પોરબંદર નજીકના સોઢાણા ગામે એક પશુપાલકે પોતાની ભેસનો વીમો ઉતાર્યો હતો તેનુ અકાળે મૃત્યુ થતા કલેઈમ કર્યો હતો. જે વીમા કંપનીએ ક્ષુલ્લક કારણોસર રીજેકટ કર્યો હતો. જેમાં ભેસના મૃતદેહ પરથી તેનો ટેગ રીમુવ કરવાનું વીમા કંપનીએ જણાવતા પશુપાલકે એ ટેગ કાઢયો ત્યારે તૂટી ગયો હતો. તેથી કંપનીએ ટેગ ડેમેજ હોવાનુ જણાવી કલેઇમ નકાર્યો હતો. પરંતુ ગ્રાહક સુરક્ષા કોર્ટે આ કેસમાં ૬૨ હજાર રૂપિયા ચુકવવા હુકમ કર્યો છે.
પોરબંદર જિલ્લાના સોઢાણા ગામના ખેડૂત નાગા મેરામણ કારાવદરાએ પોતાની ભેસ માટેનો તબેલો બનાવવા માટે લોન લીધેલ હતી અને આ માટે સરકારની ‘કેટલ’ યોજના અંતર્ગત લાભ મેળવેલ હતો. જે મુજબ ન્યુ ઇન્ડીયા ઇન્સ્યોરન્સ કંપનીનો ભેસ માટેનો વીમો ઉતારવામાં આવેલ હતો.જેનુ વીમા પ્રિમિયમ રકમ રૂા. ૪૩,૩૩૦ પણ વીમા કંપનીએ ભરેલ હતુ. ત્યારબાદ થોડા સમય પછી ભેંસનું અકાળે મૃત્યુ થતા વીમા કલેઈમ કરેલ. પરંતુ વીમા કંપનીએ અજીબોગરીબ કારણ બતાવી વીમા કલેઈમ ગેરકાયદેસર રીતે રીજેકટ કરેલ. વીમા કંપની દ્વારા ભેસ ઉપર રહેલ ટેગ રીમુવ કરી મોકલાવી આપવા જણાવેલ જે ટેગ મૃત ભેસના બોડી ઉપરથી રીમુવ કરતી વખતે તૂટી જતા કલેઈમ નકારેલ હતો.
જેની સામે આ જાગૃત ખેડૂતે પોરબંદરના એકવોકેટ વિજયકુમાર પંડયા મારફતે વીમા કંપનીને અને એજન્ટને લીગલ નોટીશ આપી ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે કેસ દાખલ કરેલ હતો જેમાં વીમા કંપનીએ પોતાની વીમા પોલીસીના વિચિત્ર નિયમોની સૂચિ રજૂ કરી ડેમેજ ટેગ હોવાથી કલેઇમ નકારેલ હોવાનો બચાવ લીધેલ હતો. ત્યારે વકિલ વિજયકુમાર પંડયાએ એવી દલીલો કરેલ કે ટેગ રીમુવ કરવો તે વીમા કંપનીના ટ્રેઇન પર્સનની જવાબદારી હોય છે. ઉપરાંત આવી કોઈ ખાસ પ્રકારની તાલીમ વીમા પોલીસી ખરીદી કરતી વખતે કે વીમા પ્રિમિયમ સ્વીકારતી વખતે જણાવવામાં કે શીખવવામાં આવેલ ન હોય, આ કારણે કલેઇમ નકારી શકાય નહી અને વીમા પ્રિમિયમ નિયમિત રીતે વસુલતા સુધી આવા કોઈ જ નિયમોની સુચી અમલમાં આવતી નથી. માત્ર કલેઈમ સમયે ઓચિંતી જણાવવામાં આવતા નિયમો કાયદેસરના માની શકાય નહીં. જે દલીલોને કોર્ટે ધ્યાને લઇ પુરાવાઓને ધ્યાને લઇ ૩૦ દિવસમાં વીમા કંપનીને રૂા. ૬૨,૦૦૦ ચુકવી આપવાનો હુકમ ફરમાવેલ છે. જે હુકમથી ગ્રાહક વીમેદારને ન્યાય મળેલ હોવાનો સંતોષ થયો છે. તેમજ વિના વ્યાજબી કારણે કલેઇમ રીજેકટ કરવાના સીલસીલાવાળી વીમાકંપનીઓને વધુ એક ઝટકો પહોચ્યો છે.
પોરબંદર જિલ્લામાં વિના વ્યાજબી કારણે અવારનવાર વીમા કંપનીઓ વીમા કલેઇમ રીજેકટ કરતા હોવાના બનાવોએ વેગ પકડયો છે. મોટા ભાગની વીમા કંપનીઓ વીમા પ્રિમિયમ વસુલી લીધા બાદ કલેઇમ સમયે જવાબદારીમાંથી હાથ ખંખેરી મોટી રકમનું ચુકવણુ ન કરવુ પડે તે માટે અલગ અલગ બહાનાઓ બતાવી કલેઈમ રીજેકટ કરતી હોય છે. જેની સામે ઘણા જાગૃત ગ્રાહકો કાનુની રાહે આગળ વધી પૂરુપૂરી કલેઇમની રકમ પરત મેળવે છે તેમજ વીમા કંપનીઓને ખાસ પેનલ્ટીના હુકમો પણ થતા હોય છે.