પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલ આવાસ યોજના માં મહિલા ના બંધ બ્લોક માં દર બે મહિને ૨૩ હજાર રૂપિયાથી વધુનું લાઇટબીલ આવતા તેઓ ચોંકી ઉઠયા હતા. અને રજુઆત કરવા છતાં હજુ સુધી કાર્યવાહી ન થતા અધિક્ષક ઇજનેરને ફરિયાદ કરાઈ છે.
પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં રહેતા હીરાબેન નરસીભાઈ કિશોરે પી.જી.વી.સી.એલ.ના અધિક્ષક ઇજનેરને લેખિત રજૂઆત કરી જણાવ્યુ છે કે બોખીરામાં આવેલ આવાસ યોજના ખાતે તેમને બ્લોક ફાળવવામાં આવ્યો છે. પરંતુ બે વર્ષથી તેઓ બ્લોકમાં રહેતા નથી. અને ઇલેકટ્રીક મીટર ધરાવે છે. અને બંધ ઇલેકટ્રીક મીટરનું ૩૦ રૂા.થી વધુ બીલ આવ્યુ નથી. પરંતુ ડિસેમ્બર-૨૦૨૩થી સતત આ મીટરમાં સમજી શકાય નહી તે રીતે ગેરવ્યાજબી રીતે દર બે મહિને ૨૩ હજાર રૂપિયા કે તેથી વધુનું બીલ આવતુ રહ્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે તેઓએ મૌખિક રીતે પીજીવીસીએલ કચેરી એ રૂબરૂ જઈને રજુઆત કરી હતી પણ બીલમાં કોઈ સુધારો કરી આપ્યો નથી. અને ભુલ પણ સ્વીકારી નથી.
મહિલા વતી માછીમાર અગ્રણી જીવનભાઈ જુંગીએ પણ રજુઆત કરતા જણાવ્યુ હતું કે મચ્છીનો છૂટક ધંધો કરતા મહિલાએ વારંવાર પી.જી.વી.સી.એલ.ને રજૂઆત કરી તપાસની માંગ કરી હતી. પરંતુ પીજીવીસીએલ એ મીટરની તપાસ કરતા બરાબર હોવાનુ જણાવ્યુ હતુ. અને છેલ્લા પાંચેક બીલ દર બે મહિને ૨૩ હજાર કે તેથી વધુ રકમના આવ્યા છે. અને તે ભરપાઈ નહી કરતા લોક અદાલતમાં પણ કેસ લઇ જવાયો હતો. અને ૪૦ હજાર રૂપિયામાં સમાધાન કરવા જણાવાયુ હતુ. પરંતુ ગરીબવર્ગની મહિલા આટલા રૂપિયા કયાંથી કાઢે અને તેણે પાવર વાપર્યો જ નથી તો શા માટે બીલ ભરે તેવા સવાલો સાથે જો સ્થાનિકકક્ષાએથી ન્યાય નહી મળે તો ઉચ્ચકક્ષાએ પણ જવાની ચીમકી આપી છે.