યારે હવે આ મામલે શહેરીજનો જાગૃત બને તે જરૂરી બન્યું છે.
પોરબંદરના સીનીયર સીટીઝન પુંજાભાઈ લાખાભાઈ કેશવાલાએ વધુ એક વખત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને લેખિત પત્ર પાઠવીને એવુ જણાવ્યુ હતુ કે પોરબંદર મહાત્મા ગાંધીની જન્મભૂમિમાં વિશાળ સમુદ્રના પાણીમાં જેતપુર સાડી ઉદ્યોગનુ ગંદુ તેમજ કેમિકલયુકત ખરાબ, કદડાવારુ નકામુ પાણી નહી નાખવા બાબત અને કામગીરી તાત્કાલિક સત્વરે બંધ કરાવવા માંગ કરી હતી.
જો કે આ મામલે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ઇન્ચાર્જ પ્રાદેશિક અધિકારી આર.વી. ચૌહાણે પણ વધુ એક વખત લેખિતમાં પુંજાભાઇ કેશવાલાને એવો જવાબ આપ્યો છે કે ગુજરાત સરકાર દ્વારા ડીપ-સી એફલ્યુઅન્ટ ડીસ્પોઝલ પાઈપલાઈન પ્રોજેકટ અંતર્ગત સામુહિક શુધ્ધિકરણ એકમમાંથી (સી.ઈ.ટી.પી.) શુધ્ધ કરેલ ગંદા પાણીના ઉંડા દરિયામાં નિકાલ કરવા માટેની પાઇપલાઇન તથા પંપીગ સ્ટેશનના અમલીકરણની કામગીરી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તક ગુજરાત વોટર ઇન્ફાસ્ટ્રકચર લિમીટેડને સોંપવામાં આવેલ છે. જે અંતર્ગત જે તે વિસ્તારના સંલગ્ન સામુહિક શુધ્ધિકરણ એકમમાંથી (સી.ઈ.ટી.પી.) શુધ્ધ કરેલુ ગંદુ પાણી સમુદ્રમાં અંદરના ભાગે પાઈપલાઈન દ્વારા ઉંડા દરિયામાં પર્યાવરણને નુકશાન ન થાય તે રીતે સરકાર માન્ય સંસ્થા દ્વારા વૈજ્ઞાનિક અભ્યાસ કરાવ્યા બાદ તેઓ દ્વારા સુચવવામાં આવેલ પોઇન્ટ પર નિકાલ કરવાનો રહેશે.
વધુ એક વખત તંત્ર એ લેખિત જવાબ આપ્યો છે ત્યારે સરકાર લોકો ના વિરોધ વચ્ચે પણ સદી ઉદ્યોગ નું પાણી દરિયામાં વહાવવા મક્કમ હોવાનું જણાઈ રહ્યું છે ત્યારે પોરબંદર સહીત આસપાસ ના જીલ્લા ના લોકો,ખેડૂતો,સાગરખેડુ હવે આ મામલે સમયસર નહીં જાગે તો મોડુ થઈ જશે તેવુ જણાઈ રહ્યુ છે. જો કે હાલ માં આ મામલે લોકો ને જાગૃત કરવા અને સૌ સાથે મળી લડત ચલાવવા સેવ પોરબંદર સી કમિટી ના ડો નુતનબેન ગોકાણી દ્વારા સમુદ્ર પ્રહરી નામનું વોટ્સેપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે અને ગ્રુપ માં જોડાયેલ સૌ વિદ્વાનો,ચિંતકો,જાગૃત નાગરિકો,અગ્રણીઓ,શહેરીજનો આ મામલે પોતાની રીતે યોગદાન આપી સમગ્ર યોજના સરકારે રદ કરવી પડે ત્યાં સુધી લડત ચલાવવામાં આવશે. તેવું પણ જાણવા મળે છે.